________________ 306 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 41. શ્યામ અંગ્રેજોનો દેશ - ધીરુબહેન પટેલ આટલા વખત લગી એક મનોરમ ભ્રમણાને આધારે જીવતી આવી છે કે આ ભારતવર્ષ મારો દેશ છે - હું ભારતીય છું, મારી આસપાસનાં સૌ કોઈ ભારતીય છે. પણ હવે આંખ ઉઘાડ્યા વિના ચાલે એમ નથી. ક્યાં છે મારા દેશના સીમાડા, એ ધનવનાચ્છાદિત ધરા જે સમાન ભાવે પશુપક્ષીઓની તેમ જ માનવોની ચેષ્ટા ઉદારતાથી સહી લેતી હતી અને પોતાના અપરંપાર રૂપરાશિથી, અખંડ અનંત સમૃદ્ધિથી સારાયે જગતની પ્રજાઓનાં મન મોહી લેતી હતી? અનેક પ્રજાઓ આક્રમણ કરવા આવી અને ભારતના વિશાળ વત્સલ અંકમાં સમાઈ ગઈ, ભારતીય બની ગઈ. પાટણના પટોળાંની જેમ જુદા જુદા દેશના, જુદી જુદી કોમના, જુદા જુદા ધર્મના લોકોનું રંગબેરંગી રેશમ કોઈ આંતરિક સંકેત અનુસાર અરસપરસ ઓતપ્રોત થઈ એક આગવું અને મનોહર રૂપ ધારી રહ્યું. દૂર દૂરના પૂર્વજો ભુલાઈ ગયા, પણ સાંસ્કૃતિક વારસો ન ભુલાયો. નવાં નવાં ઝરણાં પોતાનાં વિશિષ્ટ લક્ષણો સમેત ભારતીયતાના મહાનદમાં સમાઈ ગયાં. ઈતિહાસનાં પડ ઉખેડ્યા વિના પણ આંખ-કાન ખુલ્લાં રાખીને ભારતનો પ્રવાસ કરતાં આટલી વાત સમજાયા વિના રહે નહીં, મન સાનંદાશ્ચર્યમુગ્ધ બની જાય. પરંતુ છેલ્લી જે પ્રજા આવી તે તો અહીંયાં રહી નહીં, અહીંની બની નહીં, ભારતીયતાના પ્રવાહને પુર કરવાને બદલે તેને ડહોળી નાખ્યો, અલગ અલગ ખાબોચિયામાં રેલાવીને સૂકવી નાખ્યો. ઠીક, ભૂતકાળ સાથે લડવાનો પ્રયત્ન કરવો વૃથા, એનો અફસોસ કરવો તે પણ વૃથા. આટલું સમજવા છતાં મનની ગ્લાનિ જતી નથી.