________________ 324 / અમલદલ બાળકો થયાં, થોડાંક મર્યાં, ઊછર્યા. શિષ્યવૃત્તિઓ, લાયબ્રેરીનાં પુસ્તકો અને રસ્તાની બત્તીના થાંભલાનો પ્રકાશ મેળવીને ભણ્યા-કમલ તેઓને સતત બધું પૂરું પાડતી રહી. ટ્રસ્ટોમાં ફરવું પડતું, ટ્રસ્ટીઓને વિનવવા પડતા. બધું કમલ કરતી. પાંચમાંથી ચાર છોકરાં હોશિયાર પાક્યાં. બે દીકરીઓને જેમ તેમ સારે નબળે ઘરે ઠામ પાડી. મોટા કેશવને સરકારી નોકરીમાં દાખલ કર્યો. અરજીપત્રક પણ કમલબહેન લઈ આવ્યાં હતાં. નાનાને સુધરાઈમાં જેતર્યો. વચલો વધુ ભણવા માગતો હતો એટલે તેને કૉલેજમાં મોકલવાની ગોઠવણ કરી. કમલની આ પ્રલંબ, થકવી નાખનારી જીવનસાધનાના અવિરત, લગભગ નિષિય સાક્ષી બનીને કરુણાશંકરના સ્વભાવમાં ધીમે ધીમે બદલાવ આવતો જતો હતો. અલગારીપણું ઘટ્યું. જવાબદારીનું ભાન જાગવા લાગ્યું. ગુસ્સો કરવાની ટેવ ઓસરી ગઈ. પોતે હવે કશો ઝાઝો પરષાર્થ કરી શકે તેમ નહોતા. અને તેની પીડા તેમને રહી રહીને ય ડંખતી હતી, પણ કમલબહેનનાં જીવનભરનાં બાથોડિયાંને પ્રીછવાની ગતાગમ પડવા માંડી હતી. કરુણાશંકર આટલી વાતને ય પોતાનાં પુણ્યનો ઉદય સમજતા હતા. કેશવે પોતાનો પહેલો પગાર કમલબહેનના હાથમાં મૂક્યો. માની આંખોમાં આંસુ ઉમટ્યાં. છાતીમાં સબકા જેવું આવ્યું. થોડા દિવસો પછી કેશવનું વેવિશાળ કરવાનું હતું. ભાનુ સાથે. ‘વહુ ઘરમાં આવશે” ની કલ્પના કમલબહેનને ભીતરમાં રણઝણાવી મૂકતી હતી. વેવિશાળ પણ થઈ ગયું. કેશવ સવારે સાસરે જઈને જમી આવ્યો. સાંજે ભાન જમવા આવવાની હતી. કમલબહેનના હરખનો પાર ન હતો. ચૂલા પર તેમણે કંસારનું આંધણ મૂક્યું હતું. એટલા પંથકમાં તેમના જેવો કંસાર બીજી કોઈ સ્ત્રી બનાવી શકતી ન હતી એવી લોકવાયકા હતી, અને આજે તો દીકરાની વહુ પહેલવહેલીવાર જમવા આવવાની હતી. કોણ જાણે કયાંથી કમલબહેને બદામ, પિસ્તા અને એલચી કાઢયાં. હવા મધમધી ઊઠી. પછી મોગરાની સુગંધ એમાં ભળી ગઈ. અંબોડે વેણી બાંધીને ઝાંઝર ઝમકાવતી ભાનુ ઘરમાં આવી અને કમલબહેનને જીવ્યું-કારવ્યું-ઝૂક્યું સાર્થક લાગ્યું. ભાનુ પાટલે બેઠી. કમલબહેને થાળી પીરસી. વહુને કંસારનો પહેલો કોળિયો જાતે જમાડવા હાથ ઊંચકાયો. છાતીમાં ફરીથી સબાકો આવ્યો. સુગંધની સર્વોત્તમ પળે-ક્ષણે અષ્ટકમલદલ બિડાઈ ગયું.