________________ 318 મનને ઉલેચો... મનની એ ખામી અને ખૂબી છે કે તે જેમ સતત ચિંતનશીલ અને ચંચળ છે તેમ તે કદી ખાલી નથી રહેતું. હમેશાં જે જાહેર કૂડા-કચરાના ડબ્બાની જેમ ભરાયેલું રહે છે. ક્ષણે ક્ષણે, જે કંઈ દૈનિક જીવનમાં, વ્યવહાર જીવનમાં કે આંતરિક રીતે બને તેના વિષે મન પ્રતિભાવો આપતું રહે છે. અને ઘાણી ન ગમે તેવી, અનિચ્છનીય અને હાનીકારક વાતો પણ મન સંઘરતું રહે છે. કોઈ સાથે થયેલી કડવી વાત, નાનો-મોટો કલહ, જન્મેલી કડવાશ, થયેલો વેરભાવ, વળેલો પૂર્વગ્રહ, મનમાં જન્મેલી દોષ વૃત્તિઓ, પાપભર્યા વિચારો, ગુનાહિત ભાવો આ સઘળું મનમાં જમા થયા જ કરે છે, ઓવરફલો થાય એટલી હદ સુધી મનના આ સ્વભાવને કારણે, મનની આ ટેવને લીધે આપણે જિંદગીનો જે આનંદ લઈ શકો જોઈએ તે લઈ શકતા નથી. મનનો કૂડો-કચરો સાથે લઈને જ આપણે ફરતા હોઈએ છીએ. તમે ફર્સ્ટકલાસમાં કે વિમાનના લક્ઝરી વર્ગમાં પ્રવાસ કરો ત્યારે સાથે ચીજવસ્તુઓ પણ એ સ્તરની, એ વર્ગની હોય છે. તેથી જ તમે શોભનીય લાગો છો બહારથી. પણ તમે સુંદર દેખાતી બેગમાં ગંદકી ભરીને બેઠા હો તો? તમને પણ તેની દુર્ગધ હેરાન કરે અને સહપ્રવાસીઓનો પ્રવાસ બગાડે. તમારું મન કોઈને કોઈ કારણસર વિકૃત કે કડવાશભર્યું, દોષપૂર્ણ લઈને તમે સ્વર્ગમાં પણ જઈ શકો તો તેનો આનંદ ન તમને મળે, ન તમારી આસપાસના લોકોને તમે લેવા દઈ શકો. એક સંસ્થામાં એક ગૃહસ્થ ઘણી વખત સભામાં એમના સ્વભાવની કડવાશનો પરિચય દેતા, કોઈનું અપમાન કરવું, મોટેથી બોલવું, આનંદજનક વાતાવરણને જાણે યુદ્ધભૂમિ બનાવી મૂકવી. એક સિનિયર સભ્ય પાસે મેં આ વાત કરી ત્યારે તેમણે કહ્યું: - જ્યારે જ્યારે એ ઘરમાં પત્ની સાથે ઝઘડીને આવે છે ત્યારે તેમનું વર્તન આવું હોય છે. એ સ્વભાવે એવા નથી. તેઓ ટીકાપાત્ર નહિ પણ દયાપાત્ર છે, કારણકે તેમની પત્ની ઝઘડાળુ છે!' આવી વ્યક્તિ દયાપાત્ર જરૂર ગણાય પણ તેને એટલા પૂરતી દોષપાત્ર ગણવી જોઈએ કે એ ઘરની ‘ગંદકી” સભામાં લાવ્યા. ઘરથી નીકળતાં પહેલાં એમણે જેમ કપડાં બદલ્યાં હશે, ચહેરો ઠીકઠાક કર્યો હશે, તેમ ઘરબહાર નીકળતાં પહેલાં મનને પણ બદલવું જોઈએ, ઠીક-ઠાક કરવું જોઈએ. તો બહાર એમની છાપ પણ ખરાબ ન પડે અને બીજાઓને એમની એ “ગરમી' દઝાડે નહિ.