________________
સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ
75
કોઈ વાદી આકાશમાં ચાલ્યો જાય તો તેને નીચે ઉતારી પરાસ્ત કરી શકાય.
સામાન્ય રીતે આવી હકીકત વિદ્યાપારંગત માટે અસ્થાને લાગે. પરંતુ કેટલીક અસર તે કાળની પ્રણાલીઓની હોઈ શકે.
હરિભદ્ર એક વાર તીર્થાટન માટે નીકળ્યા. તે સમયે તેમણે પ્રતિજ્ઞા લીધી કે જે વ્યક્તિનું કથન મને ન સમજાય તેના માટે શિષ્ય બનવું. ફરતા ફરતા તેઓ ચિત્તોડગઢમાં આવ્યા. તે સમયે ચિત્તોડગઢમાં શ્રી જિનદત્ત નામના જૈન આચાર્ય બિરાજતા હતા. તેમના સમયમાં યાકિની નામના વિદ્વાન મહત્તરા (સાધ્વી) પણ હતાં.
હરિભદ્ર ફરતા ફરતા આ સાધ્વીજીઓના ઉપાશ્રય પાસે આવ્યા. ત્યાં તેમણે ગંભીર સ્વરે લયબદ્ધ શાસ્ત્રોક્ત ગાથા સાંભળી જે આ પ્રમાણે હતી -
ચક્કિ દુર્ગ હરિપણમ, પણગ ચક્કીણ કેસનો ચક્કી |
કેસવ ચક્કી કસવ દુચક્કી, કેસીય ચક્કી ય || જૈન દર્શન પ્રમાણે તીર્થંકરના સમયમાં બાર ચક્રવર્તી અને નવ વાસુદેવ હોય છે.
બે ચક્રવર્તી પાંચ વાસુદેવ, પાંચ ચક્રવર્તી એક વાસુદેવ, એક ચક્રવર્તી એક વાસુદેવ, બે ચક્રવર્તી એક વાસુદેવ, એક ચક્રવર્તી અને એક વાસુદેવ, બે ચક્રવર્તી અને અંતે એક વાસુદેવ એક ચક્રવર્તી થયા. આ ગાથાર્થ હતો.
મધુર સ્વરે બોલાતી આ ગાથાનો અર્થ હરિભદ્રસૂરિ સમજી શક્યા નહીં. તેઓએ વિનયપૂર્વક સાધ્વીજીને પૂછ્યું, “હે ભગવતી ! આ ગાથામાં તમે વારંવાર ચક ચક શું કરો છો તેનો અર્થ મને સમજાવો.'
યાકિની મહત્તરાએ જણાવ્યું કે આનો અર્થ સમજવા તમારે અમારા ગુરુ મહારાજ પાસે જવું પડે. અર્થ સમજાવવાનો અમારો અધિકાર નથી. જૈનદર્શનની પરંપરામાં સાધ્વીજીઓને શાસ્ત્રાભ્યાસ કરવા-કરાવવાની અમુક મર્યાદા છે.
હરિભદ્રએ તેમના ગુરુ મહારાજના સ્થાન અંગે પૂછયું ત્યારે સાધ્વીજી તેઓને આચાર્ય શ્રી જિનદત્તસૂરિ પાસે લઈ ગયાં.
આચાર્ય ભગવંતે હરિભદ્રને ગાથાનો અર્થ સમજાવ્યો. અર્થ સમજ્યા પછી હરિભદ્રએ પોતાની પ્રતિજ્ઞા જણાવી. આચાર્ય ભગવંતે તેમની મુખાકૃતિ પરથી જાણ્યું કે તેઓ દીક્ષાને યોગ્ય છે. તેમણે તેઓને “આ મહત્તરાનો ધર્મપુત્ર થા !” એમ કહ્યું. આથી તેઓ પોતાની ઓળખાણ “યાકિની મહત્તરા ધર્મસૂનું' અર્થાત્ યાકિની મહત્તરાના ધર્મપુત્ર તરીકે આપવા લાગ્યા.
આ પ્રકાંડ બ્રાહ્મણ અજેય પંડિત જૈન ધર્મના વિરોધી હતા. તેઓ માનતા કે હાથી પાછળ પડે તો હાથીના પગ નીચે ચગદાઈ જવું સારું પણ જૈન મંદિરનો આશ્રય ન લેવો. જૈન ધર્મ પ્રત્યેનો આવો દ્વેષભાવ ત્યજી તેઓ પ્રતિજ્ઞા પ્રમાણે શ્રી જિનદત્તસૂરિના શિષ્ય તરીકે દીક્ષિત થયા. તેમણે જૈનત્વનું સાધુપણું સ્વીકાર્યું.