________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 11. શ્રી અરવિંદની આધ્યાત્મિક સમાજની વિભાવના - રમણલાલ જોશી શ્રી મહાવીર જૈન વિદ્યાલયે પોતાની સ્થાપનાનાં પંચોતેર વર્ષ પૂરાં કર્યા એ મંગલ પ્રસંગ છે. આ સંસ્થાએ શિક્ષણ, સાહિત્ય, વિદ્યા, જ્ઞાનપ્રસારની પ્રશસ્ય પ્રવૃત્તિ કરી છે. તેથી ‘અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ' માટે એવાજ કોઈ વિષય ઉપર લખવાનું પસંદ કરું છું. આજે વ્યાપક બનેલ મૂલ્યહાસ અને મૂલ્ય-ઉપહાસની પરિસ્થિતિમાં ભારતીય સંસ્કૃતિના ઉચ્ચ આદર્શનું પ્રવર્તન જ પ્રજાને બચાવી શકે. આપણો પુરાણો દેશ, જગતનું આધ્યાત્મિક નેતૃત્વ લેવા નીકળેલો દેશ પણ એ ઘેલછામાં છે. સ્વામી વિવેકાનંદે કહેલું કે હિંદુસ્તાનવાસીઓને કાંઈ આપવું હોય તે ધર્મના દ્રાવણમાં અપાય તો જ એને પથ્ય આવે એવું એનું વિશિષ્ટ બંધારણ છે. પહેલાં ધર્મ પ્રજાજીવનની આધારશિલા હતો. આજે ધર્મની આખી વિભાવના પરિવર્તન માગી લે છે. લૌકિક જીવનની હતાશા અને પારલૌકિક જીવનની અશ્રદ્ધા એ બે વચ્ચેની ખાઈ પૂરી શકે એવું નવું ચેતનવંતું તત્ત્વ નિપજાવવું રહ્યું. અર્વાચીન કાળમાં ભારતે એક એકથી ચડિયાતી વિભૂતિઓ આપી છે. ભારતની જાણે એ એક વિશેષતા છે કે એની ચેતના સમગ્રતયા મહાન ધારણ શક્તિ બતાવે છે. ભારત એકાદ વિવેકાનંદ, રવીન્દ્રનાથ, ગાંધીજી કે શ્રી અરવિંદ ઉત્પન્ન કરી શકે, પણ સમગ્ર સમાજનું જ્યાં સુધી રૂપાન્તર ન થાય ત્યાં સુધી પ્રજાકીય સમુત્કર્ષ શક્ય નથી. આ સંદર્ભમાં આપણા સમયમાં શ્રી અરવિંદે રજૂ કરેલી આધ્યાત્મિક સમાજની પરિકલ્પના પ્રેરક નીવડે એવી છે. અર્વાચીન જમાનાના આપણા ત્રણ મહાપુરુષો રવીન્દ્રનાથ, ગાંધીજી અને શ્રી અરવિંદમાં, એકવાર પ્રસંગોપાત્ત કહ્યું હતું તેમ, અનુક્રમે કવિ'