________________ 172 અમૃત મહોત્સવ સ્મૃતિ રે દાખવી નથી. જ્યાં આવી ઉપક્રમશીલતા દાખવીને સમાજ પાસેથી સહાય મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે ત્યાં સમાજ પાસેથી નાણાંકીય સહાય મળ્યાનાં કેટલાંક ઉદાહરણો આપણી પાસે છે. ગુજરાતીમાં વિશ્વકોશ જેવી મહત્ત્વાકાંક્ષી યોજના માટે દાતાઓ મળ્યા છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ તેનું બુલેટિન ઉદીચ' શરૂ કર્યું અને તેના માટે સહાય માંગી તો નાની રકમની સહાય આપનારાઓ તેના લગભગ પ્રોક અંક માટે મળી રહે છે. ટૂંકમાં મુદ્દો એ છે કે શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટેના યોજકો મળી રહે તો નાણાં ઊભાં કરવાનું મુશ્કેલ નથી, એમ ગુજરાતનો અનુભવ સૂચવી જાય છે. શિક્ષણની ગુણવત્તા સુધારવી હશે તો શિક્ષણ સંસ્થાઓમાં અનેક પ્રવૃત્તિઓ હાથ ધરવી પડશે. કોઈ શિક્ષણપંચની ભલામણોનો અમલ કરીને રાજા તેની નીતિ દ્વારા શિક્ષણની કાયાપલટ કરી નાખશે એવી અપેક્ષા રાખવાની નથી, એવો આપણો અનુભવ છે. શિક્ષણક્ષેત્રે સામાજિક સંસ્થાઓની વિધાયક સામેલગીરી બે રીતે હાંસલ કરી શકાય : સામાજિક સંસ્થાઓ પોતે શિક્ષણપોષક પ્રવૃત્તિઓ વિચારે અને તેના અમલ માટે શિક્ષકો અને શિક્ષણ સંસ્થાઓને નાણાકીય સહાય આપીને તે પ્રવૃત્તિઓ હાથ ધરવા પ્રેરે. આમાં ચોક્કસ સામાજિક સમસ્યાના ઉકેલ માટે સંશોધકોને પ્રેરવાનો પણ સમાવેશ થઈ જાય છે. બીજે છેડેથી શિક્ષણ સંસ્થાઓના સંચાલકો પોતે વિવિધ પ્રોજેક્ટ તૈયાર કરે અને એ માટે ટ્રસ્ટો તથા દાતાઓનો સંપર્ક સાધે. આ રીતે જો શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરાવવા સિવાયની પ્રવૃત્તિઓ પણ નિયમિત રીતે ચાલતી થશે તો જેને અહીં વ્યાપક અર્થમાં સંશોધનો કહ્યાં છે તેનું મૂલ્ય પ્રસ્થાપિત થશે. શિક્ષણ સંસ્થાઓને સંશોધનાભિમુખ કરવા માટે સામાજિક સંસ્થાઓએ સક્રિય ભૂમિકા ભજવવાની છે. ***