________________
પ૯૦-પ્રેમના વિપાકમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [પ્રદેશી રાજાની પત્નીનું દૃષ્ટાંત શકતા નથી. જેમ કે- કોઈ પુરુષે મોટો અપરાધ કર્યો, રાજાએ તેને કેદ કર્યો હોય. હવે રાજાએ નીમેલા અતિક્રૂર પુરુષો તે પુરુષના સ્વજનો વગેરેના પ્રાણ લઈ રહ્યા હોય ત્યારે તે પુરુષ પોતાના તે સ્વજનો વગેરેને જોવાની ઇચ્છાવાળો હોય તો પણ તેમની પાસે આવી શકતો નથી. તેવી રીતે નારકો પણ અહીં આવવાની ઇચ્છાવાળા હોવા છતાં આવી શકતા નથી.
રાજાએ કહ્યુંઃ ભલે તેમ હો. તો પણ મેં એક ચોરને છિદ્રરહિત લોઢાની પેટીમાં પૂર્યો. ઘણા કાળ પછી મેં એ પેટીને ખોલીને જોઈ તો તેમાં કૃમિનો ઢગલો જ જોવામાં આવ્યો. તે પેટીમાંથી નીકળતા જીવે પેટીમાં કોઈપણ પ્રકારનું છિદ્ર કર્યું ન હતું. તેથી જણાય છે કે શરીરોમાં જીવ (=આત્મા) નથી. ગુરુએ કહ્યું: હે રાજન! આ માત્ર વાણી જ છે. કારણ કે કોઈ પુરુષને પેટીમાં પૂરવામાં આવે. તે પુરુષ પેટીમાં શંખ વગેરેને વગાડે તો શંખ વગેરેના શબ્દો વગેરે છિદ્રરહિત પણ પેટી વગેરે વસ્તુઓમાંથી બહાર સંભળાય છે. ધમાતા (=સંપાવાતા) છિદ્રરહિત લોઢાના ગોળા વગેરેમાં અગ્નિ પ્રવેશે છે. તેમાં નીકળવા માટે કે પ્રવેશ કરવા માટે કરેલું કોઈ છિદ્ર દેખાતું નથી. જો રૂપી પણ શંખશબ્દ વગેરેમાં આ પ્રમાણે છે (=છિદ્ર વિના પણ પ્રવેશ-નિર્ગમ થઈ શકે છે) તો અરૂપી જીવ માટે શી વાત કરવી?
રાજાએ કહ્યું: હે ભગવન્! મેં એક ચોરનું શરીર તલ તલ જેટલા ટુકડા કરીને છેવું. તેમાં કયાંય મને જીવ દેખાયો નહિ. તેથી જીવ છે એમ કેવી રીતે મારે સ્વીકારવું? આચાર્ય ભગવાને કહ્યું કે મહારાજ! ચંદ્રકાન્ત મણિને ખંડ ખંડ કરીને તોડવામાં આવે તો પણ તેમાં પાણી દેખાતું નથી. અરણિકાષ્ઠ વગેરેમાં અગ્નિ દેખાતો નથી. તો પણ ચંદ્રકિરણોનો સંપર્ક વગેરે સામગ્રીથી તેમાંથી પાણી નીકળે છે, અને અરણિકાષ્ઠને ઘસવાથી તેમાંથી અગ્નિ પેદા થાય છે. તેથી રૂપી પણ વસ્તુઓ ક્યાંક કોઈક રીતે વિદ્યમાન હોવા છતાં દેખાતી નથી. તો પછી અરૂપી વસ્તુઓ વિદ્યમાન હોવા છતાં ન દેખાય તેમાં શું કહેવું?
રાજાએ કહ્યુંહે ભગવન્! બીજા એક ચોરને મેં જીવતો તોળ્યો. પછી ગળે અંગૂઠાથી દબાવીને મારી નાખ્યો. પછી તેને તોળ્યો. તેમ કરવામાં જીવની વિદ્યમાનતા અને અવિદ્યમાનતાના કારણે કરાયેલ કોઈ વિશેષતા જાણવામાં ન આવી, (મર્યા પહેલાં અને મર્યા પછી વજન સમાન જ થયું. જો શરીરથી જુદો જીવ હોય તો મર્યા પછી જીવ નીકળી જવાના કારણે વજન ઓછું થવું જોઈએ.) તેથી તેમાં જીવ હતો એવી શ્રદ્ધા કેવી રીતે કરાય? ગુરુએ કહ્યું: હે રાજન! કોઈ ગોવાળે મશકને (=ચામડાની કોથળીને) પવનથી પૂરી. પણ તેમાં પવનની વિદ્યમાનતા અને અવિદ્યમાનતાના કારણે કોઈ વિશેષતા જોવામાં ન આવી. (અર્થાત્ મશકનું પવન પૂર્યા વિના જેટલું વજન હતું તેટલું જ વજન પવન પૂર્યા પછી પણ હતું.) પહેલાં તેમાં પવન પ્રત્યક્ષથી પણ જોવાયો હતો. જો રૂપી પણ વસ્તુમાં આ પ્રમાણે છે તો અરૂપી આત્મા વિષે શું કહેવું?