________________ 204 અમૃત મહોત્સવ સ્મૃતિ પાંચ 28. શિક્ષણનું માધ્યમ - મફત ઓઝા શિક્ષણનું માધ્યમ ભાષા હોવાથી ભાષાનું શિક્ષણ અનિવાર્ય બને છે. સામાન્ય રીતે શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષા, રાષ્ટ્રભાષા કે આંતરરાષ્ટ્રીય ભાષાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ભાષા એ રાષ્ટ્ર પર લાદવામાં આવેલી હોય છે. જે લોકો પોતાને સમાજના ઉચ્ચ સ્તરના વધુ સંસ્કારી સમજે છે તેઓ એમનાં સંતાનોને એ ભાષાના માધ્યમમાં શિક્ષણ આપે છે. ઘરમાં બોલાતી ભાષા અને શિક્ષણની ભાષા જુદી જુદી હોવાથી સંતાનો બેય ભાષામાં અટવાય છે ને પછી તે અવઢવમાં એનું બે રીતે અહિત થાય છે. ઘરની - ઘરગથ્ય ભાષા પર એનું ધ્યાન કેન્દ્રિત ન થવાથી એ એની સજ્જતા કેળવી શકતો નથી. એથી ઊલટું તો એમ બને છે કે ઘરની ભાષાથી એ અતડો થાય છે. જે ઘરમાં એ અઢાર કલાક જેટલો ઓતપ્રોત રહે છે ત્યાં પેલી એની શિક્ષણની ભાષા નથી. એટલે કે જે ડાળીએ એને ચડાવ્યો છે તે એને ઘરના વાતાવરણમાં કોઠે પડે તેમ નથી અને જે ધાવણ સાથે ભાષા પાવામાં આવી છે એનાથી એને ઉતરડી લેવાનો પ્રયત્ન થાય છે. પરિણામે 1. એ નથી એની માતૃભાષાને પામી શકતો કે નથી એની સજ્જતા માટે વાતાવરણમાં ભળી શકતો. 2. એ જે ભાષામાં શિક્ષણ લે છે તે નથી આત્મસાત કરી શકતો કે નથી એ વાતાવરણમાં પ્રવેશી શકતો. માતૃભાષામાં સંતાન શિક્ષણ મેળવે એની મા-બાપને નાનમ લાગે છે.