________________ તે જ પ્રમાણે પ્રહ રીડિંગની કંટાળાજનક અને બહુધા અપયશ અપાવે તેવી કામગીરીને પણ શ્રી ભદ્રકભાઈ દવે (વિશેષાધિકારી, ગુજરાતી વિભાગ, પાઠ્યપુસ્તક મંડળ, મુંબઈ)એ અને મારા પ્રત્યેના સ્નેહને કારણે વિદ્વાન સાક્ષર અને ઍલિફન્સ્ટન કૉલેજના ભૂતપૂર્વ પ્રાધ્યાપક આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ બા. ત્રિવેદીએ વહન કરી છે તેમનો પણ અંતરથી આભાર માનું છું. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના કર્મચારીગણમાંથી વિશેષ ઉલ્લેખનીય વ્યક્તિ છે આસિ. રજીસ્ટ્રાર મુ. શ્રી નટુભાઈ શાહ. શ્રી નટુભાઈએ આ ગ્રંથના કાર્યમાં પ્રારંભથી જ પોતાની નિકાભરી સેવાઓ આપી છે અને તેના પ્રકાશનમાં પણ તેટલો જ રસ લીધો છે. લેખકોના પ્રાપ્ત થયેલ લેખો અને તે વિષયક કરવો પડેલ પત્રવ્યવહારમાં પણ એમનો સહકાર મળ્યો છે. તે જ પ્રમાણે ઑફિસ સુપરિન્ટેન્ડન્ટ શ્રી કનુભાઈ શાહ તથા શ્રી મનુભાઈ દેસાઈ, શ્રી ભૂપતભાઈ જોશી ઉપરાંત શ્રી ચીમનલાલ શાહ ‘કલાધર'ના સહકારની પણ હું નોંધ લઉં છું. આ ગ્રંથને વૈવિધ્યસભર બનાવવા અને શ્રી મહાવીર જૈન વિદ્યાલયની પ્રતિષ્ઠાને ન્યાય આપે તેવા લેખોથી સમૃદ્ધ કરવાનો અમે બંનેએ, સંપાદક અને સંયોજકે નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કર્યા છે છતાં ક્યાંક ખામીઓ રહી જવાનો સંભવ નકારી ન પણ શકાય. મને શ્રદ્ધા છે કે આવી ઊણપો કે કચાશોને આ ગ્રંથના વિદ્વાન વાચકો, વિચારકો અને સહૃદયી ભાવકો ઉદારતાથી નિભાવી લેશે. હું તો મારી જાતને પરમ સદ્ભાગી ગણું છું કે આવી ઐતિહાસિક અને અનુપમ શિક્ષણ સંસ્થાના અમૃત મહોત્સવ નિમિત્તે પ્રકાશિત થયેલ સ્મૃતિ ગ્રંથના સંપાદનનું પુણ્યકાર્ય બજાવવાનું શ્રેય મને મળ્યું. એ સંદર્ભમાં પ્રખર પત્રકાર સ્વ. મોહનલાલ દલીચંદ દેસાઈના શબ્દો ટાંકીને કહીશ, અનેક વિદ્વાનોએ લીધેલા શ્રેમની ખરી સફળતા તો ત્યારે જ થઈ શકે જ્યારે દરેક સ્થળે બિરાજતા અમારા મુનિવર્યો આ ખાસ અંકના લેખો પોતાના ગામના શ્રાવકોને વાંચી સંભળાવે.. ઉદારચિત્ત વિચારોનું વાતાવરણ સર્વત્ર ફેલાવવું એ હરકોઈ સમાજની ઉન્નતિ કરવાનું પહેલું પગથિયું છે કારણકે વિચારમાંથી આચાર-ક્રિયા-કાર્ય સહજ ઉદભવે છે.” 13.