________________
ધીરજલાલ ડી. મહેતા
(૮) બીજા જીવો દાનાદિ શુભ કાર્ય કરતા હોય તેમાં વિઘ્ન કરવાથી અને હિંસાદિ ૧૮ પાપસ્થાનકનાં કાર્યો કરવાથી આ જીવ અંતરાય કર્મ બાંધે છે.
44
આ પ્રમાણે આ જીવ આઠે કર્મો કયાં કયાં કારણોથી બાંધે છે તે સમજાવવામાં આવ્યું અને જ્ઞાનદર્શન-ચારિત્ર આદિ આત્માના ગુણોની વધારેમાં વધારે ઉપાસના કરવાથી, બીજાને કરાવવાથી અને અન્ય કોઈ આવાં સારાં કામો કરતા હોય તેની અનુમોદના-પ્રશંસા કરવાથી આ જીવ આઠે કર્મોનો નાશ કરે છે, ક્ષય કરે છે, ક્ષપકશ્રેણી પ્રારંભે છે.
વ્યવહારનયથી પાપ એ હેય છે અને પુણ્ય એ ઉપાદેય છે. પરંતુ નિશ્ચયનયથી પાપ અને પુણ્ય આ બંને લોખંડની અને સોનાની બેડીતુલ્ય હોવાથી બંને હેય છે અને સંવર, નિર્જરા અને મોક્ષ એ જ ઉપાદેય છે.
બાંધેલાં કર્મોને તોડવાના ઉપાય
જ્ઞાન, દર્શન અને ચારિત્ર ઇત્યાદિ આત્માના ગુણોની ઉપાસના સેવાભક્તિ કરવાથી તથા અન્ય જીવોમાં આવા ગુણોની વૃદ્ધિ થાય તેવાં જિનમંદિર, ઉપાશ્રય, પાઠશાળા આદિ કાર્યો કરવાથી જૂનાં બાંધેલાં કર્મો ભોગવ્યા વિના પણ તૂટી શકે છે. તેને કર્મોની નિર્જરા કહેવાય છે. બાંધેલાં બધાં જ કર્મો અવશ્ય ભોગવવાં જ પડે તેવો નિયમ નથી, એક અંતમુહૂર્તમાં કોડાકોડી સાગરોપમ ચાલે તેટલાં કર્મો આ જીવ બાંધી પણ શકે છે અને કોડાકોડી સાગરોપમનાં કર્મો ભોગવ્યા વિના તોડી પણ શકે છે. બંધ એ હેય છે અને સંવર તથા નિર્જરા ઉપાદેય છે. નવાં નવાં બંધાતાં કર્મોને અટકાવવાં તે સંવર કહેવાય છે અને જૂનાં બાંધેલાં કર્મોને તોડવાં તેને નિર્જરા કહેવાય છે.
જેટલી બને તેટલી ગુણોની ઉપાસના કરવાથી અને ગુણવાળા મહાત્માઓની સેવા-ભક્તિ ક૨વાથી પૂર્વે બાંધેલાં કર્મો તૂટે છે અને કષાયો કરવાથી તથા પાંચ ઇન્દ્રિયોના વિષયો સેવવાથી અને તેમાં વધારે પ્રમાણમાં આસક્તિ રાખવાથી નવાં નવાં કર્મો બંધાય છે. કર્મોને બાંધવાના ઉપાયો અને કર્મોને તોડવાના ઉપાયો પણ જીવને જ આધીન છે. માટે જીવ એ કર્મનો કર્તા-ભોક્તા છે. બીજાં બધાં નિમિત્ત કારણ છે.
આ જીવ ચૈતન્યગુણવાળો છે તેથી સારા અને ખરાબ વિચારો અને વર્તન કરે છે તેથી આ જીવ જ કર્મ બાંધે છે અને કર્મ તોડે છે. અજીવમાં જ્ઞાનસંજ્ઞા ન હોવાથી તેને રાગ-દ્વેષ કે કષાયો થતા નથી. તેથી તે પદાર્થો કર્મો બાંધતાં નથી તથા મોક્ષના જીવો કર્મ બાંધતાં નથી.