________________ સામ અંગ્રેજોનો દેશ 307 દુ:ખ થાય છે તે આ વરવા વર્તમાનનું, ચિંતા થાય છે તે ચતુર્દિશ અંધકારથી ઘેરાયેલા ભારતવર્ષના ભાવિની. ના, આ મિશ્રા વાણીવિલાસ નથી. તમે જ બતાવો, ક્યાં છે ભારતીયતા? એક જમાનો હતો જ્યારે વંદેમાતરમ ગાતાં ગાતાં આંખો સજળ બની જતી, શસ્યશ્યામલા ધરિત્રી જડ મટીને ચૈતન્યયુક્ત થઈ જતી.. એ સાચે જ અમારી મા હતી, એના પ્રત્યે જેટલો આદર તેનાથી કેટલાય વધારે સ્નેહ! એ સ્નેહને લીધે જ લોકો સુખના જીવને દુ:ખમાં નાખવા તત્પર થઈ જતા, લાઠી, ગોળી અને કારાવાસથી ડરતા નહીં, કુટુંબથી અલગ થવું પડે તો કબૂલ, પણ રાષ્ટ્રપ્રેમની જ્યોત બુઝાવા દેતા નહીં. આજે ક્યાં છે એ ભાવસામ્રાજ્ય? એવું કહી શકાય કે હવે અંગ્રેજો ચાલ્યા ગયા છે, ગુલામીની જંજીરો તૂટી ગઈ છે, હવે એવા બધા પોચટ લાગણીવેડાનું અહીંયાં કંઈ સ્થાન નથી. સાંભળવામાં તો વાત સારી લાગે. આધુનિક, તર્કશુદ્ધ અને બુદ્ધિગમ્ય લાગે, પણ એ સાચી તો નથી જ નથી. પોતાના રાષ્ટ્ર માટે આદર અને પ્રેમ વિના કોઈ પ્રજા જીવી ન શકે, પોતાનું સ્વત્વ ટકાવી ન શકે, જીવનની પરિપૂર્ણતા પામી ન શકે. સૂર્યની સામે આંખો મીંચીને ગમે એટલા બખાળા કાઢીએ તેથી એ અસૂર્ય નથી થઈ જતો. સત્ય પણ હંમેશાં સત્ય જ રહે છે, ચાહે એને સ્વીકારો કે ન સ્વીકારો અને આ સત્ય બેલાશક કડવું જ છે, મનને જરા યે ગમે એવું નથી. તો શું કરીશું? અપ્રિય સત્યને ધક્કો મારીને પાછું ભોંયમાં ભંડારી દઈશું કે એને નિહાળી, સ્વીકારી, એની પાછળનાં પરિબળો શોધવાનો પ્રયત્ન કરીશું? સ્કૂલ દષ્ટિથી જડી આવે એવાં કારણો એક પછી એક આઘાં મૂક્તા જઈએ તો છેવટે દેખાશે કે આપણી ભારતીયતાને અંગ્રેજી ભાષાનો લૂણો લાગ્યો છે. અકાળે આવી પડતા કરાના વરસાદની જેમ જોરદાર દલીલો મારે માથે પટકવાથી શું વળશે? તમારી એ બધી વાતો મને મંજૂર છે. અંગ્રેજી ભાષા વિશ્વસાહિત્યનું દ્વાર છે. આંતર્દેશીય પ્રવાસ માટે એનું જ્ઞાન જરૂરી છે. અત્યારના વિધવિધ શાસ્ત્ર અને વિજ્ઞાનની ગતિવિધિ જાણવા માટે અંગ્રેજી જાણવું જ પડશે. વળી અંગ્રેજી ભાષાનું પોતાનું શબ્દભંડોળ ને લચીલાપણું અજોડ છે. વારુ આ બધું સ્વીકારી લીધા પછી પણ વિનમ્રભાવે મારે એની એ વાત કહેવાની છે કે ‘મહાજન મારું માબાપ, પણ મારી ખીલી નહીં ખસે. અંગ્રેજોના અમલનો અસ્ત થયા પછી તેમની ભાષાને ગૌરવપૂર્ણ