________________
આચાર્યશ્રી વિજયનંદિઘોષસૂરીશ્વરજી
આઇન્સ્ટાઇનના જનરલ થિયરી ઑફ રિલેટિવિટી (General Theory of Relativity) અનુસાર સૂર્યના ગુરુત્વાકર્ષણ બળના કારણે તારાના કિરણના વક્રીભવન (solar deflection of a star light) દ્વારા થતું તે તારાનું સ્થાનાંતર સંપૂર્ણ ખગ્રાસ સૂર્યગ્રહણ દરમ્યાન નોંધી શકાયું છે, તેથી પણ ફોટૉનને દ્રવ્યમાન હોવાનું સિદ્ધ થાય છે કારણ કે જે પૌગલિક હોય અર્થાત્ જેને દ્રવ્યમાન (mass) હોય તેને જ ગુરુત્વાકર્ષણ બળની અસર થાય છે. જો પ્રકાશના કણોનું દ્રવ્યમાન શૂન્ય હોય તો કોઈપણ પ્રકારના પ્રબળ ગુરુત્વાકર્ષણ બળની તેના ઉપર કોઈ અસર થતી નથી, પરંતુ ઉપર બતાવ્યું તેમ GT.R. માં તારાના કિરણ ઉપર સૂર્યના પ્રબળ ગુરુત્વાકર્ષણની અસર નોંધાઈ છે તેથી પ્રકાશના કણોનું દ્રવ્યમાન શૂન્ય નથી, તે સિદ્ધ થાય છે. અલબત્ત, આ મારું પોતાનું સંશોધન તારણ છે, આની સાથે બધા જ સંમત થાય જ એવું હું કહી ન શકું, પરંતુ ખૂબ જ નજીકના ભવિષ્યમાં બધા જ વિજ્ઞાનીઓ મારા આ તારણ સાથે સંમત થાય તો મને જરાય આશ્ચર્ય નહિ થાય.
ભારતીય સંસ્કૃતિના પ્રાચીનતમ પ્રવાહ સ્વરૂપ જૈનદર્શનના પ્રાચીન ગ્રંથોમાં ઘણા ઘણા વૈજ્ઞાનિક સિદ્ધાંતો છુપાયેલા છે. આજના જમાનામાં, નવી પેઢી સમક્ષ આધુનિક ગણિત અને વૈજ્ઞાનિક સાધનો દ્વારા આ સિદ્ધાંતોનું નિરૂપણ કરવું અત્યાવશ્યક છે. આ છે જૈનદર્શનનું અદ્ભુત પરમાણુ વિજ્ઞાન