________________
મધ્યકાલીન જૈન સાહિત્યના સંશોધનની સમસ્યાઓ
113
હસ્તપ્રતના લેખનસમયની સમસ્યા :
કૃતિના રચનાવર્ષની જેમ હસ્તપ્રતના લેખનવર્ષની પણ સમસ્યા હોય છે. સામાન્યતયા હસ્તપ્રતની પુષ્યિકામાં લહિયા દ્વારા લેખનવર્ષ આપવાની પરંપરા છે, પણ કેટલીક હસ્તપ્રતોમાં આવું લેખનવર્ષ અપાયું હોતું નથી.
સંશોધકને જ્યારે કોઈ કૃતિની એકથી વધુ હસ્તપ્રતો ઉપલબ્ધ થઈ હોય છે ત્યારે વાચના માટે તે હસ્તપ્રતની પ્રાચીનતાને પ્રાથમિકતા આપે છે. હસ્તપ્રતોનાં લેખનવર્ષોનો આધાર લઈ એનો નિર્ણય કરવામાં આવે છે. પણ લેખનવર્ષ વિનાની હસ્તપ્રતોનો સમય સંશોધકને મૂંઝવે છે. ત્યારે હસ્તપ્રતનો લિપિમરોડ, લેખનશૈલી, ભાષાનું માળખું વગેરેને ધ્યાનમાં રાખીને હસ્તપ્રતનો સમય અનુમાનવામાં આવે છે. જીવનઘટનાઓની પ્રમાણભૂતતાના પ્રશ્નો (કર્તાસંદર્ભે).
મધ્યકાલીન જૈન સાહિત્યના કેટલાક સર્જકોના જીવનપરિચયો કરાવતી ઉપલબ્ધ સામગ્રીના કેટલાક પ્રસંગો પ્રમાણભૂતતાની સમસ્યા ઊભી કરે છે. કેટલીક ઘટનાઓ પરંપરાગત જ મુખોપમુખ કિંવદત્તી સ્વરૂપે પ્રસારિત થઈ હોય છે, પણ એના કોઈ નક્કર પુરાવા પ્રાપ્ત હોતા નથી. ત્યારે પ્રશ્ન એ થાય કે આવી ઘટનાને ઐતિહાસિક ગણવી કે કેવળ લોકવાયકા લેખે સ્વીકારવી ? જેમ કે ઉપા. ઉદયરત્નજીની નિશ્રામાં ખેડાથી શંખેશ્વરનો સંઘ ગયો. વિલંબ થતાં પૂજારીએ દ્વાર ખોલવાનો ઇન્કાર કર્યો. સૌએ પ્રતિમાજીનાં દર્શન કરીને જ અન્નપાણી લેવાનો સંકલ્પ કર્યો. ઉદયરત્નજીએ સ્તુતિ આરંભી :
પાસ પરમેશ્વરા, સાર કર સેવકા, દેવ કાં એવડી વાર લાગે.” આ સ્તુતિથી નાગરાજ પ્રસન્ન થયા ને જિનાલયનાં દ્વાર ખૂલી ગયાં.
એક વાત એવી પણ છે કે “સ્થૂલિભદ્ર નવરસોમાં નિરૂપિત શૃંગારને લઈને ઉદયરત્નજીના આચાર્યે એમને સંઘાડા બહાર કર્યા. પછી એમણે “શિયળની નવવાડની રચના કરતાં ઉદયરત્નજીનો સંઘાડામાં પુનઃ પ્રવેશ થયો.
આવી ઘટનાઓને ઐતિહાસિક તથ્યવાળી સમજવી કે એને કેવળ દંતકથા ગણવી ? ઉદયરત્નજી અગાઉ અનેક જૈન સાધુકવિઓએ ઉત્કટ અને વિસ્તૃત શૃંગારનિરૂપણ કરેલું જ છે પણ એનો ક્યારેય નિષેધ થયેલો જણાયો નથી. કેમ કે આવી કૃતિનું અંતિમ લક્ષ્ય તો શીલમહિમાનું જ હોય છે. એવું બને કે જે કવિ એક કૃતિમાં આસક્તિભાવ નિરૂપી શકે છે એ કવિ બીજી કૃતિમાં વિરક્તિભાવ પણ નિરૂપી શકે છે એ વાતને તીવ્રપણે દર્શાવવા આવી લોકવાયકા પ્રચલિત થઈ હોય.
ઉપા. યશોવિજયજી અને એમના સમુદાયના વિનયવિજયજી કાશી ગયેલા. કહેવાય છે કે એ બંનેનો અભ્યાસ ચાલ્યો ત્યાં સુધી સાધુવેશ ત્યજી બંનેએ જશુલાલ અને વિનયલાલ એવાં નામો ધારણ કરી પોતાની જૈન તરીકેની ઓળખ છુપાવેલી. પણ આવી ઘટનામાં કોઈ પ્રમાણો પ્રાપ્ત નથી. એવું બને કે ઉપાધ્યાયજીના વિદ્યાસાહસનું ગૌરવ કરવા આવી કથા ઊભી થઈ હોય.