________________
અભયદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર-૨૫
આ જે અનુકૂલ દેખાય છે, તેમાં પણ કાલપરિણતિરૂપ સ્વપત્ની, લોકસ્થિતિરૂપ બહેન, ભવિતવ્યતારૂપ પુત્રવધૂ, સ્વભાવરૂપ મંત્રી અને અન્ય પરિજનની સાથે વિચારણા કરીને અનુકૂલ થાય છે. પણ બીજાની અપેક્ષાથી નહીં. તેથી આ અશક્ય છે. કારણ કે અમે તેને ક્યાં પ્રવર્તાવીએ કે રોકીએ ? પછી અન્ય સુબુદ્ધિ નામના મંત્રીએ કહ્યુંઃ જો એમ છે તો શ્રીવિજયરાજાને સમુદ્રની મધ્યમાં વહાણમાં રાખીએ. અહીં વિજળી `મારતી નથી. આ વિષે પણ મતિસાગરે કહ્યું: જો કર્મપરિણામ સમુદ્રમાં ન જતો હોય તો તમોએ વિચાર્યું તે સુંદર છે. પણ તેવું નથી, અર્થાત્ કર્મપરિણામ સમુદ્રમાં પણ જાય છે. કારણ કે તે અસંભાવનીય પ્રદેશોમાં પણ સ્ખલના પામ્યા વિના જાય છે. કહ્યું છે કે ‘‘ત્યાં ગયેલો શાંતિ પામીશ એમ વિચારીને પુરુષ દૂર જાય છે. પણ ત્યાં પણ આગળ પહોંચી ગયેલા પૂર્વકૃત કર્મો રાહ જુએ છે.’’ આ વિશે શાસ્ત્રોમાં આ પ્રમાણે સંભળાય છે– કાનભૂતિ નામના રાક્ષસે એક નગરને ઉજ્જડ કર્યું. આથી તે નગરના સ્વામી રાજાએ પવિત્ર વસ્ત્રોને પહેરીને અંજલિ જોડીને રાક્ષસને કહ્યું: તારી જે ઇચ્છા હોય તે હું કરું છું. નગરના ઉપદ્રવને છોડ. તેથી કાનભૂતિએ કહ્યુંઃ જો પ્રતિવર્ષ નગરનો એક એક મનુષ્ય બલિમાં આપે તો ઉપદ્રવ છોડું. રાજાએ તે સ્વીકાર્યું. અને નામથી અંકિત ગોળા કર્યા. વર્ષના અંતે કુમારિકા ગોળાને કાઢે છે. જેનો વારો હોય તે માણસને રાક્ષસ મારી નાખતો હતો. આથી નગરમાં ઉપદ્રવ શાંત થઈ ગયો. આ પ્રમાણે કાલ પસાર થઈ રહ્યો છે. કોઈવાર એક વૃદ્ધાને એક જ પુત્ર હતો. તેનો વારો આવ્યો ત્યારે વૃદ્ધા કરુણ રુદન કરવા લાગી. તેને તે રીતે રડતી જોઈને એક વાણવ્યંતર દેવને કરુણા ઉત્પન્ન થઈ. તેણે વૃદ્ધાને આશ્વાસન આપ્યું. તેણે તેના પુત્રને લઈ જઈને એક અત્યંત ગુપ્ત ગિરિગુફામાં રાખ્યો. ત્યાં પહેલાંથી જ રહેલા કાળા સાપે તેને દંશ માર્યો અને તે મરી ગયો. તેથી કર્મપરિણામથી કોઈ બચી શકતો નથી. કહ્યું છે કે—“સિંહના વનમાંથી પલાયન થવાનું શક્ય છે. અથવા મત્ત હાથી પાસેથી પલાયન થવાનું શક્ય છે. પણ પોતે કરેલા દુષ્કૃતથી પલાયન થવાનું ક્યાં શક્ય છે તે તું કહે.” ક્યાંક સુખ-દુઃખ હોય છે અને ક્યાંક સુખ-દુ:ખ હોતા નથી એવો કોઈ નિયમ નથી. કારણ કે ભવિતવ્યતાના બાળકો સર્વત્ર હોય છે. આ સંસારમાં કર્મપરિણામ બધા જ સ્થળે સ્ખલના વિના ભમી રહ્યો હોવાથી રાજા સમુદ્રની મધ્યમાં જાય તેથી શું કરવાનું ?
રાજાનું વિદ્યુત્પાતથી રક્ષણ
આ પ્રમાણે બીજાઓએ પણ પોતપોતાના અભિપ્રાયો જણાવ્યા અને મતિસાગર મંત્રીએ યુક્તિઓથી તેનો નિષેધ કર્યો. પછી સઘળાય મંત્રી વર્ગે એકી અવાજે મતિસાગર મહામંત્રીને કહ્યું: જો એમ છે તો હમણાં જે યોગ્ય હોય તે તમે સ્વયં કહો. અમારા હૃદયમાં જે સ્ફૂર્યું તે સઘળું કહ્યું. મતિસાગર મંત્રીએ કહ્યું: જો એમ છે તો હું પણ કહું છું. કિંતુ મારું કહેલું ૧. પવહ [X + હસ્ ]= મારી નાખવું.