________________ નવાંગી વૃત્તિકાર આચાર્ય અભયદેવસૂરિ કર્યું હતું. સંશોધન કરનાર પંડિત પરિષદના દ્રોણાચાર્ય મુખ્ય હતા. (નોંધપાત્ર એ છે કે દ્રોણાચાર્ય પૂર્વાશ્રમમાં ક્ષત્રિય હતા અને અણહિલવાડના ચૌલુકા રાજા ભીમદેવ પહેલાની માના મામા હતા) ભગવતી ઉપરની વૃત્તિના લેખનમાં જિનભદ્રના શિષ્ય યશશ્ચંદ્ર અભયદેવને સહાય કરી હતી. સ્થાનાંગસૂત્રની વૃત્તિમાં અભયદેવસૂરિએ પોતાની વૃત્તિરચનાના માર્ગમાં રહેલી મુશ્કેલીઓનો નિર્દેશ કરતાં ઉત્તમ સંપ્રદાય અર્થાત્ અધ્યયન-પરંપરાનો અભાવ, વાચનાઓની અનેકતા, પુસ્તકોની અશુદ્ધિ આદિનો ઉલ્લેખ કર્યો છે. ખાસ કરીને ભગવતી સૂત્ર ઉપરની વૃત્તિમાં તેમણે પોતાના પૂર્વકાલીન ટીકાકારોના નિર્દેપ કર્યા છે, અને એ નિર્દેશોનું સ્વરૂપ જોતાં એ સ્પષ્ટ છે કે એ પૂર્વકાલીન ટીકાઓ પૈકી અમુક તો તેમની સામે હતી, એટલું જ નહિ, પણ ચૂર્ણિથી તે ભિન્ન હતી. આ સંબંધમાં બીજી એક અનુશ્રુતિ નોંધપાત્ર છે. પ્રભાચંદ્રસૂરિકૃત પ્રભાક ચરિત' (સં. 1334 ઈ.સ. ૧૨૭૮)ના “અભયદેવસૂરિ ચરિત'માં શાસનદેવી અભયદેવસૂરિને કહે છે, “પૂર્વે નિર્દોષ એવો શીલાંક અથવા કોટયાચાર્ય નામે આચાર્યે અગિયાર અંગો ઉપર વૃત્તિ રચી હતી. તેમાં કાળે કરીને બે સિવાય બધાં અંગોનો ઉચ્છેદ થયો છે, માટે સંઘ ઉપર અનુગ્રહ કરવા માટે એ અંગોની વૃત્તિ રચવાનો ઉદ્યમ કરો.” આ ઉપરથી અભયદેવસૂરિએ નવ અંગો ઉપર વૃત્તિ રચી. ઉદ્યોતનસૂરિકૃત 'કુવલયમાલાકથા'ની પ્રશસ્તિમાં જેમનો ઉલ્લેખ છે તે તત્ત્વાચાર્ય એ જ શીલાંક અથવા શીલાચાર્ય હશે, એવો એક મત છે, અને આ શીલાંક તે અણહિલપુર પાટણના સ્થાપક વનરાજના ગુરુ હતા. એવી પણ એક પરંપરા છે. આ સર્વ ઉપરથી શીલાચાર્ય આચાર્ય હરિભદ્રસૂરિના સમકાલીન હોઈ ઈસ્વીસનના આઠમા સૈકામાં થયા હશે, એવો અજમાયશી નિર્ણય આચાર્ય જિનવિજયજીએ કર્યો છે. 'પ્રભાવક ચરિત'ના કર્તા પ્રભાચન્દ્રસૂરિએ શીલાંક અને દ્રોણાચાર્યને અભિન્ન ગણ્યા છે. વિશેષાવશ્યક ભાષ' ઉપરની વૃત્તિના કર્તા કોટયાચાર્ય જ પ્રભાવક ચરિત'ને ઉદિષ્ટ હશે, એવું અનુમાન સહેજે થઈ શકે છે. શીલાચાર્યે રચેલી “આચારાંગસૂત્ર’ અને ‘સૂત્રકૃતાંગસૂત્ર' એ બે અંગો : ઉપરની ટીકાઓ મળે છે. “આચારાંગસૂત્ર' ઉપરની ટીકા પાટણ પાસેના ગંભૂતા (ગાંભુ) ગામમાં રચાઈ હતી. આ બંને ટીકાઓની રચનામાં શીલાચાર્યને વાહગિણિએ સહાય કરી હતી.