________________
112
કાંતીભાઈ બી. શાહ
ત્યારે એ કર્તાની અન્ય કૃતિઓમાં જો રચનાવર્ષો અપાયાં હોય તો એને આધારે એની આસપાસનો રચનાસમય નક્કી કરવાનો રહે છે. છતાં નિશ્ચિત રચનાવર્ષ આપી શકાતું નથી.
રચનાવર્ષ વિનાની કૃતિની હસ્તપ્રતમાં જો હસ્તપ્રતલેખનનું વર્ષ અપાયું હોય તો કૃતિનો રચનાસમય હસ્તપ્રતલેખનવર્ષની અગાઉનો છે એટલું નક્કી કરી શકાય છે.
કેટલીક વાર રચનાવર્ષ વિનાની કૃતિમાં જો કોઈ અન્ય કૃતિ/કર્તાનો કે કોઈ ઐતિહાસિક ઘટનાપ્રસંગનો ઉલ્લેખ થયો હોય તો એને આધારે એ કૃતિનો સમય એ પછીનો છે એટલું નક્કી કરી શકાય છે.
મધ્યકાળમાં કૃતિને અંતે કર્તા સાંકેતિક શબ્દોથી રચનાવર્ષનો નિર્દેશ કરે એવી એક પરંપરા જૈન કૃતિઓમાં વિશેષ જોવા મળે છે. હવે જો સંશોધક એ સંજ્ઞાઓની ઓળખમાં ભૂલ કરે તો એને લઈને ખોટું રચનાવર્ષ પ્રચારમાં આવે છે. આવી સંજ્ઞાઓ ક્યારેક અંકોના સીધા ક્રમમાં તો ક્યારેક ઊલટા ક્રમમાં અપાતી હોય છે. આને લીધે પણ ક્યારેક ગૂંચવાડો ઊભો થવાની સંભાવના રહે.
બંને ક્રમવાળાં સાંકેતિક રચનાવર્ષનાં ઉદાહરણો જુઓ – શશિ મુનિ શંકરલોચન પરવત વર્ષ સોહાયા,
ભાદો માસની વદિ આદ્યા ગુરુ, પૂર્ણ મંગલ ગાયા.
(જીવણવિજયજીકૃત “ચોવીશી') અહીં સાંકેતિક રચના વર્ષ સં. ૧૭૩૮ સીધા ક્રમમાં અપાયું છે. નંદ તત્ત્વ મુનિ ઉડુપતિ.” (ઉપા. યશોવિજયજીકૃત ‘જબૂસ્વામી રાસ')
અહીં સાંકેતિક રચનાવર્ષ સં. ૧૭૩૯ ઊલટા ક્રમમાં અપાયું છે. -
હરજી મુનિની ‘ભરડક બત્રીસી'ના અંતિમ ભાગમાં સાંકેતિક રચના સમય દર્શાવતી પંક્તિ આ પ્રમાણે છે :
‘વેદ યુગ રસ ચંદસ્ય એ સંવત્સર જોઈ ૪ ૪(૨) ૭ ૧
આને આધારે ઊલટા ક્રમે કૃતિનું રચનાવર્ષ ૧૯૪૪ નિર્ણત થાય. પણ સાથે સાથે વૈકલ્પિક ૧૯૨૪ પણ દર્શાવાયું છે. કારણ એ છે કે “યુગનો બીજો અર્થ યુગ્મ-યુગલ કરવામાં આવે તો ૪ને સ્થાને ૨ આંક આવે. આવાં કારણોને લઈને “સાહિત્યકોશ'માં કેટલીક કૃતિઓનાં આવાં વૈકલ્પિક રચનાવર્ષો દર્શાવાયાં છે.
બહુ ઓછી લઘુકૃતિઓમાં કૃતિનું રચનાવર્ષ મળે છે. ત્યારે કર્તાના સમગ્ર કવનકાળને ધ્યાનમાં રાખીને આવી કૃતિઓનો રચના-ગાળો અનુમાને નક્કી કરવાનો થાય છે.