________________ 276 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ વળી નવાં તોફાની મોજાં ઊઠે છે અને છેવટે તે કિનારે પહોંચ્યા પહેલાં વચ્ચે અથવા તો કિનારે પહોંચીને પણ વિલીન થઈ જાય છે. સપાટી ઉપરનું આ તરંગનૃત્ય એક પળ પણ થંભ્યા વિના રાત અને દિવસ સતત ચાલ્યા કરે છે. જ્યાં દેખો ત્યાં સૂક્ષ્મ-સ્થૂલ કીટપતંગોની, વિવિધ પશુપક્ષીઓની અને માનવજાતિની સર્જન- સંહારલીલા જોવા મળે છે. ‘સપાટી ઉપરના ખેલ કરતાં ઊંડાણનો ખેલ જેમ સમુદ્રમાં કાંઈક જુદા જ પ્રકારનો હોય છે, જેમ જેમ તળ તરફ ઊંડા જઈએ તેમ તેમ પાણી એકવિધ જ હોવા છતાં એના વહનપ્રતિવહનના પરિવર્તનોમાં ફેર પડતો જ જાય છે, તેમ સપાટી ઉપરના જીવનને સ્પર્શતા જીવનસૃષ્ટિમાંના દેહગત વૈવિધ્ય કરતાં એ જીવનનાં ઊંડાણમાં રહેલ મનોગત અને વાસનાગત વહેણનું વૈવિધ્ય બહુ જ જુદા પ્રકારનું અને જટિલ હોય છે. એમ તો સમુદ્ર અગાધ-તલસ્પર્શ વિનાનો કહેવાય છે. પણ માનવબુદ્ધિની છેલ્લી શોધોએ એનું તળિયું માપ્યું છે, તેમ છતાં આજ સુધીની કોઈ માનવશોધે જીવનના તળનો લેશ પણ સ્પર્શ કર્યો નથી. તેથી જીવન ખરા અર્થમાં જ અગાધ છે. આકાશપ્રદેશમાં ગમે ત્યાં જઈને ઊભા રહી, ગમે તેટલે દૂર જાઓ, છતાં ત્યાંનું ક્ષિતિજ નવું વિસ્તર્યું જ જવાનું. જીવનની બાબતમાં પણ એમ જ છે. કોઈ પણ કક્ષાએ જઈને જીવનનો વિચાર કરી એને વિષે કલ્પનાઓ સર્જે પણ એ વિચારો અને કલ્પનાઓ સાવ અધૂરાં લાગવાનાં. જીવનના પૂર્ણ અને યથાવત્ સ્વરૂપને તે વિચારો કે કલ્પનાઓ પકડી શકવાનાં જ નહિ. એ એની પૂરી પકડથી પહેલાંના જેટલું જ વેગળું અને અલિપ્ત રહેવાનું. તેથી જ ખરા અર્થમાં જીવન અનંત છે, અમાપ છે, અગ્રાહ્ય છે, અશેય છે. આમ છતાં માનવ એ જીવનતત્ત્વની શોધમાં લાગેલો છે અને એ શોધના જે પડાવો છે તે જ તે ધર્મના વિવિધ માર્ગો છે. આને લીધે ભારતીય આધ્યાત્મિક ચિંતનની દીર્ધ યાત્રામાં અનેક માર્ગોનાં જુદાં જુદાં પ્રસ્થાન તેમ જ નાનાવિધ વિષયોનાં જુદાં જુદાં નિરૂપણો જોવા મળે છે. એક રીતે એમ કહી શકાય કે જેટલું ભારતીય કે વિશ્વવાય ઉપલબ્ધ છે તે બધું એકંદરે આ શોધનો જ પ્રત્યક્ષ પુરાવો છે'. પંડિતજી આટલા સર્વગ્રાહી અને વૈશ્વિક થઈ શક્યા એના પાયામાં બે વસ્તુ લાગે છે : (1) અનેકાન્તવાદના જૈન-સિદ્ધાંતની પાકી સમજ અને (2) યુગાવતાર ગાંધીજીના જીવનરહસ્યનો આંતરઅનુભવ. એમની સહિષ્ણુતા અને સાદગીમાં આ બંને વસ્તુ મૂર્ત થયેલી જોવા મળતી. આમ, જ્ઞાનના