________________
76.
સુનંદાબહેન વોહોરા
વિદ્યાવ્યાસંગમાં અજોડ હોવાના પરિણામે તેઓ ટૂંક સમયમાં જ ગીતાર્થ થયા. જૈન આગમોમાં પારંગત થયા. તેમની પ્રતિભાના પરિણામે ગુરુદેવે ટૂંક સમયમાં જ આચાર્યપદ પ્રદાન કર્યું છતાં તેઓ પોતાને યાકિની મહત્તરાના ધર્મપુત્ર તરીકે ઓળખાવતા હતા.
આચાર્ય હરિભદ્રસૂરિના શિષ્યગણમાં હંસ અને પરમહંસ બે અતિ વિદ્વાન શિષ્યો હતા. સંસાર સંબંધે તેઓ એમના ભાણેજ હતા. ક્ષત્રિય જાતિના મહાપરાક્રમી શસ્ત્રપારંગત એવા આ બે ભાઈઓ સૂરિની નિશ્રામાં શાસ્ત્રપારંગત થયા. શ્રમણ્ય ધર્મનું ઉત્તમ રીતે પાલન કરતા તેઓ સૂરિના પ્રિય શિષ્ય હતા.
આ બંને શિષ્યો શાસ્ત્રોના જ્ઞાતા બન્યા. તેમને ભાવના થઈ કે બૌદ્ધદર્શન અસર્વજ્ઞ પ્રણીત છે. તેનું ખંડન કરી સર્વજ્ઞનાં તત્ત્વોનું ખંડન કરવું. તે માટે તેમણે બૌદ્ધ મઠમાં જઈને છૂપા વેશે બૌદ્ધ દર્શનનું અધ્યયન કરવાની ઇચ્છા વ્યક્ત કરી જેથી વાદમાં તેમના મતનું ખંડન કરી શકાય. આ માટે ગુરુની આજ્ઞા માગી. તે સમયે બૌદ્ધદર્શન જૈનદર્શનનું કટ્ટર વિરોધી હતું. સૂરિને આનો ખ્યાલ હતો. નિમિત્તશાસ્ત્રના આધારે ભાવિ જોતાં ભયાવહ જણાયું. તેથી તેમણે શિષ્યોને આજ્ઞા આપી નહીં. તેમ છતાં શિષ્યોનો અતિ આગ્રહ થતાં કહ્યું, ‘તમને ઠીક લાગે તેમ કરો.” બંને શિષ્યો અતિ ઉત્સાહિત હતા. તેઓએ મનમાં શ્રમણભાવ અને બાહ્યવેશ બૌદ્ધ ભિક્ષુકનો ધારણ કર્યો અને બૌદ્ધ મઠમાં પ્રવેશ કર્યો.
બૌદ્ધ મઠમાં ક્ષણિકવાદનો નાદ અને “બુદ્ધ શરણં ગચ્છામિ'નો ગુંજારવ ગાજતો હતો. આ બંને શ્રમણ પોતાના મનમાં શ્રી નવકાર મહામંત્ર અને સર્વજ્ઞ શ્રી મહાવીરનું રટણ કરતા હતા. બૌદ્ધ ગ્રંથોનું અધ્યયન કરી પરિશ્રમપૂર્વક ક્ષણિકવાદનું ખંડન કરતા મુદ્દાઓની નોંધ કરી ટિપ્પણી તૈયાર કરી. જેથી ભવિષ્યમાં વાદ થાય ત્યારે બૌદ્ધ મતને હરાવી શકાય.
તે કાળે અન્યોન્ય દર્શનો વિશે રાજસભામાં વાદવિવાદ કરી હારજીતનો નિર્ણય થાય તેવી પ્રણાલી હતી. તે પછી જીતનાર પક્ષ રાજાના સહકારથી પોતાના મતનો પ્રચાર કરતા. હંસ અને પરમહંસ ઉત્સાહપૂર્વક આ કાર્ય કરતા હતા પણ ભાવિનું નિર્માણ કંઈક જુદું જ હતું.
એક વાર એકાએક જોશમાં પવન ફૂંકાતાં ટિપ્પણીના કાગળો ઊડીને બહાર ફેંકાયા. તેમાંના એક-બે કાગળ બૌદ્ધાચાર્યની બેઠક સુધી પહોંચી ગયા. તેઓએ કાગળ હાથમાં લીધા અને જોયા. કાગળો જોતાં તેમને ખ્યાલ આવી ગયો કે બૌદ્ધ મતનું ખંડન કરનારા આ કાગળો દ્વારા કોઈ પયંત્ર રચાઈ રહ્યું છે. તેઓએ ઊભા થઈને બૂમાબૂમ કરી, “પયંત્ર, જયંત્ર'. બધા ભિક્ષુઓ ભેગા થઈ ગયા. બૌદ્ધાચાર્યે કહ્યું કે પયંત્ર કરનારનો નાશ કરવો જોઈએ. હંસ અને પરમહંસને ખ્યાલ આવી ગયો કે આ તો પોતાની ટિપ્પણીના જ કાગળો છે. તેમના શરીરમાં ધ્રુજારી વ્યાપી ગઈ.
બૌદ્ધાચાર્ય જણાવ્યું કે કોઈ શ્રમણોનું જ આ પયંત્ર છે. ષડ્યુંત્ર પકડવા તેમણે તરત જ યુક્તિ કરી કે બહાર નીકળવા માટેના દરવાજા પર જિનપ્રતિમાનું ચિત્ર દોરવું, તેના પર પગ મૂકીને સહુએ નીકળવું. એ પ્રમાણે કાર્યવાહી શરૂ થઈ. બૌદ્ધાચાર્ય દૂર બેઠા બેઠા સૂક્ષ્મ નિરીક્ષણ કરતા હતા, અનુક્રમે હંસ અને પરમહંસ દરવાજા પાસે આવ્યા. તેઓ પ્રાણ જાય પણ જિનપ્રતિમા પર પગ કઈ રીતે મૂકે?