________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 25 પડતા હતા. ટૂંકમાં સમાજજીવનના અને ધર્મજીવનના નાના મોટા પ્રત્યેક અંગમાં વિકૃતિનો વિલાસ વતી રહ્યો હતો. ભગવાન પાર્શ્વનાથ અને મહાવીરે આ વિકૃતિ સામે વિરોધ નોંધાવ્યો. એ વિરોધ દર્શાવતાં તેમણે જે જે સનાતન સત્ય જગત સમક્ષ રજૂ કર્યા, તે સત્યો જ ભારતવર્ષને, ભારતીય સંસ્કૃતિને જૈન ધર્મની, તેને પ્રવર્તકોની અને પોષકોની ભેટ છે. એમાંનાં કેટલાકનું અતિ સંક્ષિપ્ત નિરૂપણ નીચે પ્રમાણે છે. 1. અહિંસાના પરિપૂર્ણ પાલનનો આદર્શ અહિંસાના પરિપૂર્ણપાલન માટે જૈન ધર્મે અસાધારણ આગ્રહ સેવ્યો છે. તે માને છે કે દરેક પ્રાણ, ભૂત, જીવ કે સત્વનો આત્મા સમાન છે, દરેકને જિજીવિષા સરખી છે, સૌને સુખ પ્રિય છે અને દુખ અપ્રિય છે તેથી આ મહાનિયમ જેટલો સામાન્ય અને સર્વવ્યાપી છે તેટલું જ સર્વવ્યાપી અહિંસાનું પાલન હોવું જોઈએ. તેના પાલનમાં કોઈપણ પ્રકારનો અપવાદ ધર્મરૂપ નથી. અહિંસા એ જ ધર્મ અને ધર્મ એ જ અહિંસા, સંયમ અને તપ તેને સર્વાગ સંપૂર્ણ બનાવવા માટે જ છે. સૂયગડાંગસૂત્રમાં કહ્યું છે “જ્ઞાનમાત્રનો સાર અહિંસાનું આચરણ છે.” દશવૈકાલિકમાં ગાયું છે “અહિંસા, સંયમ અને તપ એ જ ધર્મ છે.” એકેંદ્રિયથી લઈને પંચૅક્રિય સુધીના સર્વ જીવોનું વ્યવસ્થિત અને સૂક્ષ્મ વિભાજન અન્યત્ર કયાંય દેખવામાં આવ્યું નથી. સાધુઓની કાયિક, વાચિક કે માનસિક કોઈપણ નાનીમોટી પ્રવૃત્તિને અહિંસાની એરણે ચડાવી જોવાની અને તે સંબંધી સતત જાગૃતિ રાખવાની આગમોમાં ઠેકઠેકાણે આજ્ઞા કરવામાં આવી છે. આજ સુધીનો જૈન ધર્મનો અને ભારતનો ઇતિહાસ કહે છે કે જ્યાં જ્યાં જેનો ફેલાયા, ત્યાં ત્યાં તેમણે અહિંસાના આચરણ ઉપર અસાધારણ ભાર મૂકેલ છે; ત્યાં સુધી કે તે તે પ્રદેશના લોકોને માંસભક્ષણ કે યજ્ઞયાગ જેવા હિંસક ધાર્મિક ક્રિયાકાંડોને સદાને માટે છોડવા પડયા છે. ખરેખર ભારતવર્ષનો સાંસ્કૃતિક આદર્શ એક હોવાને કારણે જે જે ઉત્તમ હોય તેને તે તરત નિ:સંકોચ અપનાવી લે છે અને એ જ એની વિશેષતા છે.