________________ 168 અમૃત મહોત્સવ સ્મૃતિ રહે જ્ઞાનવિજ્ઞાનની વિવિધ શાખાઓ અસ્તિત્વમાં આવી. યુનિવર્સિટીઓનું કાર્ય ‘સત્યની શોધનું છે એ વિધાનને સમજવાનો આ સંદર્ભ છે. દુન્યવી ઘટનાઓના જે ખુલાસા ધર્મગ્રંથો અને ધર્માચાર્યો દ્વારા આપવામાં આવતા હતા તે જો અસત્ય માલુમ પડે તો તેનો અસ્વીકાર કરીને પોતાને જ સત્ય લાગે તે પ્રગટ કરવું એ યુનિવર્સિટીની એક પરંપરા બની. આ પરંપરાના એક બીજા પાસાને પાગ સમજી લેવું ઘટે. લૌકિક તેમ જ પારલૌકિક એમ બધા પ્રકારની ઘટનાઓ અંગેના સત્યનો ઈજારો પોતાની પાસે છે તેવા તત્કાલીન ધર્માચાર્યોના દાવા સામેના સંઘર્ષમાંથી આ પરંપરા અસ્તિત્વમાં આવી છે. સત્ય અંગે તે કોઈ ગ્રંથ કે વ્યક્તિના અધિકાર (authority) ને માન્ય રાખતી નથી. ધર્માચાર્યોના જ્ઞાનના ઇજારાની સામે શરૂ થયેલી આ પરંપરા એ પછી સમાજજીવનનાં અન્ય ક્ષેત્રોમાં પણ વિસ્તરી. એમાં પોતાને જે સત્ય લાગે તેને વ્યક્ત કરવાનું વાણી-સ્વાતંત્ર તેમ જ બૌદ્ધિક પ્રામાણિકતા અભિપ્રેત હતાં. આ પરંપરા દુન્યવી ઘટનાઓને સમજવાની જીવંત જિજ્ઞાસામાંથી ઊભી થઈ છે અને છેલ્લાં સો-સવાસો વર્ષોમાં તે ઘણા મોટા પ્રમાણમાં વિસ્તરી છે. દુન્યવી ઘટનાઓ અંગેના જ્ઞાનની શોધમાંથી આધુનિક ટૅકનોલોજીનો વિકાસ થયો. આ વિકાસથી જ માનવજાતની સ્થિતિમાં ઘણો મોટો સુધારો થયો છે. પશ્ચિમના દેશોમાં ગરીબી, અજ્ઞાન અને આયુષ્યને ટૂંકાવતા રોગચાળા નાબૂદ થયા તેમાં યુનિવર્સિટી દ્વારા પોષવામાં આવેલી આ સંશોધનવૃત્તિએ મહત્વનો ભાગ ભજવ્યો છે. સંશોધન એટલે ન જાણેલું જાણવું અને જાણેલું સુધારવું. આ પ્રકારની સંશોધનવૃત્તિથી મનુષ્યજાતની સ્થિતિ સુધરી છે કેમકે માણસ જે સ્થિતિમાં જીવે છે, જે રીતે જીવે છે અને જે રીતે પોતાનાં કાર્યો કરે છે તેમાં સુધારાને અવકાશ છે એ પાયાની શ્રદ્ધા પર આ સંશોધનવૃત્તિ ઉભેલી છે. આપણે આધુનિક શિક્ષણની આ ઐહિકતાનો મર્મ સમજ્યા નથી. તેથી માનવીય અને બિનમાનવીય કે ભૌતિક સ્વરૂપની ઐહિક ઘટનાઓને સમજવાના પ્રયાસોને (એટલે કે આધુનિક વિજ્ઞાનોને) આપણે ઉચિત મહત્ત્વ આપ્યું નથી. આપણી કોઈ સામાજિક સંસ્થાઓએ સંશોધનવૃત્તિનો પુરસ્કાર કરવાના ઉદ્દેશને નજર સમક્ષ રાખીને શિક્ષણને પ્રોત્સાહન આપ્યું નથી.