________________ અટકમલદલ આંગણું લીપવાનું હોય, ફૂલની માળા ગૂંથવાની હોય, દેવ-દેવલાં પૂજવાનાં હોય, દિવાળીમાં સાથિયા પૂરવાના હોય, નવરાત્રિમાં ગરબે ઘૂમવાનું હોય - કમલ બધામાં અને બધાંથી અલગ તરી આવતી. તેથી પેલા પંડિત મામા વારંવાર કહેતા : “નામ પ્રમાણે ગુણ છે છોકરીમાં. એ તો મારી ‘પંકજા” છે. ભાગ્ય સાથ આપે તો તે “અષ્ટકમલદલ’ શું, સહસ્ર કમલદલ સિદ્ધ થાય !" મામાના શબ્દોમાં ભાવિનો સંકેત હશે? ના અને હા. પંદરેક વર્ષની ઉમરે કમલનું લગ્ન તો થયું. વર કરુણાશંકર થોડુંક ભાગેલો ખરો, પણ જબરો ધૂની, અલગારી, રહે શહેરમાં અને ફરે જ્યાં પગ લઈ જાય ત્યાં. તેમાંથી શાસ્ત્રીય સંગીતનો રસ લાગ્યો. એ રસે જીવનરસનું સ્થાન લીધું. બે'ક ગુરુ કર્યા. એક ગુરુ તો સમર્થ. પણ કરુણાશંકર સવાયા શિષ્ય થવા કટિબદ્ધ, એટલે વખત આવ્યે ગુરુને ય રોકડું પરખાવી દે. આથી કરુણાશંકર ઠેકઠેકાણેથી કાં હડધૂત થાય, કાં ઉવેખાય. પ્રકૃતિમાં અળવીતરાપણું ભરચક. વ્યવહારુ બુદ્ધિને નામે મીંડું. દાધારંગાપણું. ઘડીકમાં અતિ વિનમ્ર, ઘડીમાં અહંકારી, પળમાં આનંદી, પળમાં દુર્વાસા. કશી આગાહી ન કરી શકાય કરુણાશંકરના ઘડીપળ પછીના વર્તન વિશે. કોઠાસૂઝથી કમલ પતિની રગેરગને પારખતી ગઈ. તેણે એક તારણ કાઢ્યું. આ અલગારી માણસ ગમે તેવો હશે, પણ દુષ્ટ નથી અને આ દુનિયામાં બે જ ચીજને ચાહે છે. સંગીતને અને મને! આટલી પ્રતીતિ કમલ માટે પૂરતી હતી. તેણે પતિની બીજી બધી નબળાઈઓને ચલાવી લેવાનું નક્કી કર્યું. કરુણાશંકર ગાંજો પીતા, ક્યારેક કમલને મારઝૂડ કરતા, પછી બાળક જેવા બની જતા અને સંગીતમાં ખોવાઈ કહો કે ડૂબી જતા. એ તેમની સમાધિક્ષણ બની રહેતી.કમલને કરુણાશંકરની એ ક્ષણો સહુથી વધારે વહાલી લાગતી. પરંતુ એવી ક્ષણો પર કાંઈ આયખું ખેંચી શકાતું નથી. વાસ્તવિક જીવતરના પડકારો કપરા હતા. વસ્તાર વધતો જતો હતો. સવારિયાં બાળકો પાંચ-છ દાયકાઓ પહેલાંની આપણી ઘાણીખરી સ્ત્રીઓની નિયતિ હતી. કમલ તેમાં અપવાદરૂપ શી રીતે હોઈ શકે ? અને કરુણાશંકરમાં એક મોટી ઊણપ હતી: કમાવાની અને કમાયેલું જાળવવાની ત્રેવડનો સંપૂર્ણ અભાવ. ઘરમાં માથાં અને પેટ વધતાં જતાં હતાં. કમલનો કચવાટ કયારેક વધી જતો, પણ તેના હોઠ જવલ્લે જ ઉઘડતા. * ઝૂઝતા રહેવું એ તેનું ભીતરી બળ હતું.