________________
યુવાનોમાં મૂલ્ય જાગૃતિ ઘડવામાં આવે અને એવી રીતે તેમને નિશ્ચિત દિશા આપવામાં આવે કે જે સમાજમાં ઉપરોક્ત મૂલ્યોની વાસ્તવિક પ્રતિષ્ઠા કરે.
આજે સમાજ સમક્ષ સૌથી મોટો પડકાર એ જ છે કે આશાના કિરણ સમા આ યુવાનોને કઈ રીતે મૂલ્યો પ્રત્યે જાગ્રત કરવા? આ સંબંધમાં સમાજ પાસે સૌથી અગત્યનાં ત્રણ સાધનો છે જે યુવાનોને મૂલ્ય તરફ જાગ્રત પણ કરી શકે અને તેમને મૂલ્યો તરફ વાળી પણ શકે. આ ત્રણ સાધનો છે - શિક્ષણવ્યવસ્થા, પરિવારવ્યવસ્થા અને વિવાહવ્યવસ્થા. ભારતીય સંસ્કૃતિમાં જે સ્વરૂપે આ ત્રણેય વ્યવસ્થાની સ્થાપના કરવામાં આવી છે એ જ સ્વરૂપે જો આ ત્રણેય વ્યવસ્થા સક્રિય થાય તો યુવાનોને મૂલ્ય તરફ જાગ્રત કરવામાં નિશ્ચિતપણે સફળતા પ્રાપ્ત થઈ શકે. આ સાથે જ રાજ્યવ્યવસ્થા અને વહીવટી વ્યવસ્થા દ્વારા શિક્ષણ, પરિવાર અને વિવાહની વ્યવસ્થાનાં મૂલ્યોને રક્ષણ, પોષણ અને પ્રોત્સાહન અપાય તો આ સફળતાને સ્થાયી બનાવી શકાય.
આ સંબંધમાં સર્વપ્રથમ શિક્ષણવ્યવસ્થાને મૂલ્યોથી જોડવાનું એક નવું જ સામાજિક-શૈક્ષણિક આંદોલન શરૂ કરવું જરૂરી છે. વર્તમાન શિક્ષણવ્યવસ્થા એકાંગી સ્વરૂપ ધરાવે છે. આ શિક્ષણવ્યવસ્થા ફક્ત “કારકિર્દી-કેન્દ્રિત' (career oriented) છે અને ચારિત્રનિર્માણ (character building) સાથે તેને કોઈ ખાસ લેવા-દેવા નથી. ઉલ્લેખનીય છે કે ચારિત્ર્ય જ શિક્ષણનું મુખ્ય ફળ (product) છે જ્યારે કારકિર્દી આ શિક્ષણનું ઉપ-ફળ (by product) છે. શિક્ષણનો ઉદ્દેશ સાક્ષરતાની સાથોસાથ સંસ્કારનિર્માણ પણ હોવો જરૂરી છે. પરંતુ પશ્ચિમી વિચાર-દષ્ટિના અંધાનુકરણના પરિણામે આજે દેશની શિક્ષણવ્યવસ્થાની આ દુર્દશા થઈ છે કે શિક્ષણ કારકિર્દી-કેન્દ્રિત છે, નહીં કે ચારિત્ર-કેન્દ્રિત. આ દુર્દશા એટલી વિસ્તૃત અને ગહન છે કે એની સમાપ્તિ માટે એક વિરાટ સામાજિક આંદોલનની તાતી જરૂરિયાત છે.
આવા એક સામાજિક આંદોલન દ્વારા સમાજ પોતે રાજ્યનિયંત્રણ અને રાજ્યસંચાલિત શિક્ષણ વ્યવસ્થાને નવી દિશા આપવાનું કાર્ય હાથમાં લે. નાગરિક સમાજનાં પારમાર્થિક અને સેવાભાવી તત્ત્વો જ્યાં સુધી આ રીતે શિક્ષણવ્યવસ્થા પર ધ્યાન આપવાનું શરૂ નહીં કરે ત્યાં સુધી યુવાનોને મૂલ્યોની દિશામાં જાગ્રત કરવા કઠિન છે. આજે દરેક સ્કૂલમાં ભણતાં બાળકો માટે એક “મૂલ્યશિક્ષણ' આપનારો વિશિષ્ટ અભ્યાસક્રમ ઘડવો જરૂરી બની ગયો છે. આ અભ્યાસક્રમ એવા સ્વરૂપનો હોવો જોઈએ કે જેમાં મેળવેલા માર્કસના આધારે જ વિદ્યાર્થીને ઉત્તીર્ણ કે અનુત્તીર્ણ કરવામાં આવે. આ અભ્યાસક્રમ સૈદ્ધાંતિક (theoretical) હોવાની સાથોસાથ વ્યાવહારિક (practical) પણ હોવો જરૂરી છે.
આ સાથે જ શિક્ષણવ્યવસ્થામાં શિક્ષકોની ભરતી તેમજ પ્રશિક્ષણની એવી વ્યવસ્થા વિકસિત કરવી જોઈએ જેથી જ્ઞાનવાનની સાથોસાથ ચારિત્ર્યવાન હોય એવા જ શિક્ષકો સ્કૂલોમાં સામેલ થઈ શકે. જો શિક્ષકનું જીવન જ ઉચ્ચ મૂલ્યો અને આદર્શોને ચરિતાર્થ કરનારું હશે તો સ્વાભાવિકપણે વિદ્યાર્થીઓ પણ આ મૂલ્યો તરફ જાગ્રત થશે તેમજ એ દિશામાં સક્રિય પણ થશે. મનોવૈજ્ઞાનિક કહે છે કે એક નાના બાળક પર માતા-પિતા પછી સૌથી વધુ પ્રભાવ શિક્ષકનો પડતો હોય છે. સમાજે આવા શિક્ષકોની શોધ કરવી પડશે અને તેમને યથોચિત સુરક્ષા, સન્માન તેમજ શૈક્ષણિક સ્તરે સત્તા આપવી પડશે.