________________ 48 અમૃત મહોત્સવ સ્મૃતિ પાલનપુરમાં અકાઈની તપસ્યા કરનારને સ્વામીવાત્સલ્ય કરવું પડે તેવી પરંપરા વર્ષોથી ચાલતી હતી. પરિણામે સામાન્ય સ્થિતિવાળી વ્યક્તિ એક તો તપશ્ચર્યા કરે અને વધારામાં આર્થિક બોજ સહન કરે. આથી આવી વ્યક્તિઓ તપશ્ચર્યાથી દૂર રહેવા લાગી. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિશ્વરજીએ ગરીબોની મૂંઝવણની આ નાડ પારખી લીધી. એમણે કહ્યું કે આ તો એક જાતનો ફરજિયાત કર કહેવાય. ધર્મમાં આવો કર હોઈ શકે નહીં. એમના ઉપદેશને પરિણામે પાલનપુરના જૈન સંઘે પોતાના આ રિવાજને તિલાંજલિ આપી. ગરીબ અને મધ્યમ વર્ગના ઉત્કર્ષ માટે જેટલી આર્થિક સુવિધાઓની જરૂર હતી એટલી જ એમને કેળવણી આપીને સન્માર્ગે વાળવાની હતી. યુગદ્રષ્ટા આચાર્યશ્રીએ કેળવણીની અનેક સંસ્થાઓ સ્થાપવાની પ્રેરણા આપી. કન્યા છાત્રાલય, બોર્ડિંગ, કૉલેજ, વિદ્યાલય અને જૈન વિદ્યાપીઠની સ્થાપના કરી. એમની કલ્પના તો જૈન વિશ્વવિદ્યાલયની સ્થાપનાની હતી. આચાર્યશ્રીની ઉદાર ભાવનાને કારણે માત્ર જૈનોએ જ નહિ, બલ્ક વૈષ્ણવોએ પણ એમના કેળવણીકાર્યમાં સારી એવી સખાવત આપી. વેપારી સમાજને કેળવણીના માર્ગે વાળવા માટે આચાર્યશ્રીએ કહ્યું: હૃદયમંદિરમાં સરસ્વતીની જ્યોત પ્રગટાવો એટલે અંતરમાં પ્રગતિની ઝંખના પ્રગટયા વગર નહીં રહે.” લક્ષ્મીમંદિરમાં રાચનારા લોકોને એમણે સરસ્વતીમંદિર સ્થાપવાની પ્રેરણા આપી. ગુજરાતની વિઘા પહેલીવાર ગુજરાતની બહાર, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજના ગ્રંથરૂપે, દેશની બહાર ગઈ હતી, પરંતુ એ પછી વિદ્યાપ્રેમ અને જ્ઞાનપ્રસારનાં તેજ ઝાંખા પડવા લાગ્યાં. ચોપડી કરતાં ચોપડામાં વધુ રસ પડવા લાગ્યો. આવે સમયે નનામા હેન્ડબીલ છાપીને બદબોઈ કરવામાં કુશળ એવા સમાજના એક ભાગે આજથી 35 વર્ષ પહેલાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સર્જન સમયે પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીને માટે કેટકેટલી મુશ્કેલીઓ સર્જી હશે? આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિશ્વરજી મહારાજ તે સ્પષ્ટપણે કહેતા કે કેળવણી વિના આપણો આરો નથી. તેઓ ઈચ્છા કે આ કેળવણી ધાર્મિક સંસ્કાર અને શ્રદ્ધાથી સુવાસિત હોય. તેમણે સમાજને ઢંઢોળતાં દઢપણે કહ્યું, “કેળવાયેલા જ જૈનશાસનની રક્ષા કરશે.”