________________
120
સુધા નિરંજન પંડ્યા
પડે. સાંડેસરાનાં બધાં જ સંપાદનો આટલી વિદ્વત્તા, ખંત, નિસબત અને ચોકસાઈપૂર્વક થયેલાં છે. કેટલાક અન્ય જૈન ગ્રંથોની વાત કરીએ તો ગુજરાતના ઇતિહાસની સામગ્રીને કેન્દ્રમાં રાખી લખેલો સ્વાધ્યાયગ્રંથ ‘જૈન આગમ સાહિત્યમાં ગુજરાત' (૧૯૫૨) નોંધપાત્ર છે.
પ્રાચીન ટીકાઓ તથા આધુનિક સંશોધનને આધારે ‘ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૧-૧૮ (૧૯૫૨)નું એમણે કરેલું વિવેચનાત્મક ગુજરાતી ભાષાંતર આપણને પ્રાપ્ત થયું છે તો પંદરમા અને સોળમા શતકમાં રચાયેલા ત્રણ બાલાવબોધો સહિત નેમિચંદ્ર ભંડા૨ીકૃત ‘ષષ્ટિશતકપ્રકરણ’. (૧૯૫૩)ની ૧૬૦ ગાથાઓના પ્રાકૃત પ્રકરણગ્રંથનું સંપાદન પણ ઉપલબ્ધ છે. મહીરાજકૃત જૈનરાસકૃતિ ‘નવદવદંતીરાસ' (૧૯૫૪)નું સંપાદન એમણે કર્તાની હસ્તપ્રતને આધારે કર્યું છે. ભુવનેશ્વર ખાતે અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા પરિષદના પ્રાકૃત અને જૈન ધર્મ વિભાગના પ્રમુખ તરીકે ‘Progress of Prakrit and Jain Studies' (૧૯૫૯) વિષય પર આપેલું વ્યાખ્યાન બનારસ યુનિવર્સિટીના જૈન સંસ્કૃતિ-સંશોધન મંડળે પ્રકાશિત કર્યું છે. કેટલાક પ્રબંધોને આધારે શ્રી જયંત ઠાકરના સહયોગમાં ‘Lexicographical studies in Jain Sanskrit' (૧૯૬૨) ગ્રંથમાં મધ્યકાલીન ગુજરાતના જૈન લેખકોએ ખેડેલી સંસ્કૃતની લોકભાષામય શૈલીનું અધ્યયન રજૂ કર્યું છે. આ ગ્રંથ સાંડેસરાએ મુનિશ્રી જિનવિજયજીને અર્પણ કર્યો છે. એમણે ગુણવત્તા અને વિદ્વત્તાસભર માતબર ગ્રંથો આપ્યા છે. એમાં ‘શબ્દ અને અર્થ’, ‘ઇતિહાસની કેડી’, ‘સત્તરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્યો’, ‘પ્રદક્ષિણા’ ‘સંશોધનની કેડી’, ‘અનુસ્મૃતિ’, ‘અન્વેષણા’ જેવા, બધા મળીને ચાલીસથી વધુ ગ્રંથો આપ્યા છે. સાહિત્ય અકાદમી, ન્યૂ દિલ્હી તરફથી Makers of India ભારતીય સાહિત્યના ઘડવૈયા શ્રેણીમાં ‘દયારામ'ના જીવન અને કવન વિશે સંક્ષેપમાં સમજ આપી છે તો ‘મુનિ જિનવિજયજી : જીવન અને કાર્ય' (૧૯૭૮) ગ્રંથમાં મુનિશ્રીનું જીવનચરિત્ર સંક્ષેપમાં આપ્યું છે.
સાંડેસરાએ ‘શેઠ શ્રી પોપટલાલ હેમચંદ્ર અધ્યાત્મ વ્યાખ્યાનમાળા' અંતર્ગત ‘યોગ, અનુયોગ અને મંત્રયોગ' વિષય પર ભો. જે. વિદ્યાભવનમાં ત્રણ વ્યાખ્યાનો આપ્યાં હતાં જે જૈન દૃષ્ટિએ આત્મ-૫૨માત્મતત્ત્વને આનુષંગિક જૈનદર્શનના સંદર્ભમાં અન્ય મતોની સમીક્ષાને પણ સ્પર્શે છે. જૈન વિદ્યાના જૈનદર્શન૫૨ક વિષયોને આવરી લેતું ૧૯૯૬માં પ્રગટ થયેલું આ એમનું મરણોત્તર પ્રકાશન છે. તો બીજું મરણોત્તર પ્રકાશન છે ‘યજ્ઞશેષ’ (૧૯૯૮) જેમાં એમના સંસ્કૃત સાહિત્યવિષયક ૮૧ નાનામોટા લેખો સમાવિષ્ટ છે. એમના લેખોની સંખ્યા બસો આઠ કરતાં પણ વધુ છે જેમાંના મોટાભાગના ‘બુદ્ધિપ્રકાશ’, ‘કુમાર’, ‘પ્રસ્થાન’, ‘સાહિત્ય’, ‘સ્વાધ્યાય’, ‘સંસ્કૃતિ’, ‘નવચેતન', ‘વિશ્વમાનવ’, ‘કૌમુદી’, ‘જૈનયુગ’, ‘જૈન સત્યપ્રકાશ’, ‘આત્માનંદ પ્રકાશ' જેવાં સામયિકોમાં અને એના દીપોત્સવી અંકોમાં પ્રકાશિત થયા છે. ૪૦થી વધુ લેખો એમણે અંગ્રેજી ભાષામાં પણ લખ્યા છે. એમના ગ્રંથોને ઘણાં પારિતોષિકો અને ચંદ્રકો એનાયત થયાં છે. સાંડેસરા જૈન ધર્મ અને જૈન સાહિત્યના પ્રકાંડ પંડિત અને ઊંડા અભ્યાસી હતા એમ એમના સાહિત્યિક પ્રદાનના ઉપલક્ષ્યમાં જરૂર કહી શકાય.