________________ અપૂર્વ મંગલમાલા 65 દાવાનળ સામે ધસી આવે છે. કવિ કહે છે, હે પ્રભુ! આપના નામકીર્તનરૂપ જળથી આ ભયાનક દાવાનળ શાંત થઈ જશે. સંસારના અર્થમાં વનનું પ્રતીક તો જાણીતું છે. વનમાં પ્રગટેલો દાવાનળ એટલે કે સંસારની સર્વભક્ષી માયા આપણા અસ્તિત્વને ભસ્મરૂપ કરી દે છે. પ્રભુના નામસ્મરણથી આવો માયાદવ શમી જાય છે. માન, ક્રોધ અને માયા ઉપર તો અંકુશ પ્રાપ્ત થયો પણ હજી સંગ્રામ પૂરો થયો નથી. પોણા ભાગનો જંગ જ જીતાયો છે. હવેનું વિઘ્ન પસાર કરવું એટલું કઠિન નથી છતાં ભયાનક જોખમોથી ભરપૂર તો છે જ ! આપણા મનની સીમાઓ ક્યારેક આ વિઘ્ન આગળ આપણને અટકાવી દેશે, વિનિપાતની ખાઈમાં ફેંકી દેશે. સંસારપંથ ઉપર સામે લાલ આંખો વાળો, મદોન્મત, કુત્કારતો સાપ પડયો છે. એની ઉપર એક પગ પડશે અને સર્વ વિનાશ! થોડીક સમજણ, થોડીક ચતુરાઈ અને આત્મજાગૃતિ હશે તો વાટે ફંટાઈને રસ્તો પાર કરી શકાશે. સાપ આપણને કાંઈ નહીં કરે. સાપ એટલે સંસારનાં લોભસ્થાનો, લલચાવનારી પરિસ્થિતિઓ. હૈયે પ્રભુ વસ્યો હશે તો આવા અનેક સર્પો ઓળંગી શકાશે. Eternal vigilance is the price of purity. જરૂર છે સતત જાગૃતિની. સ્વામી વિવેકાનંદને પરદેશમાં એક ઠગારી સ્ત્રીએ કહ્યું, “સ્વામીજી! મને તમારા જેવો દીકરો જોઈએ છે.” સ્વામીજીએ એવો જ ચતુરાઈભર્યો જવાબ વાળેલો, “મને જ તમારો દીકરો ગણી લો ને?” કોશાને યોગ્ય ઉત્તર આપતા સ્થૂલિભદ્ર યાદ આવે છે? કાવ્યના 43-44 મા શ્લોકમાં જીવનનું કુરુક્ષેત્ર રજૂ થાય છે. ચારે બાજુ મદમસ્ત ઘોડાઓ ઊછળી રહ્યા છે, હાથીઓની ચિચિયારીઓ સંભળાઈ રહી છે, યુદ્ધ તો શરૂ થઈ ગયું છે. સૈનિકોના ભાલાઓથી હાથીઓ વીંધાઈ રહ્યા છે, એમના શરીરમાંથી વહેતા રક્તપ્રવાહમાં ખરડાયેલા યોદ્ધાઓ તુમુલ યુધ્ધ કરી રહ્યા છે. આ ભૂમિ ઉપરનું કુરુક્ષેત્ર યુદ્ધ તો અઢાર દિવસે પૂરું થયું પણ માનવહૈયાના યુદ્ધનો ક્યારેય અન્ત નથી. હૈયાની જાગૃત ચેતના અને કર્મો વચ્ચેનો, સત્ અને અસત્ વચ્ચેનો આ સંગ્રામ આપણા સહુના અંત:કરણમાં સતત ચાલી રહ્યો છે. હૈયાના રથનો સારથિ જો કૃષ્ણ હોય તો જીવનનું યુદ્ધ જીતી શકાય. હે પ્રભુ! આપના નામસ્મરણથી, આપની કૃપાથી અમે સહુ આ આંતરયુદ્ધમાં વિજયી બનીને સાચા જિન બની