________________
મધ્યકાલીન જેને સાહિત્યના સંશોધનની સમસ્યાઓ
105
પથરાયેલું છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના “સિદ્ધહેમ' વ્યાકરણના આઠમા અધ્યાયમાં જે અપભ્રંશ દુહાઓ છે એમાં આપણને ગુજરાતી ભાષાનો પ્રથમ અણસાર પ્રાપ્ત થાય છે. એમાં ઊગતી ગુજરાતીની પ્રક્રિયા છે.
ગુજરાતી ભાષાની સૌથી જૂનામાં જૂની કૃતિઓ વજસેનસૂરિકૃત “ભરતેશ્વર બાહુબલિ ઘોર” (સં. ૧૨૨૫/ઈ. ૧૧૬૯) અને શાલિભદ્રસૂરિકૃત “ભરતેશ્વર બાહુબલિ રાસ' (સં. ૧૨૪૧ઈ. ૧૧૮૫) એ જૈન કૃતિઓ છે. ત્યાંથી આરંભાયેલું આ સાહિત્ય છેલ્લે જૈન પૂજાસાહિત્યના પર્યાય સમાં મહત્ત્વના સાધુકવિ . વીરવિજયજી સુધી વિસ્તરેલું છે.
મુદ્રણપદ્ધતિ અસ્તિત્વમાં આવી એ અગાઉ હસ્તપ્રતલેખન એ આ સાહિત્યનું મુખ્ય માધ્યમ રહ્યું છે. જુદા જુદા હસ્તપ્રતભંડારોમાં સંગૃહીત એ હસ્તપ્રતો સુપેરે જળવાઈ રહી અને મુદ્રણપદ્ધતિ અસ્તિત્વમાં આવ્યા પછી સંશોધિત-સંપાદિત થઈને મુદ્રિત સ્વરૂપે વ્યાપક વાચકવર્ગ સુધી પહોંચતી થઈ. આમ, હસ્તપ્રત-લેખનકારો, હસ્તપ્રતોની જાળવણીકારો અને હસ્તપ્રતોને સંશોધિત સ્વરૂપે પ્રકાશિત કરનાર વિદ્ધજ્જનોનો મોટો ઉપકાર આપણા ઉપર રહ્યો છે. હસ્તપ્રત-સંશોધન - એક પડકાર :
શ્રી મહાવીરમભુના ૨૦૦૦મા જન્મકલ્યાણક નિમિત્તે સ્થાપવામાં આવેલ નેશનલ મિશન ફોર મેન્યુસ્કિટ્સ, ન્યૂ દિલ્હી દ્વારા દેશવિદેશમાં જળવાયેલી હસ્તપ્રતોના સંરક્ષણનું કામ હાથ ધરાયું એમાં સંસ્કૃત, પ્રાકૃતથી માંડી બધી પ્રાદેશિક ભાષાઓની અનેકવિધ વિષયો ધરાવતી હસ્તપ્રતને આવરી લેવાઈ છે. એમાં જૈન હસ્તપ્રતો ચારેક લાખ હોવાનું અંદાજાયું છે.
પણ, કેવળ સર્વેક્ષણ કે હસ્તપ્રતયાદી આગળ કામ અટકતું નથી. અંતિમ લક્ષ્ય તો હસ્તપ્રતોમાં સચવાયેલો ભવ્ય સાંસ્કૃતિક વારસો અને વિપુલ સાહિત્યરાશિ પ્રગટ થાય એ જ હોઈ શકે. આ હસ્તપ્રતોનું સંશોધન આપણી યુવા પેઢી સામેનો મોટો પડકાર છે. પણ તીવ્ર જિજ્ઞાસા, તત્પરતા અને ઉત્કટ રસ-રુચિ વિના આ પડકાર ઝીલી શકાશે ખરો ? મધ્યકાલીન સાહિત્યક્ષેત્રની પરિસ્થિતિ જોતાં તો અત્યારે એવો સૂર સાંભળવા મળે છે કે આ સાહિત્ય હાંસિયામાં ધકેલાતું જાય છે. આ સાહિત્યના સંશોધન-સંપાદન-પ્રકાશન પરત્વેની ઉપેક્ષા એ ચિંતાનો વિષય બન્યો છે.
ભલે અલ્પ પ્રમાણ, પણ સંશોધન પરત્વે જે રસરુચિ ધરાવતા કેટલાક જિજ્ઞાસુઓ છે તેમને હસ્તપ્રત-સંશોધનમાં કેવી કેવી સમસ્યાઓ નડી શકે એના વિશે જરા ઝીણવટથી વિચારીએ. હસ્તપ્રત પ્રાપ્તિ - એક સમસ્યા :
વ્યક્તિ જે કૃતિનું સંશોધન કરવા માગતી હોય તેણે એની હસ્તપ્રત મેળવવી પડે. જોકે લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ; મહાવીર આરાધના કેન્દ્ર, કોબા; શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર, પાટણ જેવી સંસ્થાઓમાં ઘણા જ્ઞાનભંડારોની હસ્તપ્રતો એકત્રિત કરાઈ છે અને હવે તો હસ્તપ્રતની ઝેરોક્ષ નકલની સગવડ પણ ઊભી થઈ છે. છતાં એવા ઘણા ભંડારો છે જે પોતાની હસ્તપ્રતને બહાર કાઢવા જ તૈયાર હોતા નથી કાં તો એના વહીવટકર્તાઓનો પર્યાપ્ત સહકાર પ્રાપ્ત થતો નથી. તો ક્યારેક એવું પણ બને કે હસ્તપ્રત મેળવવા માટેનો ઉદ્યમ પણ ઊણો પડતો હોય.