________________
જેનદર્શનમાં કર્મવાદ
43 પહેલાં ગુણસ્થાનકે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એમ પાંચે બંધહેતુઓ દ્વારા કર્મબંધ થાય છે. બીજે, ત્રીજે અને ચોથે ગુણઠાણે મિથ્યાત્વ વિના બાકીના ચાર બંધહેતુઓ દ્વારા કર્મબંધ થાય છે. પાંચમે ગુણઠાણે ત્રસકાયની અવિરતિ વિના બાકીના ચારે બંધુહેતુઓ દ્વારા કર્મબંધ થાય છે. કદ્દે ગુણઠાણે મિથ્યાત્વ અને અવિરતિ વિના પ્રમાદ-કષાય અને યોગના કારણે કર્મબંધ થાય છે. અને સાતમાં ગુણઠાણાથી દસમા ગુણઠાણામાં માત્ર કષાય અને યોગ એમ બે જ બંધહેતુઓ વડે કર્મબંધ થાય છે તથા અગિયારમા, બારમાં અને તેરમા ગુણઠાણે ફક્ત એક યોગના નિમિત્તે જ કર્મબંધ થાય છે તથા ૧ થી ૧૦ ગુણઠાણામાં પ્રકૃતિબંધ-સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ એમ ચાર પ્રકારનો બંધ આ જીવ કરે છે. પરંતુ ૧૧-૧૨-૧૩માં ગુણઠાણે કષાય ન હોવાથી માત્ર પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ એમ બે જ પ્રકારનો બંધ જીવ કરે છે.
કર્મબંધ થવાનાં કારણો (૧) જ્ઞાન-જ્ઞાની અને જ્ઞાનનાં સાધનો ચોપડી, સાપડો વગેરે – આ ત્રણે વસ્તુઓને નુકસાન કરવાથી, નાશ કરવાથી અથવા કાગળ-પુસ્તક વગેરેને ફાડવાથી-બાળવાથી આ જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે.
(૨) કોઈ પણ જીવની આંખ-કાન-નાક વગેરે ઇન્દ્રિયો છેદવાથી તથા તેને નુકસાન કરવાથી આ જીવ દર્શનાવરણીય કર્મ બાંધે છે.
(૩) ગુરુજીની ભક્તિ, ક્ષમાશીલ સ્વભાવ, દયાળુ સ્વભાવ, લીધેલાં વ્રતોમાં સ્થિર રહેવાપણું, શુભ યોગોમાં વર્તવાપણું, દાનાદિ ધર્મકાર્ય કરવાની રુચિવાળો જીવ શાતાદનીય કર્મ બાંધે છે અને તેનાથી વિપરીત વર્તન કરનારો જીવ અશાતાવંદનીય કર્મ બાંધે છે.
(૪) મન ફાવે તેમ જૈન ધર્મથી વિપરીત પ્રરૂપણા કરવાથી, લોકોને ખોટા ખોટા રસ્તા બતાવવાથી અને શાસ્ત્રવિરુદ્ધ કથન કરવાથી જીવ દર્શનમોહનીય કર્મ બાંધે છે અને ક્રોધ, માન, માયા અને લોભ ઇત્યાદિ કષાય અને હાસ્યાદિ નોકષાય ઘણા કરવાથી આ જીવ મોહનીય કર્મ બાંધે છે.
(૫) ઉન્માર્ગની દેશના આપવાથી તથા વિષય અને કષાયને પરવશ થવાથી આ જીવ નરકાયુષ્ય બાંધે છે અને માયા-કપટ-જૂઠ કરવાથી આ જીવ તિર્યંચાયુષ્ય બાંધે છે. મધ્યમ કષાયો કરવાથી અને અલ્પ ગુણોવાળું જીવન જીવવાથી આ જીવ મનુષ્યનું આયુષ્ય બાંધે છે તથા શ્રેષ્ઠ કાર્યો કરવાથી અને દાનાદિ ધર્મકાર્યમાં પરાયણ રહેવાથી આ જીવ દેવાયુષ્ય બાંધે છે.
() મન, વચન અને કાયાથી શુભ પ્રવૃત્તિ કરવાથી અને ગુણિયલ સ્વભાવ રાખવાથી તથા રસગારવ, ઋદ્ધિગારવ અને શાતાગારવ ન સેવવાથી આ જીવ શુભ નામકર્મ બાંધે છે અને તેનાથી વિપરીત વર્તન કરવાથી આ જીવ અશુભ નામકર્મ બાંધે છે.
(૭) પરની પ્રશંસા અને પોતાની નિંદા કરવાથી તથા ભણવા અને ભણાવવાની રુચિ રાખવાથી અને પોતાના મેરુ જેવડા ગુણોને રાઈ જેવડા કરવાથી અને પરના રાઈ જેવા ગુણોને મેરુ જેવડા કરવાથી આ જીવ ઉચ્ચગોત્ર કર્મ બાંધે છે અને તેનાથી ઊલટું વર્તન કરવાથી આ જીવ નીચગોત્ર કર્મ બાંધે છે.