________________
કરવા ફરી ફરી તે ખોટા કામમાં વધારે જોરથી યત્ન કરવા લાગે છે, જેથી કર્મનો બોજો વધતો જાય છે. તેનાં પરિણામે સર્વ બાજુથી નિષ્ફળ જતાં નાસીપાસ બને છે.
આપણા આવા બેહાલ ન થાય તે માટે મૂળમાંથી અશુદ્ધિ દૂર કાઢવી પડે. વિશુદ્ધિ આવ્યા પછી અનેક આફતોની તલવાર સામે લટકતી હોય તો પણ આત્મામાં એવું સત્ત્વ-પરાક્રમ ખીલી ઉઠે છે કે જે તલવાર (આફત) પોતાના ગુણોનું ખૂન કરવા આવી છે, તેને જ પોતાનું હથિયાર બનાવી બેવડી હિંમતથી કર્મ સામે લડે છે અને આખરે જય મેળવે છે. તેનો સાક્ષાતકાર કરાવનારા નર્મદાસુંદરી, મહાસતી સીતા વિગેરે અનેક દાખલા આ ગ્રંથમાં બહુજ ખુલાસા સાથે આપવામાં આવ્યા છે. સાતક્ષેત્રનાં પ્રત્યે આપણું શું કર્તવ્ય છે તે ખાસ જણાવવામાં આવ્યું છે. તેવી ફરજ બજાવનારનું સમકિત શુદ્ધ બને છે. માટે આ ગ્રંથનું નામ મૂળશુદ્ધિ પસંદ કરવામાં આવ્યું છે.
આ ગ્રંથની વિશેષતા એ છે કે અહીં આપેલા કથાનક પણ આપણા જેવાં બાળ જીવો માટે સિદ્ધાંતની કેડી બને એવાં છે. આ ગ્રંથ માત્ર આત્માના મંડણને અનુલક્ષી રચાયેલો છે. વળી આનાં મૂળ ગ્રંથકાર પ્રદ્યુમ્નસૂરિજી અતિ પ્રાચીન છે જ, સાથોસાથ આનાં ટીકાકાર શ્રીમદ્ દેવેન્દ્રસૂરીશ્વરજી છે. જે આચાર્ય અભયદેવસૂરીશ્વરજી નાં ગુરુભાઈ છે. અને ગ્રંથનો જે રચનાકાળ છે તે પણ વિવાદગ્રસ્ત ન હોવાથી આ ગ્રંથની પ્રમાણિકતા ઘણી વધી જાય છે. બધા કથાનકો પ્રાકૃતમાં છે, તેની રચના ટીકાકારે કરેલી છે. એ પણ લગભગ આગમ અને પ્રાચીન ગ્રંથોના આધારે છે. માટે વર્તમાનકાળમાં આ ગ્રંથે પ્રમાણિક્તાની છાપ મેળવી છે. હવે આટલા મૂલ્યવાન રત્નોથી ભરેલો મૌલિક ગ્રંથ જો પ્રાકૃતમાં જ રહે તો છુપો ખજાનો રહી જાય, તો આપણાં જેવા તેનો લાભ ઉઠાવી ન શકે. બસ એ છુપા ખજાનાને મુનિશ્રી રત્નજયોત વિજયજીએ અનુવાદની ચાવી લગાડી ખોલવાની કોશીશ કરી છે. આપણે સહુ આ ખુલ્લા ખજાનાનો લાભ ઉઠાવીએ.
ગ્રંથનું નામ: “સાત શુભ ક્ષેત્રનું કર્તવ્ય બતાવી તેનાં દ્વારા આત્માનાં મૂળમાં જે અશુદ્ધિ લાગેલી છે તે દૂર થાય છે આવા આશયથી આ ગ્રંથનું મૂળશુદ્ધિ પ્રકરણ નામ રાખવામાં આવ્યું છે. અને સાત સ્થાનનું વર્ણન હોવાથી “સ્થાનકાનિ” આવું બીજુ નામ આ ગ્રંથ ધરાવે છે.
મૂળશુદ્ધિ પ્રકરણના રચયિતા : શ્રી પૂર્ણતલ્લીય ગચ્છનાં આગ્રદેવ સૂરિ ભગવંતનાં શ્રીદત્ત ગણિવર્ય શિષ્ય હતા. ત્યારપછી યશોભદ્રસૂરિવર્ય થયા. તેમનાં શિષ્ય શ્રીમદ્ પ્રદ્યુમ્નસૂરિજી છે આમ પ્રશસ્તિ ઉપરથી માહિતી મળે છે.
અને ટીકાકાર અભયદેવસૂરિના ગુરૂભાઈ હોવાથી તેમનાં સમકાલીન છે, એ સહજ માલુમ પડે એમ છે. ટીકા રચવાનો કાળ વિ.સં. ૧૧૪૬નો છે.
સમકિત પ્રાપ્તિનો ઉપાય તેની શુદ્ધિ કરવી અને તે સ્થિર રહે એનાં માટે અનેક મહર્ષિઓએ આગમાનુસાર અને તે તે કાળમાં બની ગયેલી ઘટનાના અનુસારે ઘણું ઘણું લખ્યું છે. આજે પણ એવાં અનેક ગ્રંથ વિદ્યમાન છે.