________________ શિક્ષણનું માધ્યમ 205 એઓ એમના સંતાનને વિશ્વફલક પર મૂકવા ઇચ્છે છે એવું નથી હોતું. તેઓ સંતાનનો વિચાર કર્યા વિના ઉચ્ચ સ્તરના લોકોનાં સંતાનો ભણતાં હોય ત્યાં પોતાનાં સંતાનોને વાદે ચડી ઢસડી જાય છે. વળી અંગ્રેજી જેવી ભાષા શીખવવામાં મા-બાપ ગૌરવ અનુભવતાં હોય છે. ઘરમાં મમ્મી-પપ્પા કચ્છી, કાઠિયાવાડી કે તળગુજરાતની બોલી બોલતાં હોય છે ને સંતાન શુદ્ધ અંગ્રેજી બોલે એ માટે ટ્યુશન રાખતાં હોય છે. અર્થાત્ પરિવારની એ વ્યથાથી મૂંઝારો અનુભવે છે. આ સ્થિતિ અત્યારે મહાનગરોમાં ઘેરું રૂપ લઈ રહી છે. પરિવારની માતૃભાષા અને શિક્ષણની આંતરરાષ્ટ્રીય ભાષા વચ્ચે મેળ સધાતો ન હોવાથી સંતાન એના શિક્ષણમાં ગૂંચવાડો અનુભવે છે. પરિણામે એના શિક્ષણમાં દિનપ્રતિદિન ક્યાશ વધતી જાય છે. કોઠાસૂઝના શિક્ષણને સ્થાને ગોખણપટ્ટીનું શિક્ષણ સ્થાન લેતાં સંતાનો એમની યાદશક્તિને કેળવે છે. યાદશક્તિથી જ્ઞાન વધે, પણ ઘડતર ના થાય. વળી એ વેઠ લાગે. એની સહજતાનો અનુભવ ન થઈ શકે. શિક્ષણ એ તો લોહીના લયમાં ઓગળી ધબકવું જોઈએ. શિક્ષણ એ ત્વચા છે. એને વસ્ત્રોની જેમ પહેરી ન શકાય. માતૃભાષા સિવાયની ભાષામાં અપાતું શિક્ષણ એ વાઘા છે. આવા વાઘા પહેરાવી સંતાનોને શણગારી શકાય, કેળવી શકાય નહિ. માતૃભાષા અને રાષ્ટ્રભાષાનો પણ આવો જ પ્રશ્ન છે. રાષ્ટ્રભાષા એ આમ તે લાદેલી ભાષા નથી. એના સંસ્કાર વ્યક્તિમાં પડેલા હોય છે. સમગ્ર દેશનો મોટા ભાગનો વર્ગ આ ભાષા બોલે છે. એટલે વ્યવહારમાં અને વહીવટમાં એનો ઉપયોગ થતો હોવાથી એ અજાણી કે પરાઈ ભાષા લાગતી નથી. બાળક જે પરિવેશમાં હોય છે ત્યાં એનું થોડું ઘણું વાતાવરણ હોય છે. સામાન્યત: રાષ્ટ્રભાષા તો પ્રાદેશિક ભાષાઓમાંથી ઘડાતી આવતી હોય છે. એક ભાષાકુળનું એ રચાયેલું રૂપ હોય છે. આથી એ માધ્યમ તરીકે આવે ત્યારે એના આછી-પાતળા સંસ્કારને લીધે એ ભારરૂપ ન લાગે. શિક્ષણ ત્રણ સ્તરીય ભાષામાધ્યમથી અપાતું આવ્યું છે 1. આંતરરાષ્ટ્રીય ભાષા: વિશ્વની પ્રજાઓમાં જે ભાષા વધુ પ્રચારમાં અને વ્યવહારમાં હોય તે ભાષા આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે સ્થાન પામે છે. આજે અંગ્રેજી આંતરરાષ્ટ્રીય