________________ કાંદ્રષ્ટા આચાર્ય 49 પ્રભાવક યુગપુરુષ પૂજ્ય આત્મારામજી મહારાજે પોતાના પટ્ટધર શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીને પોતાના અંતિમ આદેશ અને સંદેશમાં સરસ્વતીમંદિરો સ્થાપવા કહ્યું હતું. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીએ પંજાબ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં અનેક સરસ્વતીમંદિરોની સ્થાપના કરી. પોતાના દાદાગુરુની આજ્ઞાનું પાલન કરવા માટે આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી પ્રતિજ્ઞા લેતા હતા. એમણે પ્રતિજ્ઞા કરી હતી કે પંજાબમાં જ્યાં સુધી જૈન કૉલેજ ન સ્થપાય, ત્યાં સુધી ઉપવાસ, મૌન અને દરેક નગરમાં સાદગીભર્યો પ્રવેશ. એમની પ્રતિજ્ઞાનું બળ પ્રજાકીય પુરુષાર્થનું પ્રેરક બનતું, એને પરિણામે તેઓની પ્રેરણાથી અનેક સમાજકલ્યાણનાં કાર્યો થયાં. ઈ.સ. ૧૯૧૩માં મુંબઈમાં ચાતુર્માસ સમયે વિદ્યાનું એક વાતાવરણ સજર્યું અને એમાંથી ઈ.સ. ૧૯૧૪માં સમાજના યુવકોને વિદ્યાભ્યાસ માટે નિવાસ આપતા શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના થઈ. આ સમયે સંસ્થાના નામકરણનો પ્રશ્ન આવ્યો. કોઈએ આચાર્યશ્રીને એમના દાદાગુરુનું કે એમનું નામ સાંકળવા વિનંતી કરી ત્યારે પૂ.આ. વિજયવલ્લભસૂરીશ્વરજીએ કહ્યું કે આ સંસ્થાનું નામ કોઈ વ્યક્તિવિશેષને બદલે તારક તીર્થકર ભગવાન મહાવીરના નામ સાથે જોડવામાં આવે અને આ રીતે શ્રી મહાવીર જૈન વિદ્યાલયનું નામકરણ થયું. વિદ્યાલયનો પ્રારંભ તો એક નાના બીજરૂપે થયો, પરંતુ થોડા જ વર્ષોમાં એક વિશાળ ભવન ખરીદવામાં આવ્યું અને ઈ.સ. ૧૯૨૫માં એ ભવનમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયનો કારોબાર ચાલવા લાગ્યો. એ પછીના વર્ષે વિદ્યાર્થીગૃહ શરૂ થયું. આ જ્ઞાનના વડલાની વડવાઈઓ ફેલાવા લાગી. અમદાવાદ, પૂના, વડોદરા, વલ્લભવિદ્યાનગર અને ભાવનગરમાં એની શાખાઓ વિકસી, પરંતુ આ સંસ્થાનું સૌથી મોટું પ્રદાન તો એણે આપેલા તેજસ્વી વિદ્યાર્થીઓ છે, જે આજે દુનિયાભરના દેશોમાં ઉત્તમ કામગીરી બજાવી રહ્યા છે. આ સંસ્થા વિશે આચાર્યશ્રીએ કેવું વિરાટ દર્શન કર્યું હતું! એમણે કહ્યું : ' “મહાવીર જૈન વિદ્યાલય એ જૈન સમાજનું ગૌરવ છે. પ્રગતિની પારાશીશી છે. શ્રમની સિદ્ધિ છે અને આદર્શની ઇમારત છે.” આજે પણ આવી સંસ્થાઓની જરૂર છે, કારણ કે જ્ઞાનપ્રસારના અભાવે કોઈ પણ ધર્મ કે સમાજ ગઈકાલની અંધશ્રદ્ધા અને આવતીકાલની અસંસ્કારિતામાં ડૂબી જાય છે.