________________
3
આચાર્યશ્રી વિજયશીલચંદ્ર
સૂરીશ્વરજી
શ્રી વિજયસેનસૂરિપ્રસાદિત બે દસ્તાવેજી મૂલ્ય ધરાવતા પત્રો
પત્ર લખવો એ એક કળા છે, સાહિત્યિક વિધા પણ. ભારતમાં સદીઓથી પત્રો લખાતા આવ્યા છે, જેમાં રાજકીય પત્રો, સામાજિક વ્યવહારોને લગતા પત્રો, ઉપદેશાત્મક પત્રો, ઐતિહાસિક અથવા દસ્તાવેજી કહી શકાય તેવું વર્ણન ધરાવતા પત્રો, તત્ત્વચર્ચા કરતા પત્રો, વ્યાપાર અને લેવડ-દેવડ વિષયના પત્રો એમ અનેક પ્રકારના પત્રોનો સમાવેશ થાય છે. આવા વિવિધવિષયક પત્રો સંસ્કૃત ભાષામાં પણ લખાતા, અને ઘણા ભાગે વહીવટ અને વ્યવહાર માટે ચલણી હોય તેવી લોકભાષામાં પણ લખાતા. આવા વિવિધ પત્રોનું સંકલન કરીને તેના ગ્રંથ પણ વડોદરાથી ગાયકવાડ્ઝ ઓરિએન્ટલ સિરીઝમાં વર્ષો પૂર્વે પ્રકાશિત થયેલા છે, જેનું વાંચન જે તે સમયના વાતાવરણનો સર્વાંગી અને રસપ્રદ પરિચય કરાવી જાય છે.
–
જૈન મુનિઓ દ્વારા પણ પત્રલેખન થતું હતું. એવા પત્રો મુખ્યત્વે ‘વિજ્ઞપ્તિપત્ર'ના નામે ઓળખાય છે, જેમાં ચાતુર્માસ માટેની ગુરુજનોને વિજ્ઞપ્તિ તેમજ સંવત્સરી પર્વને નિમિત્તે ક્ષમાપના – એ બે બાબતો મુખ્ય રહેતી. પણ આ બે મુદ્દાને કેન્દ્રમાં રાખીને જે વિદ્વત્તાપૂર્ણ કાવ્યરચનાઓ થતી, તેને લીધે તે પત્રો એક સ્વતંત્ર ગ્રંથની કે કાવ્યની રચનાસ્વરૂપ બની રહેતા.
જૈન મુનિઓ દ્વારા લખાતા કેટલાક પત્રોમાં તાત્ત્વિક ચર્ચા, ચિન્તન તથા પ્રશ્નોત્તરો પણ લખાતાં હતાં. આવા પત્રો ધર્મવિષયક વિવિધ પ્રશ્નોની છણાવટ કરતા હોય છે, અથવા દાર્શનિક કે તાત્ત્વિક મુદ્દાઓ વિશે ગહન વિમર્શ કરતા હોય છે. ક્યારેક કોઈ બાબતે કોઈને શંકા ઉદ્ભવે અથવા તે બાબત પરત્વે પ્રવર્તમાન અર્થઘટન કે