________________
૧ ર
સંસારમાં પ્રાયઃ સર્વ જીવોની દ્રવ્યલિંગ ક્રિયા અનંત થઈ છે. તે દ્રવ્યક્રિયાઓમાં પણ શુદ્ધધર્મના બીજની વાવણી થઈ નથી.
પ્રશ્ન- દ્રવ્યલિંગ ક્રિયામાં કષાયો પ્રવર્તતા નથી, છતાં શુદ્ધ ધર્મબીજની વાવણી કેમ ન થઈ ?
ઉત્તર- દ્રવ્યલિંગ ક્રિયામાં કોઈક રીતે કષાયોની પ્રવૃત્તિ ન થવારૂપ લેશ્યાની શુદ્ધિ હોવા છતાં અનંતભવ ભ્રમણની યોગ્યતારૂપ સહજ ભાવમલ હજી પણ ઘણો હોવાથી શુદ્ધ ધર્મબીજની વાવણી ન થઈ. સહજ ભાવમલ ઘણો જ ક્ષીણ થઈ જાય ત્યારે મનુષ્યો ધર્મબીજની વાવણી કરી શકે છે. સહજ ભાવમવલ એટલે આત્મામાં રહેલી કર્મસંબંધની યોગ્યતા. આ ભાવમલના કારણે સંસારમાં જીવના પુદ્ગલ પરાવર્તે થાય છે. એથી ભાવમલ જેટલો વધારે તેટલા પુદ્ગલ પરાવર્તે વધારે થાય. (૨૩૩)
આજ્ઞાબહુમાન વિના કલ્યાણ ન થાય માત્ર ધર્મક્રિયાથી ફળ નથી મળતું, કિંતુ આજ્ઞાબહુમાનપૂર્વકની ધર્મક્રિયાથી ફળ મળે છે. આજ્ઞાબહુમાનપૂર્વક થતી ધર્મક્રિયાથી પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય છે. અશુભ કર્મનો બંધ નિરનુબંધ થાય, સાનુબંધ ન થાય. (૨૩૮)
કોઈપણ રીતે થયેલા ભાવપૂર્વકના આજ્ઞાબહુમાનથી પોતાની શક્તિ પ્રમાણે પ્રધાનપણે મોક્ષમાર્ગને અનુસરનારી શાસનપ્રભાવના વગેરે વિવિધ સુક્રિયામાં ઉત્સાહપૂર્વક પ્રવૃત્તિ અવશ્ય થાય છે. જો પોતાની શક્તિ પ્રમાણે ક્રિયા ન થાય તો સમજવું જોઈએ કે શુદ્ધ ભાવાજ્ઞાબહુમાન થયો નથી. કારણ કે નિશ્ચયનયના અભિપ્રાયથી જે કારણ પોતાના કાર્યને સાથે તે જ વાસ્તવિક કારણ છે આથી શદ્ધ ભાવાજ્ઞાબહુમાનની વિદ્યમાનતામાં સુક્રિયા અભિપ્રેત છે. (૨૩૯)
આજ્ઞાબહુમાનપૂર્વકની સુક્રિયાથી સુવર્ણઘટતુલ્ય વિશિષ્ટ ફળ થાય છે, અને તે ફળ અનુબંધવાળું (=ઉત્તરોત્તર પરંપરા ચાલે તેવું) જ હોય છે. -
સુવર્ણઘટ તુલ્ય એમ કહેવાનો તાત્પર્યાર્થ આ પ્રમાણે છે - જેમ માટીનો ઘડો ભાંગે તો નકામો જાય છે, પણ સોનાનો ઘડો ભાંગે તો નકામો જતો નથી. કેમકે સુવર્ણનો ભાવ ( પૈસા) ઉપજે છે, અથવા તેનાથી જ નવો સુવર્ણનો ઘડો બનાવી શકાય છે. તેવી રીતે ભૂતકાળમાં બંધાઈ ગયેલાં તેવા પ્રકારનાં અશુભ કર્મોના ઉદયથી પુણ્યાનુબંધી પુણ્યનો બંધ અટકી જાય તો પણ ભવિષ્યમાં ફરી અવશ્ય સુક્રિયા કરવા દ્વારા પુણ્યાનુબંધી પુણ્યનો બંધ શરૂ થાય છે. (૨૪૦)