________________
આચાર્યશ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજી
ચારિત્ર્યના સ્તરે જે અપેક્ષા શિક્ષક પાસે હું રાખી રહ્યો છું એવી જ અપેક્ષા માતા-પિતા પાસે પણ છે. કોઈ પણ બાળકની પ્રથમ ગુરુ માતા છે. માટે માતા-પિતા બંનેએ પોતાના જીવનને એ રીતે ઢાળવું પડશે કે જેથી બાળકોને મૂલ્યો પ્રત્યે આકર્ષણ જાગે. આ આકર્ષણ જ આગળ જતાં બાળકના સ્વભાવનું અંગ બની જશે તથા એ બાળક યુવાન થઈ સામાજિક મૂલ્યોની પ્રતિષ્ઠાનો વાહક બની શકશે. ઉદાહરણ દેવાની જરૂર નથી કે શિવાજી, વિવેકાનંદ, ગાંધીજી વગેરે જેવા યુવાન મૂલ્યરક્ષકોનાં માતા-પિતાનું જીવન યથાર્થમાં સામાજિક આદર્શોની અભિવ્યક્તિ સમું હતું.
સમગ્ર વિશ્વમાં સામાજિક સ્થાયિત્વ, પ્રગતિશીલતા અને જીવંતતા એવા સમાજોની વિશેષતા રહી છે જે સમાજોએ પોતાને ત્યાં વિવાહવ્યવસ્થા અને પરિવારવ્યવસ્થાને સાર્વભૌમિક સ્વીકૃતિ પ્રદાન કરી. આજે પણ ભારતની સામાજિક વ્યવસ્થાના એકીકૃત માળખાનો મૂળભૂત આધાર આ બંને વ્યવસ્થાઓ જ છે. સામાજિક વ્યવસ્થાની જાળવણીમાં રાજ્યનો કાયદો જે પ્રભાવ ન પાડી શકે, રાજ્યની લશ્કરી તાકાત જે સામાજિક શાંતિ ન સ્થાપી શકે એવી વ્યવસ્થા અને શાંતિની સ્થાપનામાં પરિવારવ્યવસ્થા અને વિવાહ- વ્યવસ્થા સફળ રહી છે તથા આગળ વધી રહી શકે છે. આજે અમેરિકન સમાજ, યુરોપિયન સમાજ વગેરે સામાજિક વિખંડનના દોરનો સામનો કરી રહ્યા છે. તલાકના વધતા કેસો, લિવ ઇન રિલેશનશિપની વધતી પ્રવૃત્તિ, તલાકશુદા પરિવારોનાં બાળકોની જિંદગી બરબાદ થવી વગેરે જેવી પ્રવૃત્તિઓ સામાજિક વિખંડનને પ્રોત્સાહન આપી રહી છે.
ભારતમાં પણ પશ્ચિમી અંધાનુકરણની દોટના પરિણામે આવી પ્રવૃત્તિઓનો ફેલાવો વધી રહ્યો છે અને સમાજમાં વિખંડનકારી પ્રવૃત્તિઓ બળવાન બની રહી છે. આવી પ્રવૃત્તિઓને રોકી વિવાહવ્યવસ્થા અને પારિવારિક વ્યવસ્થાને રક્ષણ તેમજ પોષણ આપવાની તાતી જરૂરિયાત છે. અહીં જ રાજ્યવ્યવસ્થાની એક રચનાત્મક ભૂમિકાની જરૂરિયાત ઊભી થાય છે. રાજ્યવ્યવસ્થા દ્વારા એવા કાયદા ઘડી અમલમાં લાવવા જરૂરી છે જે સમાજમાં વિવાહ અને પરિવારના સ્થાયિત્વ તેમજ સાતત્યને પ્રોત્સાહન આપે. પહેલાં એવી કાયદાકીય સ્થિતિ હતી કે વિવાહની આયુ અને વિવાહ-પૂર્વ સંસર્ગની આયુ એક ન હોવાના કારણે સમાજમાં વ્યભિચાર અને વિવાહ-પૂર્વ સંસર્ગ જેવાં દૂષણો વધી રહ્યાં હતાં. પરંતુ હાલમાં જ સરકાર દ્વારા મહિલા અને પુરુષના સંસર્ગ માટેની આયુ અને વિવાહની આયુને સમાન બનાવવાનો કાયદો ઘડવામાં આવ્યો છે. આવા પ્રકારના કાયદાઓનું સ્વાગત થવું જોઈએ અને તેને વધુ મજબૂતીથી લાગુ કરવાનાં પગલાંઓ લેવાં જોઈએ.
સમાજમાં જેમ-જેમ વિવાહવ્યવસ્થા અને પરિવારવ્યવસ્થા મજબૂત બનશે તેમ તેમ સહિષ્ણુતા, વફાદારી, બંધુતા જેવાં સામાજિક મૂલ્યોને સ્વમેળે પ્રોત્સાહન મળતું થશે. સમાજ તો જ સભ્ય સમાજના રૂપમાં ટકી શકે જ્યારે તે પોતે બનાવેલી મર્યાદાઓના પાલન માટે તૈયાર હોય. વિવાહવ્યવસ્થા અને પરિવાર વ્યવસ્થા બંને આવી જ સામાજિક મર્યાદાઓનું પ્રતિનિધિત્વ કરે છે અને આ મર્યાદાઓના પાલનનું ક્ષેત્ર જો વધતું જાય તો યુવાનોના જીવનમાં મૂલ્યની પ્રતિષ્ઠા પણ એ જ પ્રમાણમાં વધતી જશે.
આજે સ્વતંત્રતાના નામે જે રીતે જંગલી સ્વરૂપની સ્વચ્છંદતાને પોષણ અપાઈ રહ્યું છે એ સમાજ માટે અત્યંત ઘાતક પુરવાર થઈ શકે છે. અમેરિકા અને યુરોપમાં વધતા સામાજિક વિખંડનનું