________________ 272 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ લાગતી હતી. પ્રત્યક્ષ અંધકાર કરતાં પણ નિરાશાનો અંધકાર અતિ દુર્ભેદ્ય હોય છે. મારા મનની ત્યારે એ સ્થિતિ હતી. કોઈ આધાર નહીં. કોઈ ઓથાર નહીં. હૈયું હળવું કરવા કોઈ પગથી નહીં. મિત્રો હોય પણ જેને નિ:સહાયતાનો અનુભવ નથી તે સહાનુભૂતિ છતાં આપણી સ્થિતિ પૂર્ણપણે સમજી જ ન શકે. એટલે તમે એકલા, અટૂલા નિ:સહાયપણે અંધકારના એ કળણમાં ખૂંપી જાઓ તેવી દશા થાય. આજે તો ઘણી શોધો, સુવિધાઓ થઈ છે. પણ તે સમય, તે સમાજ અને તે પરિસ્થિતિ!! મૃદુલા, જીવનનો તે અંધકાર શબ્દમાં મુકાય તેવો નથી.' તેમના સદા પ્રસન્ન ચહેરા પર વિષાદ છવાઈ ગયો હતો. શબ્દ શબ્દ અસહ્ય વેદના નીતરી રહી હતી. તેઓ બોલતા ગયા અને મારી આંખોમાંથી આંસુ નીતરતાં રહ્યાં. જરા પણ અવાજ ન થાય, શ્વાસ પણ જોરથી ન લેવાય તેની મેં ખૂબ તકેદારી રાખેલી પણ પ્રજ્ઞાચક્ષુ પામી ગયા. એકાએક થોભીને કહે, “અરે તું રડે છે? આ તો ચાંદનીની મજા બગડી ગઈ! હું તો વર્ણનમાં તલ્લીન થઈ ગયો. પણ સાંભળી-રડવા જેવું તેમાં હવે શું છે? ઘોર અંધકારનો અનુભવ કર્યો તો એવા જ દેદીપ્યમાન પ્રકાશનો પણ અનુભવ કર્યો છે. ગાઢ અંધકારના અસહ્ય ભાર અને ઘોર નિરાશામાં એક પ્રકાશકિરણ ઝળક્યું-પુરુષાર્થનું એ પગલું દેખાયું-આંચકો મારીને માથું ઊંચું કર્યું અને નિરાશાનો ખડક ગબડી પડયો. ધીમે ધીમે પગ માંડતાં, ટેકો મેળવવાની મથામણ કરતાં કરતાં એક સાંકળ હાથ આવી અને તે ઠેકીને એ ઊંડા કળણમાંથી બહાર આવ્યો તો જે ભવ્ય દેદીપ્યમાન અને ઉજજવળ પ્રકાશ મને મળ્યો તેવો બહુ વિરલ આત્માઓને મળ્યો હશે. જીવનને આ કિનારે તો પ્રકાશ અને આનંદરસ છે પછી પ્રારંભમાં અંધકાર હતો તેનું કંઈ દુ:ખ થોડું જ હોય! ચાલ, હવે ખુશ ને? એક સરસ ભજન ગા, પછી આપણે જઈએ.” કહી તેમણે વાત સમેટી લીધી. બીજે દિવસે સવારમાં ફરતાં ફરતાં કહે : “ઈશ્વર એક હાથે લઈ લે તો બે હાથે આપે એવો મારો જીવનનો અનુભવ છે. ઈશ્વરના ઔદાર્યને કદી સીમા નથી તે વાત તું જીવનમાં કદી ભૂલતી નહીં. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ આધારનો કોઈક ખૂટો તેણે આપણે માટે રાખ્યો જ હશે તેવી શ્રદ્ધા ગુમાવવી નહિ. પુરુષાર્થ કરવાનું આપણે ભાગે હોય છે. પુરુષાર્થ ન કરીએ તો ઈશ્વરી ખૂટો હાથ નહીં આવે.” માનવીય પુરુષાર્થનું અપૂર્વ દષ્ટાંત હેલન કેલરે પૂરું પાડેલું. અપંગતાને