________________ અપૂર્વ મંગલમાલા માટે મેરુતંગની આ કથા ઉપસી આવ્યાનું સમજાય એમ છે. કાવ્ય એ કલ્પના અને રૂપક-પ્રતીકનું વિશ્વ છે. એમાં તથ્યનું સત્ય નહીં પણ ભાવનાનું સત્ય મૂર્ત થયું હોય છે. લોકહૃદય ઘણી વાર કવિતાની વિગતોને ઐતિહાસિક માની લે છે અને એમાંથી આવી કથાઓ પ્રચલિત બને છે. ખરેખર તો રૂપકાર્યને સમજવાથી કાવ્યનો સાચો મર્મ પકડાય છે. આપણે જીવનના વિવિધ ભૌતિક, માનસિક, ભાવાત્મક કે સાંજોગિક બંધનોમાં બંધાયા હોઈએ છીએ. નિયતિપ્રેરિત ચિત્રવિચિત્ર સંજોગોના બંધનમાં ફસાયેલો માનવી એમાંથી મુક્ત થવા કેવો તલસતો હોય છે? કવિ માનતુંગાચાર્યનો તલસાટ આપણા સહુનો તલસાટ છે, એમની પ્રાર્થના આપણી સહુની પ્રાર્થના છે. કવિને હૈયે મુક્તિની ઝંખના છે, પ્રભુ પરત્વેની અપાર શ્રદ્ધા છે. મુક્તિ એ મૃત્યુ પછીની નહીં, મૃત્યુ પૂર્વેની સતત ચિદાનંદની સ્થિતિ છે. પ્રભુની કૃપા હોય તો મુક્તિ આપણા ચરણોમાં આવીને વસે છે. અને એ મુક્ત બનેલા માનવીનો આનંદ કેવો અવર્ણનીય હશે? અખાએ કહેલું ને? શાં શાં રૂપ વખાણું સંતો, શાં શાં રૂપ વખાણું, ચંદા ને સૂરજ વિના મારે વાયું છે વહાણું.” મુક્ત માનવીની ખુમારી અને મસ્તી જુદી જ હશે. કવિ કાવ્યના સમાપનમાં કહે છે-આ રમણીય કાવ્યમાલિકા જે કોઈ કંઠે ધરશે તે ઉન્નત માનવીને મોક્ષરૂપી લક્ષ્મી પ્રાપ્ત થશે. તં માનતુંડામવા સમુપૈતિ ની અહીં કવિએ પોતાનું નામ તો વણી લીધું, પણ સમસ્ત કાવ્યની એક મૂર્ધન્ય અભિવ્યક્તિ પણ સિદ્ધ કરી લીધી. 'લક્ષ્મી' શબ્દને પ્રચલિત ધનસંપત્તિના અર્થમાં નહીં પણ શોભા, સંસ્કારિતા, જ્ઞાનમયતા, સંવાદિતા, ગુણસમૃદ્ધિ-આ અર્થમાં સમજતાં ઉપર્યુક્ત સંસ્કૃત શબ્દોનો મર્મ વધુ ઉજ્જવલ લાગશે. ભૌતિક ધનસંપત્તિ-લક્ષ્મી-તો ચંચલ છે, વિકારોને ઉત્તેજનાર છે. પ્રભુના ભક્તને આવી-વિષ્ણુવિરહિતા લક્ષ્મીની લેશમાત્ર ઇચ્છા ન હોય. ભક્તિ એ જ ભક્ત માટે સાચી સંપત્તિ-લક્ષ્મી-છે. ભક્તિના સ્પર્શથી જીવતરનું કલ્યાણ થાય, મન અને આત્મા ઊર્ધ્વગામી બને, બંધનોમાંથી મુક્તિ પ્રાપ્ત થાય. આવા ભકતના હૈયે અપાર સહિષ્ણુતા હશે, પરમ નમ્રતા હશે, અંતરમાં