________________
પણ કુદરત આવી વ્યક્તિને બહુ સાંખી શકતી નથી હોતી. તેમને નાની ઉંમરમાં જ રાજરોગ ગણાતો ક્ષયરોગ લાગુ પડી ગયો, જે તેમના માટે જીવલેણ નીવડ્યો.
મહારાજજીએ તેમને મોટા યોગોદ્વહનની અશક્તિ જાણીને ‘પ્રવર્તક પદ આપેલું. પણ માંદગીને કારણે ખેડાના વૈદ્યની દવા લેવાની હોઈને તેઓ થોડાક સાધુ સાથે ખેડા સ્થિરવાસી થયેલા. પણ તે ગાળામાં પણ તેમણે ત્યાંના બહુશ્રુત વૈદ્યરાજ સાથે બેસીને આયુર્વેદના મહાગ્રંથોનો અભ્યાસ કર્યો, અને નિદાનવિદ્યા તથા ઔષધસેવન, પથ્યપાલનનાં રહસ્યો શીખી લીધાં. તે અરસામાં તેમની સ્તોત્રાદિ રચનાઓ નિરંતર ચાલુ જ રહી. વળી, ખેડાના ફોજદાર બ્રાહ્મણ હતા અને વેદ-વેદાંતના પ્રખર અભ્યાસી હતા. તેઓ મુનિશ્રીના સંપર્કમાં આવ્યા, અને બન્ને વચ્ચે નિત્ય સત્સંગ-સ્વાધ્યાય શરૂ થઈ ગયો. તે દરમ્યાન, યશોવિજયજીએ આખી ભગવદ્ગીતાનું અર્થઘટન, ઋષભદેવ ભગવાન ભરત ચક્રવર્તીને ઉપદેશ આપતા હોય તે રીતે કર્યું, અને ફોજદારને ચકિત-પ્રભાવિત કરી મૂક્યા હતા.
સં. ૧૯૭૦ માં તેમની તબિયતે ગંભીર વળાંક લીધો, અને જીવનની આશા ઘટવા લાગી. તેમને એક ઝંખના જાગી : મારે એકવાર ગુરુભગવંતનાં દર્શન કરવાં છે.
મહારાજજી અમદાવાદ હતા. ખબર મળતાં જ તેમણે વિહાર આદર્યો, અને એક જ વિહારમાં બપોરે ૧૮ માઈલ કાપ્યા. ખેડા ખબર પહોંચાડી દીધા કે પોતે આવી રહ્યા છે. તે વાતે મુનિશ્રીને પરમ સંતોષ થયો.
પણ એ જ દિવસે અચાનક સ્વાથ્ય કથળ્યું. બધાના અચંબા વચ્ચે તેઓ બેઠા થયા, ટટાર બેસીને તેમણે પં. પ્રતાપવિજયજીને કહ્યું કે “મને મહાવ્રત ઉચ્ચરાવો.” પંન્યાસજીએ તત્ક્ષણ વ્રતોચ્ચારણ શરૂ કર્યું. જરાક ધીમું ચાલ્યું, તો મુનિવર કહે, “ઝડપ કરો, હવે સમય નથી.” અને ઝડપ વધારી. વ્રતના એકેએક આલાવા સાંભળતાં સાંભળતાં મુનિવરે પોતે તેના અર્થ કહ્યા, અને એ પૂર્ણ થતાં જ તેમણે ‘અરિહંત’ એવા ઉચ્ચારણ સાથે દેહ તજી દીધો. તે વખતે તેમની ઉંમર ૨૨ વર્ષની હતી.
તેમણે રચેલ અને તે વખતે પ્રકાશિત સ્તુતિવેન્યત્તતા નામે ગ્રંથ આ ગ્રંથમાં સામેલ થયો છે. તેમની કેટલીક અન્યત્ર પ્રગટ રચનાઓ પણ આમાં મૂકેલ છે. વિ.સં. ૨૦૭૦નું વર્ષ તેમની સ્વર્ગારોહણ-શતાબ્દીનું વર્ષ છે. એ જ વર્ષે તેમનાં સ્તોત્રોનું પુનઃપ્રકાશન થાય છે તે એક સુખદ યોગાનુયોગ છે.
પં. શશિનાથ ઝાના તેઓ માનીતા વિદ્યાર્થી હતા. એકવાર તેમને કોઈ પાઠ ન આવડતાં રોષે ભરાયેલા શાસ્ત્રીજીએ તેમને લાકડી ફટકારી. આડો હાથ ધરવા જતાં આંગળી પર પ્રહાર થયો અને હાડકું તૂટ્યું. બાળ સાધુ હતા પોતે; રડી પડ્યા. શાસ્ત્રીજી ગભરાયા કે હવે મારું આવી બન્યું !
થોડી જ વારમાં મહારાજજીનું તેડું આવ્યું. ગભરાતાં ગભરાતાં શાસ્ત્રીજી ગયા. મહારાજજીએ કારણ પૂછ્યું, જાણ્યું કે બાળ સાધુને પાઠ ન આવડ્યો તેથી સજા કરવા જતાં આમ થઈ ગયું. મહારાજજીએ પાસે બેઠેલા શ્રાવકને આદેશ કર્યો કે શાસ્ત્રીજીને ૯૫/- આપો છો, તેમાં ૧૦/- નો વધારો કરી આપો. બધા, શાસ્ત્રીજી પણ, ડઘાઈ ગયા. ઠપકાની જગ્યાએ પગારવધારો ? મહારાજજીએ કહ્યું કે મારી પણ શેહ રાખ્યા વગર પોતાના પુત્રની જેમ સાધુને ભણાવનારા આવા શાસ્ત્રીને ઠપકો ન હોય, ઈનામ જ હોય !
આ યશોવિજયજીએ એકાક્ષર, દ્વચક્ષર, યમક, વિવિધ ચિત્રબંધ, છંદોબદ્ધ જે કાવ્યસૃષ્ટિ રચી છે તે ભલભલાના માન મૂકાવે તેવી છે. અત્યારના કોઈ કોઈ સાધુઓ આ પ્રકારનું એકાદું નાનું કાવ્ય બનાવીને જાહેર કરે છે કે સેંકડો વર્ષો પછી આવી રચના કરનારા અમે પ્રથમ છીએ! એ વાંચ્યું ત્યારે તરત યશોવિજયજી અને તેમની રચનાઓ યાદ આવેલ. વીસમા સૈકામાં આવી અભુત પ્રતિભા થઈ જ છે, પણ કૂપમંડૂકતાને કારણે બાલિશ જીવો આપવડાઈ કરતાં રહે છે, ભલે કરતાં રહે.