________________
એક રીતે જોઈએ તો મલધારીગચ્છની આખીયે ગુરુપરંપરા, અર્થાત્ તે પરંપરાના તમામ આચાર્યો પરમ વિદ્વાન હતા, ત્યાગમય જીવન જીવનારા હતા, અને તે દરેક આચાર્યે વિવિધ વિષયના શ્રેષ્ઠ ગ્રંથોનું સર્જન કર્યું છે. તેમાંના અનેક ગ્રંથો આજે પણ ઉપલબ્ધ છે.
પ્રાકૃતપ્રવોંધ ની જાણ ઈ.સ. ૧૯૯૧-૯૨ માં પ્રાયઃ થઈ હતી. તેનું સંપાદન કરવું એવી ઈચ્છા તે વખતે તીવ્રપણે થઈ ગયેલી, અને “અનુસંધાન'ના પ્રથમ અંકમાં જ તેના વિષે નાનકડી નોંધ પણ મૂકી હતી. મનમાં એક જ ઝંખના કે શ્રીહેમચન્દ્રાચાર્યના ગ્રંથો અને તેના પરના વિવરણાત્મક ગ્રંથો, શક્ય પ્રયત્ન, સંપાદિત અને પ્રકાશિત કરવા. જો કે તે ઝંખના તો આજે, આ ક્ષણે પણ એવી ને એવી જ તાજી ને પૂરેપૂરી છે.
તે વખતે જ આ ગ્રંથની ત્રણ-ચાર પ્રતિઓની ઝેરોક્સ કે ફોટોકોપી મેળવી હતી, અને તેના આધારે સંપાદન, પ્રતિલિપીકરણનું કાર્ય પણ આદર્યું હતું. પરંતુ અન્ય આવાં જ વિવિધ કાર્યોમાં વધારે વ્યસ્ત રહેવાનું થતાં, આ પ્રતિલિપીકરણ તથા પાઠાન્તરો નોંધવાનું કાર્ય, સાધ્વીજી શ્રીદીપ્તિપ્રજ્ઞાશ્રીજીને સોંપ્યું. પરિશ્રમથી થાક્યા વિના અને ખંતભર્યા ઉત્સાહ સાથે તેમણે બહુ જ ઝડપથી આ ગ્રંથની સુંદર પ્રતિલિપિ ઊતારી, તથા અન્ય પ્રતોના પાઠાન્તરો પણ વિસ્તારથી નોંધી લીધા.
એમની તૈયાર કરેલી એ વાચના પર એક ઝીણવટભર્યો દષ્ટિપાત કરીને તેમાં ઘટિત ફેરફારો દ્વારા સંપાદન કરવાની જવાબદારી મારી હતી. તે કરવાની ભાવના પણ હતી. પરંતુ સ્વાધ્યાય-સંશોધનને લગતાં વિવિધ અન્ય કાર્યોમાં આ કાર્ય ઠેલાતું જ જતું હતું. છેવટે મેં થાકીને આ જવાબદારી મુનિશ્રી નૈલોક્યમંડનવિજયજીને સોંપી. તેમનો અભ્યાસ તાજો હતો એટલે તેમણે આ કાર્ય હોંશભેર સ્વીકાર્યું. તેમને લાગ્યું કે ઘણા પાઠ મૂળ વાચના તરીકે લેવાવા જોઈએ તે પાઠાન્તરોમાં જતા રહે છે, અને યોગ્ય ન હોય તેવા પાઠો અનેક સ્થળે વાચનારૂપે આવી જાય છે. ઉપરાંત, અનેક પાઠાન્તરો તેમ ટિપ્પણીઓ અનાવશ્યક અને ગ્રંથનો મેદ વધારનાર હોવાનું પણ તેમને જણાયું. આથી તેમણે મારી અનુમતિ મેળવીને ગ્રંથની આખી પ્રતિલિપિ, પાઠાન્તરો-ટિપ્પણો સાથે, નવેસરથી તૈયાર કરી. તેમને પણ શ્રીકલિકાલસર્વજ્ઞ ભગવંતના ગ્રંથો પ્રત્યે અપાર ભક્તિ છે, અને તેવા મહાપુરુષના ગ્રંથ ઉપર કામ કરવામાં અનેરો આનંદ આવે છે, તેથી આ શ્રમસાધ્ય કાર્ય તેમણે બહુ જ હોશભેર કર્યું છે, તે બદલ તેમને ધન્યવાદ આપવા ઘટે.