________________
15
ભગવાનદાસ પટેલ
જૈન રામાયણ અને ભીલ રામાયણ
અહીં આપણો અભિગમ જૈન રામાયણ અને ભીલ રામાયણની તુલના કરવાનો તથા ભીલ ૨ામાયણમાંથી જૈન ધર્મદર્શનનાં તત્ત્વો તારવવાનો છે. આ માટે ઈ. ૮૦૦-૯૦૦માં લિખિત ગુણભદ્રના ‘ઉત્તરપુરાણ” અને ઈ. ૧૯૯૫માં આ સંશોધક દ્વારા સંપાદિત ‘રૉમસીતમાની વારતાને પસંદ કરવામાં આવ્યાં છે. ગુણભદ્ર પહેલાં વિમલસૂરિએ ૩૦૦-૪૦૦ ઈ.માં વાલ્મીકિના રામાયણના આધારે ‘પઉમચરિત’(પદ્મચરિત) લખ્યું છે. વાલ્મીકિએ લોકમાં પ્રચલિત મૌખિક રામકથાના પ્રસંગોનો આધાર લઈ ૩૦૦ ઈ. પૂર્વે ‘આદિરામાયણ’ની રચના કરી છે. ગુણભદ્રે વાલ્મીકિ રામાયણનો આધાર ન લેતાં પોતાના સમયમાં લોકમાં મૌખિક રૂપે પ્રચલિત રામકથાના આધારે ઉત્તરપુરાણની રચના કરી છે. આથી રૉમસીતમાની વારતા અને ઉત્તરપુરાણના ઘણા-બધા ઘટના-પ્રસંગોમાં સમાનતા વર્તાય છે. જ્યારે વાલ્મીકિ અને વિમલસૂરિની રામકથાની અનેક રીતે અલગતા જોઈ શકાય છે.
ઉત્તરપુરાણમાં સીતાને રાવણ તથા મંદોદરીની ઔરસપુત્રી માનવામાં આવી છે. રૉમ-સીતમાની વારતામાં પણ કૈકેયી પોતાના દેહમાં ભગવાનના તેજસ્(વીર્ય)થી ઉત્પન્ન ગર્ભને એક ઘડામાં મૂકી સપ્તર્ષિને સોંપે છે. કર રૂપે આ ઘડો રાવણની રાજ કચેરીમાં પહોંચે છે. સપ્તર્ષિના આદેશ પ્રમાણે નવ માસે ઘડો ખોલતાં ફૂલકુંવરી અવતરે છે. નિઃસંતાન રાવણ તેને પોતાની ઔરસપુત્રી માની રાણીઓને સોંપે છે.
ઉત્તરપુરાણમાં કુંવરીનું ભવિષ્ય જોતાં જ્યોતિષી રાવણને કહે છે કે આ કુંવરી તમારો નાશ કરશે. આથી ભયભીત રાવણ કન્યાને અજ્ઞાત સ્થળે મૂકી આવવાનો આદેશ કરે છે. મારીચિ કન્યાને મંજૂષામાં બંધ કરી મિથિલાની સીમમાં ખાડો ગોડી મૂકી આવે છે. જે કન્યા