________________
મૂળશુદ્ધિ ભાગ-૧
(સંપ્રતિરાજા કથાનક ) સુર અસુર વ્યંતર વિદ્યાધર ચક્રીઓ વડે વંદિત ભરતવર્ષમાં અપચ્છિમ વીર જિનેશ્વર હતા. તેમણે લાંબુ આયુષ્ય જાણી પોતાનાં પદે સુધર્માસ્વામીને સ્થાપ્યાં. તેમનાં જાંબુનદ સમા તેજવાળાચરમ કેવલી જબુસ્વામી નામે શિષ્ય હતાં. અને તેમનાં પ્રભવસ્વામી નામે શ્રુતકેવલી શિષ્ય હતાં. તેમનાં શિષ્ય શäભવસ્વામી જે ભવોદધિ તરવા માટે શય્યા (નાવ) સમાન છે એટલે કે સંસારથી તારનાર છે. કારણ કે જેમણે મનક માટે દશવૈકાલિક સૂત્રનો પૂર્વમાંથી ઉદ્ધાર કર્યો. તેમનાં શિષ્ય યશોભદ્ર સૂરિ, તેમના શિષ્ય સંભૂતિસૂરિ, તેમનાં ભદ્રબાહુ સ્વામી, તેમની પાટે સ્થૂલિભદ્ર થયા. જે અનેક ગુણોનાં પ્રભાવે પૂજાયેલાં આ ભરતક્ષેત્રમાં આ અવસર્પિણના છેલ્લા ચૌદ પૂર્વધર હતા.
અનેક ગુણોથી અલંકૃત તેમજ જેઓ કામરૂપીહાથીના કુંભને ભેદવામાં દ્રઢદાઢા અને ખુલ્લા મુખવાળા, ખરખવાળા સિંહકિશોર સમ હતા. તેમનાં બે શિષ્યો દશપૂર્વી આર્યમહાગિરિજી અને આર્ય સુહસ્તિસૂરિજી હતા. સ્થૂલભદ્રસ્વામીએ બન્નેને જુદા જુદા ગણ આપ્યા હતા.છતાં બન્નેમાં પ્રીતિ ઘણી હોવાથી સાથેજ વિચરતા હતા.
એક વખત વિચરતાં વિચરતાં કૌશાંબી નગરીમાં પધાર્યા. ત્યાં નાની વસતિનાં કારણે અલગઅલગ રહ્યા, પણ ત્યાં તે વખતે ભારે દુષ્કાળ ફેલાયેલો હતો. આર્યસુહસ્તિનાં સાધુ ભિક્ષા માટે સંપત્તિશાળી ધનસાર્થવાહનાં ઘેર ગયાં, સાધુને આવતાં દેખી પરિજન સાથે શેઠ સહસા ઉભા થયા અને સાધુને વાંદ્યા અને શેઠાણીને કહ્યું કે “સિંહકેસરીયા લાડુ” વિ. ઉત્તમજાતિનો આહાર લાવ. જેથી સાધુ મહાત્માને વહોરાવું.
વચન સાંભળતા જ શેઠાણી સર્વ ઉત્તમ આહાર લઈ હાજર થયાં. હર્ષવિભોર થઈ વિકસિત વદને મુનિઓને વહોરાવ્યું. દરવાજા સુધી શેઠ સાથે ગયા. આ સર્વ હકીકત એક ભીખારીએ જોઈ. તે જોઈને વિચારવા લાગ્યો, આ જીવ લોકમાં આ સાધુઓજ કૃતાર્થ છે. જેમને આવાં ધનકુબેરો પણ નમે છે.અને દારુણ દુષ્કાળમાં પણ મૃત્યુ લોકમાં દુર્લભ એવાં વિવિધ પ્રકારનાં આહારને પ્રાપ્ત કરે છે. અનેક રીતે દીનતા દાખવવાં છતાં (મસ્કા મારવાં છતાં) કોળીયા જેટલું હલકું અન્ન પણ અધન્ય એવાં મને પ્રાપ્ત થતું નથી. ક્યારેક કોઈક આખો દિવસ દીનવચનો બોલતા કોળીયા જેટલું ખરાબ અન્ન આપે તો પણ ઘણો આક્રોશ કરે, તેથી યથેચ્છિત મેળવેલ આહારમાંથી મુનિ પાસે થોડું માંગુ, મુનિ કરુણાથી કાંઈક આપશે.
. એવું વિચારી તે સાધુ પાસે તેણે આહાર માંગ્યો. સાધુઓએ કહ્યું જ્યાં સુધી ગુરુદેવ આજ્ઞા ન આપે ત્યાં સુધી અમે આના સ્વામી નથી. તેથી આ બાબતમાં ગુરુભગવંત જ જાણે. ભીખારીએ સાધુની પાછળ ગુરુ પાસે જઈ ભોજન માંગ્યું. ત્યારે શ્રુત ઉપયોગ મૂકી આર્યસુહસ્તિસૂરિએ જાણ્યું કે “આ જિનશાસનનો આધાર બનશે.” પછી તેને કહ્યું કે જો તું દીક્ષા લે તો ઈચ્છિત આહાર આપું. તેણે હાં પાડી એટલે દીક્ષા આપી. અવ્યક્ત સામાયિક આપી ઈચ્છા પ્રમાણે ભોજન કરાવ્યું. ત્યાર પછી સ્નિગ્ધ આહારના લીધે વિપૂચિકા (કોલેરા) થઈ. મહાવેદનાથી ઘેરાઈ જવા છતાં આયુષ્ય ક્ષય થતાં મરીને