________________
106
કાંતીભાઈ બી. શાહ
હસ્તપ્રતસૂચિઓની પદ્ધતિઓનું વૈવિધ્ય :
હસ્તપ્રત મેળવવા માટેની મહત્ત્વની ચાવી હસ્તપ્રતસૂચિઓ છે. કેટલીક સંસ્થાઓએ આવી સૂચિઓ તૈયાર પણ કરી છે. પણ દરેક સંસ્થાની સૂચિ-પદ્ધતિ અલગ અલગ હોય છે. ક્યાંક સૂચિ કર્તાના વર્ણાનુક્રમે હોય છે (સંકલિત યાદી - કે. કા. શાસ્ત્રી), ક્યાંક કૃતિના વર્ણાનુક્રમે (લીંબડી ભંડાર તથા પ્રાચ્ય વિદ્યામંદિર, વડોદરા), ક્યાંક તે વિષયવિભાગને અનુસરતી હોય (ભો. જે. વિદ્યાભવન) તો ક્યાંક એ સમયાનુક્રમે થયેલી હોય (જૈન ગૂર્જર કવિઓ - મો. દ. દેસાઈ).
વળી કૃતિઓ એકાધિક નામે ઓળખાતી હોવાથી, કોઈ જિજ્ઞાસુ કૃતિ શોધે રાસવિભાગમાં, પણ એ ગોઠવાઈ હોય પ્રબંધવિભાગમાં. કોઈ કૃતિ “ચરિત્ર'થી પણ ઓળખાતી હોય ને “ચોપાઈ'થી પણ. આને લીધે ગૂંચવાડો ઊભો થાય. ઉપરાંત હસ્તપ્રતસૂચિઓમાં રહી ગયેલી અશુદ્ધિ પણ શોધકને ગેરમાર્ગે દોરી જાય એવું બને. જેમ કે, કર્તાનામ ખોટું લખાયું હોય કે કર્તાને બદલે લહિયાનું નામ લખાયું હોય. આ રીતે સંશોધકને હસ્તપ્રત પ્રાપ્ત કરવામાં જ કેટલીક પ્રારંભિક સમસ્યા નડતી હોય
એક જ હસ્તપ્રતની સમસ્યા :
સંશોધકે કૃતિની એક હસ્તપ્રતથી સંતુષ્ટ થવાને બદલે એની શક્ય એટલી વધુ હસ્તપ્રતો મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ. જો એકથી વધુ હસ્તપ્રતો ઉપલબ્ધ હોય તો કેવળ એક પ્રતિને આધારે કરેલું સંશોધન ખામીયુક્ત જ ગણાય. કેમ કે પ્રાપ્ત એક હસ્તપ્રતમાં કોઈ પાનું ખૂટતું હોય, લખાણનો કોઈક અંશ ઊધઈથી ખવાઈ ગયો હોય, પલળી કે ચેરાઈ ગયો હોય, કોઈક પાઠ ભ્રષ્ટ હોય તો એક પ્રતને આધારે તૈયાર થયેલી વાચના ક્ષતિપૂર્ણ જ રહે. પણ આવા અંશોની અવકાશપૂર્તિ એ જ કૃતિની અન્ય હસ્તપ્રતોથી થઈ શકે. ભ્રષ્ટ જણાતા પાઠની શુદ્ધિ થઈ શકે તેમજ પાઠ્યપસંદગીને પણ અવકાશ રહે. આ રીતે એક જ હસ્તપ્રતને આધારે કરાતા સંશોધનમાં રહી જતી ત્રુટિઓની સમસ્યા જોવા મળે છે. લેખનકાર(લહિયા)ના લેખનદોષો :
મધ્યકાલમાં સર્જક જે કૃતિનું સર્જન કરે છે, તેને લેખનકાર હસ્તપ્રત સ્વરૂપે લિખંકિત કરે છે. એક જ કૃતિની જુદા જુદા લેખનકારો (લહિયા) દ્વારા જુદે જુદે સમયે વધુ હસ્તપ્રતો લખાયેલી પ્રાપ્ત થાય છે. લહિયાની સરતચૂકને લઈને તેમજ ભાષાની કે વિષયની અલ્પજ્ઞતાને કારણે હસ્તપ્રતમાં લહિયાને હાથે થયેલા લેખનદોષો જોવા મળે છે. સંશોધકને માટે તે ઘણી સમસ્યાઓ ઊભી કરે છે. જો કૃતિની એકથી વધુ પ્રતો ઉપલબ્ધ હોય તો અન્ય પ્રતોમાંથી શુદ્ધ પાઠનું પ્રમાણ મળી આવવાની સંભાવના રહે. પણ એક જ પ્રતમાં ભ્રષ્ટ પાઠ હોય તો ક્યારેક એ લેખનદોષ પકડાય જ નહીં, અને પકડાય તો કેવળ અનુમાનથી પાઠની શુદ્ધિ કરવાની થાય.
એક મત એવો છે કે સંશોધનમાં હસ્તપ્રતનું સ્વરૂપ યથાવત્ જળવાઈ રહેવું જોઈએ. તત્કાલીન ભાષાકીય માળખાની દૃષ્ટિએ એ સ્વીકારીએ, પરંતુ ભ્રષ્ટ પાઠની શુદ્ધિ તો કરવી જ રહે. કેમ કે સંશોધકનું કામ છેવટે તો વાચકને સર્જકની રચના સુધી પહોંચાડવાનું હોય છે. એમાં લહિયાના