________________ 323 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ દુનિયાદારીની આ વિષમતામાં પેલી બાળપણ, કિશોરાવસ્થાની કમલ છેક તો ખોવાઈ ગઈ ન હતી. હજી એ દિવાળી ટાણે, બીજું બધું ભૂલીને, ઘરમાં સાથિયો પૂરવા બેસતી. રંગ-કરોઠી માટેનાં નાણાં આખું વર્ષ પાઈ પાઈ કરીને બચાવ્યાં જ હોય. અને સાથિયો પણ કેવડો! અડધો ઓરડો ભરાઈ જાય તેવો! જેનારાં છક થઈ જતાં! સાથિયો પાછો પૂરો મૌલિક. કમલે જે મનોમન તેની રચના કરેલી હોય. રેખાઓ આંકતી જાય, રંગ પૂરતી જાય. કરુણાશંકર જેવો અલગારી યે મોમાં આંગળાં નાખી જતો: ‘એ કમલી, મારા સૂર તારી આંગળીઓમાં રંગરેખા બનીને ઊતર્યા છે કે શું?’ કમલ સ્મિત કરતી. પણ માત્ર રંગોળી જ શા સારુ? કમલ ફાટેલું - સાંધેલું લૂગડું પહેરે કે પાપડ બનાવી આપે, અરે, સાદી સીધી ખીચડીમાં વઘાર કરે તો કે તેમાં કરુણાશંકર સંગીતની પરિભાષામાં કહેતા તેમ, ઊપજનું અંગ ઉમેરે! અને એટલે જ નજીકની એક ઈસ્પિતાલમાં સુવાવડી બાઈઓને ભાણાં પહોંચાડવાની કામગીરી શરૂ કરી ત્યારે કોઈને નવાઈ લાગી નહોતી. કરુણાશંકરને તે ગમ્યું નહોતું. પણ પૈસા કમાવાની અણઆવડત તેમને નિરુપાય કરી મૂકતી હતી. કદીક તેમનો મોહલ્લો તેમને પૂછતો ય ખરો. અલ્યા કરુણા, મા તારી બૈરી કમલીની કમાણી પર તાગડધિન્ના કરવાની તને ટેવ તો નથી પડતી જતી ને?. બે-ચાર દિવસ કરુણાશંકર ઉદાસ રહેતા. સરખું કમાવાના વિચારો કરતા, પણ પછી ફરીથી એકાદ સૂર લાગી જતો અને.. દુર્લભરાય એ સમયગાળામાં કરુણાશંકરને ઘરે આવતો-જતો થયેલો ને! મૂળ તો સંગીત શીખવા આવતો, પણ પછી ઘરના માણસ જેવો થઈ પડેલો. કમલને, અને ખાસ તો તેની અવદશાને જોઈને ખાસ્સા શ્રીમંત દુર્લભરાથના મનમાં સાપોલિયાં રમતાં હોય તો તે જાણે, પણ કમલે તો હંમેશા તેનાથી આઠ કમળ જેટલું અંતર રાખ્યું જ હતું. ગામને મોઢે તાળાં વાસી શકાય તેમ ન હતું. અડોશપડોશની વાતો ચણભણ કરતી કમલ સુધી પણ પહોંચતી. તેણે કદી તેની ચિંતા ન કરી. તેને પોતાની સાફદિલી પર પૂરો ભરોસો હતો. ગણગણાટ તો કરુણાશંકર સુધી યે પહોંઓ. પહેલાં હસીને, પછી ગુસ્સે થઈને તેમણે કમલને પૂછ્યું: એક વાર હાથ ઉપાડયો. કમલે મૂંગા મૂંગા રસોડામાં જઈ ચડુ લઈ આવી કરુણાશંકરના હાથમાં મણો અને પોતે સામી છાતી ધરીને ઊભી રહી. કરુણાશંકર ચાકુ ફેંકી દીધો - ભીની આંખે.