________________
ઉત્તમ મુનિજનોની ઉત્તમ રચનાઓનો સંગ્રહ :
પ્રભુ-ગુરુભક્તિનું સુંદર આલંબન
જ્ઞાન એ સાધુતાનો માપદંડ છે. વિવેક અને ગંભીરતા એ ગીતાર્થતાનો માપદંડ છે.
કોઈ પણ ગચ્છ અથવા સંઘાડામાં આ બધાં તત્ત્વો કેવાં અને કેટલાં-કેટલી માત્રામાં છે તે જોવાનીસમજવાની દૃષ્ટિ પણ કોઈક પંડિતજન પાસે જ સંભવે છે. બાળ જીવોના ગાડરિયા પ્રવાહને આકર્ષી શકવાની લોકપ્રિયતા થકી આ બાબતનો નિશ્ચય થઈ શકે નહિ. અને છતાં તેવા વાતાવરણને આધારે જ જો આવો નિશ્ચય થાય તો તેવા જીવોને પણ “બાળ જીવો' જ ગણવાના રહે.
બીજી વાત : જે સમયે જ્ઞાનાભ્યાસ વિરલ બન્યો હોય, સંસ્કૃત-પ્રાકૃતનું તેમજ શાસ્ત્રોનું અધ્યયન મુશ્કેલ બની ગયું હોય, તેવા મોંઘા કાળમાં તે બધા અધ્યયનનો નાદ ગાજતો કરવો, સ્વયં અધ્યયન કરવું અને અધ્યયન કરનારા દિગ્ગજ સાધુઓને તૈયાર કરવા, અને તેમના દ્વારા ગ્રંથસર્જન તેમજ મૃતોપાસના કરાવવી, એ પણ એક પડકારરૂપ અને મહત્ત્વપૂર્ણ શાસનપ્રભાવના છે. અધ્યયનનો પ્રવાહ વ્યાપક બનીને વહેવા માંડ્યો હોય અને પછી અભ્યાસીઓ તૈયાર થાય તે સારું જરૂર ગણાય, પરંતુ મહિમા તો જ્યારે બધું સાવ ખાડે ગયું હોય ત્યારે તેનું પુનરુત્થાન કરવું તેનો જ ગવાય.
શાસનસમ્રાટ શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજ અને તેમના શિષ્યસમુદાય માટે ઉપરના બન્ને મુદ્દા યથાર્થપણે લાગુ પડે છે.
જે કાળે જ્ઞાનાધ્યયન દોહ્યલું અને વિરલ બની રહ્યું હતું, તેવા કાળમાં તેઓ સ્વયં, પોતાના ગુરુદેવ શ્રીવૃદ્ધિચંદ્રજી મ.ની ભાવનાને પ્રમાણીને ભણ્યા, મહાવિદ્વાન બન્યા, શાસ્ત્રોપાસક તેમજ શાસ્ત્રસર્જક બન્યા; તો પોતાને સાંપડેલા અનેક શિષ્યોને તેમણે વિવિધ વિષયોના મહાપંડિત બનાવ્યા. તેમણે પોતે તેઓને ભણાવ્યા; પંડિતજનો પાસે પણ ભણાવ્યા; અને સ્વતંત્ર પ્રતિભાના સ્વામી બનાવી તેઓને શાસનના શરણે સમર્યા.
આ શિષ્યોમાં તેમણે વિવેક રેડ્યો. ગંભીરતા પણ સિંચી. જ્ઞાન તો આપેલું જ. ફલતઃ આ શિષ્યોની ગીતાર્થતા વિવેકપૂત બની રહી. વાચાળતા કે આડંબરથી તથા દંભથી કે અપવાદમાર્ગના અયોગ્ય અને અનાવશ્યક સેવનથી ભરેલી ગીતાર્થતા એમનામાં ન પાંગરી. એમના શિષ્યોએ ક્યારે પણ “અમે ગીતાર્થ છીએ, ગીતાર્થને બધી છૂટ હોય છે” એવાં દીન-હીન વેણ ઉચ્ચારવાની જરૂર નહોતી પડી. એમનો વિવેક જ એમને યોગ્ય પ્રસંગે યોગ્ય માર્ગ લેવાનું માર્ગદર્શન આપતો રહેતો. એને કારણે શાસનમાં કે સંઘમાં, તેમના દ્વારા લેવાતા માર્ગને કારણે, વ્યામોહ કે અવહેલનાનું વાતાવરણ કદાપિ પેદા થવા ન પામતું. એમના હાથે શાસનનો ઉદ્ધાર થાય અને લોકો ધર્મથી વિમુખ કે વિપરીત થાય તેવું ન બનતું.
દંભને કારણે અપવાદમાર્ગનું સેવન કરવા જેવી પરિસ્થિતિ પેદા થતી હોય છે, અને અપવાદમાર્ગનું સતત અને નિયમિત સેવન સ્વચ્છંદતાના દરવાજા ખોલી આપે છે, એવું અન્યત્ર જોવા મળી રહ્યું છે.