________________
દાયકાઓ અગાઉ થઈ ગયેલો, શાસનસમ્રાટશ્રીના હાથે તૈયાર થયેલો શિષ્યગણ આ બધાંથી જોજનો વેગળો રહ્યો છે, રહી શક્યો છે, તેની પાછળ વિવેક, ગાંભીર્ય, શાસનસમર્પણ અને જ્ઞાન - એ ૪ વાનાં જ અગત્યનો ભાગ ભજવી ગયાં છે.
આ શિષ્યોની ગીતાર્થતા, સંઘ-શાસનમાં જાગતા પ્રશ્નો-સમસ્યાઓ અને સંઘર્ષોને શમાવવામાં ખપ લાગતી. તેમનું જ્ઞાન અને વિવેક ઇતરોને જિનમાર્ગ અને તેના સાધુ પ્રત્યે સભાવ જન્માવનારા બનતા.
આવા, ઉત્તમ અને સુયોગ્ય મુનિજનો દ્વારા રચાયેલાં, સંસ્કૃત-પ્રાકૃત ભાષાનિબદ્ધ સ્તુતિકાવ્યોનો આ ગ્રંથમાં સંગ્રહ કરવામાં આવ્યો છે. જ્ઞાની અને વિવેકશીલ આત્માઓએ રચેલી સ્તુતિઓ પણ કેવી સોહામણી અને હૃદયંગમ બને છે તેનો અંદાજ આ ગ્રંથમાંથી પસાર થનારાને અવશ્ય આવશે.
શાસનસમ્રાટશ્રીના અનેક શિષ્યો વિદ્વાન હતા અને તેમણે ગ્રંથોની રચના કરી હતી. તેમાં વિજયદર્શનસૂરિ, વિજયોદયસૂરિ, વિજયઅમૃતસૂરિ, વિજયલાવણ્યસૂરિ, વિજયકસૂરસૂરિ વગેરે તેમજ તે બધાયના કેટલાક ઉત્તમ વિદ્વાન શિષ્યોનો પણ સમાવેશ થાય છે.
તે વિશાળ વિદ્ધત્સમુદાય પૈકી ચાર મુનિવરોની સ્તોત્રરચનાઓ પૂર્વે સ્વતંત્ર ગ્રંથરૂપે પ્રગટ થયેલ છે, તે તમામનું સંકલન અહીં, આ એક પુસ્તકરૂપે થયું છે. તે ચાર મુનિજનોનો પરિચય આ પ્રમાણે છે :૧. પ્રવર્તક શ્રીયશોવિજયજી
આ મુનિરાજ મૂળે પાટણના હતા. અજૈન, ઘણા ભાગે ભરવાડ જ્ઞાતિના હતા. પણ બચપણમાં જ તેઓ અનાથ-માબાપવિહોણાં હતા. અમદાવાદમાં તેઓ આમતેમ ભટકતા હતા, તેમાં એક પીઢ શ્રાવકની નજરે ચડી ગયા. શ્રાવકને બાળકનો માસૂમ ચહેરો જોઈ સહાનુભૂતિ થતાં ઘેર લઈ ગયા. બે-ચાર દહાડા પછી તેઓ તેને શેઠ જેશીંગભાઈ હઠીસિંહના બંગલે મૂકવા નીકળ્યા. માર્ગમાં પાંજરાપોળ આવતાં ઉપાશ્રયે મહારાજજીને વાંદવા ગયા. મહારાજજીએ તેના વિષે પૃચ્છા કરી. તે બાળકને મહારાજજીને જોતાં જ બહુ સારું લાગવા માંડ્યું, અને તેણે ત્યાં જ રાખવાની માગણી કરી. મહારાજજીની સંમતિથી તે ત્યાં રહ્યો. તે વખતે ચાલતી જંગમ પાઠશાળાના વિદ્યાર્થીઓ સાથે તે પણ રહ્યો.
સં. ૧૯૫૭ની આ વાત. ચોમાસા દરમ્યાન છોકરો ઘણો પળોટાઈ ગયો. ચોમાસું પતતાં તે કહે કે “મને દીક્ષા આપો, મારે તમારી સાથે રહેવું છે”. પણ એમ કેમ દીક્ષા અપાય ? એમ કરતાં એક વૃદ્ધ ગૃહસ્થને દીક્ષા આપવાનો પ્રસંગ આવ્યો. પેલો કહે કે “હું પહેલાં આવ્યો છું, મને ના પાડો છો, અને આમને હા પાડો છો ? ના, પહેલાં મને આપો ને આપો”.
હવે તેને હજી નવકાર-પંચિંદિય પણ મોઢે ચડતાં ન હતાં, ત્યાં દીક્ષા કેમ આપવી? વળી બાળક હતો. બાળદીક્ષા માટે લોકોમાં પૂરતી સહાનુભૂતિ પણ નહોતી. છેવટે તેની જીદ અને જીવદળની ઉત્તમતાનો વિચાર કરીને મહારાજજીએ શ્રીઆનંદસાગર મ. (સાગરજી મ.) તથા સુમતિવિજયજીને કાસીંદ્રા મોકલી ત્યાં તેને દીક્ષા અપાવી. પાછા આવ્યા પછી મહારાજજીએ તેમના મસ્તક પર હાથ મૂકીને એવા આશીર્વાદ આપ્યા કે જેને નવકારનો પણ વાંધો હતો તે બાળક, ૯ વર્ષની વયે જ, રોજની સો ને બસો ગાથા કંઠસ્થ કરતા થઈ ગયા.
બચપણમાં જ તેમણે ૧૮ હજારી કંઠે કરી હતી. સંસ્કૃત ભાષાના, વ્યાકરણ-છંદ-અલંકાર-સાહિત્યના તે પ્રકાંડ પંડિત થયા હતા.
ખરતરગચ્છના જિનકૃપાચંદ્રસૂરિજી સાથે એક પંડિત હતા, જે સંસ્કૃતમાં શ્લોકબદ્ધ વાર્તાલાપ કરતા. તેમને જોઈને બાળ યશોવિજયજીએ પણ પરિશ્રમ કર્યો, અને શ્લોકબદ્ધ વાર્તાલાપ કરતા થઈ ગયા.
મહારાજજીને તેમના પર અનહદ વહાલ હતું. તેઓ તેજસ્વી, રૂપવંત અને જબ્બર વિદ્વાન હતા.