________________ વિદ્યાર્થીકાળનું મહત્ત્વ તથા શક્યતાઓ 189 પુસ્તકાલયોના ગ્રંથપાલો તો પ્રાધ્યાપક-ગણને પણ નવાં નવાં પ્રકાશનોથી માહિતગાર રાખીને સહાયક બને છે. વિદ્યાર્થીવર્ગની કાળજી આવી સંસ્થાઓ લેતી હોય છે. એને કારણે એમના જીવનના કપરા સંજોગોનો સામનો કરવાની હિંમત એમનામાં આવે છે, સમાજ પ્રત્યેની કડવાશ થોડી ઓછી થાય છે અને જીવનના ધ્યેય સુધી પહોંચવાની પ્રેરણા વિદ્યાર્થીવર્ગ મેળવે છે એ હકીકત છે. વિદ્યાર્થીકાળ એ સુવર્ણકાળ છે. વ્યક્તિત્વના વિકાસની દિશાઓ અહીં ખૂલે છે અને કૂવાનો દેડકો કૂવાના ઘેરાવામાંથી બહાર આવીને વિશાળ દુનિયામાં કૂદકા ભરવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે. પોતે જીવનના અનુભવોમાંથી જે શીખ્યો છે તે બીજી પેઢીને વહેંચીને સંતોષનો શ્વાસ ભરે છે. છાત્રાલયોમાં રહીને ભાગતો વિદ્યાર્થીવર્ગ વિસ્કોન્સીન વિદ્યાપીઠના એસ્ટેન્શન વિભાગના નિયામકે લખેલી દંતકથાના મુસાફરો જેવો છે. ત્રણ મુસાફરો ઘોડા પર સવાર થઈને રણમાંથી એક રાતે પસાર થઈ રહ્યા હતા. નદીના સૂકા પટને પાર કર્યો. ત્યાં એમને એક ગેબી અવાજ સંભળાયો થોભો. એ થોભ્યા. એ અવાજે આદેશ આપ્યો કે “ઘોડા પરથી નીચે ઉતરીને થોડા પત્થરો તમારા ખિસ્સામાં ભરી લો.” તેઓ આદેશ મુજબ વર્યા એટલે પેલા અવાજે કહ્યું “તમે મારો હુકમ માન્ય રાખ્યો. આવતી કાલે સવારે તમને આનંદ અને રંજ થશે.” આ લોકો કાંઈ સમજ્યા નહીં. સૂર્ય ઊગતાં જ ખિસ્સામાં હાથ નાંખીને પથરા જોયા તો તે રૂબી, નીલમ જેવાં અમૂલ્ય રત્નો હતાં. એમણે એ લીધાનો હર્ષ અને વધુ ન લીધાનો શોક અનુભવ્યો. શિક્ષણ અને જ્ઞાન પણ જેટલું મેળવીએ તેટલું ઓછું છે. જ્ઞાનને કોઈ સીમાડા નથી, એ તો જ્ઞાતિના વાડાઓ, ધર્મના સંપ્રદાયો અને ભાષાના પૂર્વગ્રહોથી પર છે, એ સમજ કેળવાય તો જ બેડો પાર થાય. ***