________________
૧૩
માત્ર બાહ્ય ધર્મક્રિયાથી માટીના ઘડા સમાન નિરનુબંધ પુણ્યરૂપ ફલ જાણવું. માટીનો ઘડો ફૂટે નહિ ત્યાં સુધી કામમાં આવે, ફૂટી ગયા પછી કામમાં ન આવે. તેમ નિરનુબંધ પુણ્યથી એ પુણ્યોદય હોય ત્યાં સુધી સુખ મળે, પણ તેની પરંપરા ન ચાલે. (૨૪૨)
બુદ્ધિમાન પુરુષે પરલોકના હિત માટે જિનાજ્ઞાનુસારી ધર્મકાર્યોમાં રાત-દિવસ પોતાના માનસિક પરિણામને રાગ-દ્વેષ-મોહથી રહિત કરવા જોઈએ. રાગ-દ્વેષ-મોહરહિત માનસિક પરિણામથી થતી ધર્મક્રિયાથી પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય. (૨૪૩)
અહીં તીર્થકર વગેરે પ્રત્યે બહુમાન થયા વિના આજ્ઞા પ્રત્યે બહુમાન ન જ થાય. આથી એ નિશ્ચિત થાય છે કે જે આસન્નભવ્ય જીવને આજ્ઞા પ્રત્યે બહુમાન છે તેને તીર્થકર વગેરે પ્રત્યે અવશ્ય બહુમાન છે. (અગ્નિ વિના ધૂમાડો ન જ હોય એવો નિયમ છે. એ નિયમથી એ નિશ્ચિત થાય છે કે જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ અવશ્ય હોય.) એમ તીર્થંકર વગેરે પ્રત્યે બહુમાન થયા વિના આજ્ઞા પ્રત્યે બહુમાન ન જ થાય એવો નિયમ છે. આ નિયમથી એ નિશ્ચિત થાય છે કે જેને આજ્ઞા પ્રત્યે બહુમાન છે તેને તીર્થકર વગેરે પ્રત્યે અવશ્ય બહુમાન છે. (૨૪૪)
દ્રવ્યાજ્ઞા-ભાવાજ્ઞા જેમણે રાગ-દ્વેષ-મોહના ગાઢ પરિણામરૂપ ગ્રંથિનો ભેદ કર્યો નથી તેવા જીવો અભિન્નગ્રંથી છે. અભિન્નગ્રંથી જીવોને ભાવથી જિનાજ્ઞા ન હોય. કેટલાક બાલ તપસ્વીઓ અને અન્યદર્શનીઓ સંસારથી અતિશય કંટાળેલા અને મોક્ષની તીવ્ર અભિલાષાવાળા જોવામાં આવે છે. પણ તેમણે ગ્રંથિનો ભેદ કર્યો ન હોવાથી જિનાજ્ઞાના યથાર્થ સ્વરૂપને જાણતા નથી. જિનાજ્ઞાના યથાર્થ સ્વરૂપને નહિ જાણવાના કારણે તેમને ભાવથી જિનાજ્ઞા ન હોય. (૨૫૨) ગ્રંથિસ્થાને આવેલા અપુનબંધક, માર્ગાભિમુખ, માર્ગપતિત, સકૃબંધક, દૂરભવ્ય, અભવ્ય વગેરે જીવોને જિનાજ્ઞા દ્રવ્યથી હોય છે, ભાવથી ન હોય.
ભાવાર્થ- શાસ્ત્રમાં દ્રવ્ય શબ્દના પ્રધાન દ્રવ્ય અને અપ્રધાન દ્રવ્ય એમ બે અર્થ છે. જે પદાર્થ હમણાં દ્રવ્યરૂપ હોય, પણ ભવિષ્યમાં ભાવરૂપ બનવાની યોગ્યતાવાળો હોય તે પદાર્થ પ્રધાનદ્રવ્ય કહેવાય. જેમકે કોઈક સાધુને તાત્કાલિક આચાર્યપદ આપવાનો પ્રસંગ આવ્યો. પણ તે સાધુમાં હમણાં આચાર્યપદ પામવાની લાયકાત નથી. આમ છતાં ભવિષ્યમાં આ સાધુ આચાર્ય પદ પામવાની લાયકાતવાળો બની જશે એવી યોગ્યતા તેનામાં ગુરુને દેખાય છે. આવી યોગ્યતા જોઈને ગુરુ તેને તાત્કાલિક આચાર્યપદનું પ્રદાન કરે છે. આ આચાર્ય હમણાં આચાર્યપદને પામવાની લાયકાતવાળા ન હોવાથી દ્રવ્ય આચાર્ય છે, ભાવ આચાર્ય નથી. આમ છતાં તે આચાર્ય ભવિષ્યમાં ભાવ આચાર્ય બનશે એ અપેક્ષાએ હમણાં તે પ્રધાન દ્રવ્ય આચાર્ય છે.