________________
આચાર્યશ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજી
ન્યાય, કરુણા, સદ્ભાવ, સદાચાર જેવાં સામાજિક મૂલ્યોના અમલીકરણના વાહક બને એ માટે સમાજે શું કરવું જોઈએ ? પ્રશ્ન એ પણ છે કે સમાજમાં અશાંતિ, અન્યાય, ભેદભાવ અને દુરાચાર જેવાં દૂષણોનો ખાત્મો બોલાવી દે એવી હકારાત્મક-રચનાત્મક શક્તિના રૂપમાં યુવાનોને ઢાળવા માટે સમાજે શું કરવું જોઈએ. અહીં એ પ્રશ્ન ઉઠાવવો પણ વાજબી ગણાશે કે અત્યારે યુવાશક્તિના ઉપયોગ માટે જે કંઈ પણ થઈ રહ્યું છે એની સાર્થકતા, ઉપયોગિતા અને પ્રભાવશીલતા કેટલી છે ? યુવાશક્તિના રચનાત્મક ઉપયોગ માટે જે કાંઈ પણ કાર્યો કે પ્રયત્નો થઈ રહ્યા છે તેમાં કયાં પરિવર્તન લાવવા જરૂરી છે કે જેથી યુવાશક્તિને વિધ્વંસાત્મક દિશામાં જવાથી અટકાવી શકાય ?
આ પ્રશ્નો અત્યંત જટિલ છે અને તેના વાસ્તવિક તેમજ વ્યાવહારિક ઉત્તરો શોધવા માટે અનેક પ્રકારનાં અભ્યાસ અને સંશોધનની જરૂરિયાત છે. તેમ છતાં, આ પ્રશ્નોના ઉત્તર સંબંધી દૃષ્ટિકોણ તેમજ પદ્ધતિને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરી શકાય. આ સંબંધમાં સૌપ્રથમ તો સમાજે સર્વસંમતિથી એ નિર્ધારિત કરવું જોઈએ કે મૂલ્યો શું છે અને તેની અંદર શાનો સમાવેશ કરી શકાય. નિશ્ચિતપણે શાશ્વત માનવીય મૂલ્યોની બાબતે લગભગ વિશ્વના દરેક સમાજો, ધર્મો અને સંસ્કૃતિઓમાં એક પ્રકારની સમાનતા જોવા મળે છે. અહિંસા, સત્ય, શીલ, સદ્ભાવ, સદાચાર, સંસ્કાર, સહિષ્ણુતા, સાદગી, સંયમ, શાંતિ, સેવા, બંધુતા, નૈતિકતા, પવિત્રતા, ઈમાનદારી, વફાદારી, પરોપકાર, કરુણા, દયા, ક્ષમા વગેરે જેવાં માનવીય મૂલ્યોને વિશ્વના લગભગ દરેક સમાજો સ્વીકૃતિ આપે છે. આ એવાં મૂલ્યો છે જેના પર કોઈ સમાજ જેટલો તીવ્રતાથી ચાલ્યો છે એટલી જ તીવ્રતાથી એ સમાજ પ્રગતિ સાધવામાં પણ સફળ રહ્યો છે. ઇતિહાસના અનુભવોને ધ્યાનમાં લઈને એવું પણ કહી શકાય કે જે સમાજ આ મૂલ્યોને ચરિતાર્થ કરવામાં સફળ રહ્યો એ સમાજ ટકી પણ ગયો અને વિકાસ પણ કરી ગયો. જ્યારે આ મૂલ્યોથી વિપરીત જનારો સમાજ ટૂંકા કે લાંબા ગાળે પતનશીલ થઈ ગયો. ઇતિહાસના અનુભવો આ મૂલ્યોની મહત્તા અને અનિવાર્યતા સામે લાવે છે તો સમાજના બુદ્ધિજીવી, દૂરદર્શી અને સેવાભાવી સજ્જનો તેમજ ચિંતકો આ મૂલ્યોને સ્પષ્ટ સમર્થન આપે છે. આથી આપણી સમક્ષ એ મુદ્દો ઊભો થાય છે કે આ મૂલ્યો તરફ યુવાપેઢીને કઈ રીતે જાગ્રત કરવી ? યુવાપેઢીના આચાર-વિચારમાં આ મૂલ્યોની પ્રતિષ્ઠા કઈ રીતે કરવી? "
ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેક્નોલોજીના પ્રભાવથી જન્મેલી ક્રાંતિ અને પરિવર્તનના આ વાતાવરણમાં અનેક યુવાનો રાહ ભટકી રહ્યા છે. અનેક યુવાનો ગમે તે ભોગે જલદીથી ધનવાન બની જવાનાં સપનાં જોઈ પોતાને આ મૂલ્યોથી વિપરીત દિશામાં લઈ જઈ રહ્યા છે. સમાજનો એક ભાગ સ્વયં ભ્રષ્ટાચાર, અનીતિ અને દુરાચારને સ્વીકૃતિ આપતો હોય એવું દેખાય છે. સમાજનો આ ભાગ સ્વયં શરાબ પીવાને શાન સમજવા લાગ્યો છે. સમાજમાં કેટલાય લોકો એવા છે જે સ્વયં નૈતિકતાના આદર્શોને તાક પર રાખી ભૌતિકતાના ગુલામ બની રહ્યા છે. સ્પર્ધાના યુગમાં સહકારનું કોઈ સ્થાન દેખાતું નથી અને સ્પર્ધામાં વિજયી થવા માટે અનેક લોકો આચાર-વિચારના નીતિનિયમો નેવે મૂકી આંધળી દોટ મૂકી રહ્યા છે. એક સંત તરીકે આ બધું જોઈ હતાશાથી ભરાઈ જાઉં છું. પરંતુ જ્યારે મારી દૃષ્ટિ યુવાનો ઉપર પડે છે તો આશાનું એક વિરાટ કિરણ મારા હૃદયમાં જન્મે છે. એવો અહેસાસ થાય છે કે આ યુવાનો જ ભવિષ્યની આશા છે. આ યુવાનોને જ એવી રીતે