________________
પ્રાસંગિક મલબારગચ્છના આચાર્ય શ્રીનરચન્દ્રસૂરિ મહામંત્રી વસ્તુપાલના મોસાળ પક્ષના ગુરુ હતા. તેમના ગચ્છની તથા ગુરુઓની પરંપરા આમ છે :
ગચ્છનું મૂળ નામ : હર્ષપુરીયગચ્છ. રાજસ્થાનના હર્ષપુરમાં શ્રીજયસિંહસૂરિઅભયસિંહસૂરિ નામે ગુરુ-શિષ્ય (૧૦મો શતક) દ્વારા આ ગચ્છની સ્થાપના થઈ. તેમના પટ્ટધર આ.અભયદેવસૂરિને ગુર્જરપતિ કર્ણદેવ સોલંકીએ “માલધારી’ એવું બિરૂદ આપ્યું, ત્યારે તે ગચ્છ મલધારીગચ્છના નામે પંકાયો. (વિ.સં.૧૧૨૦-૫૦). તેઓના પટ્ટધર પ્રખ્યાત વિવરણકાર આ.હેમચન્દ્રસૂરિ થયા. તેમણે અનેક શાસ્ત્રગ્રંથો ઉપર અત્યંત સુંદર ટીકાઓ લખી છે, જે જૈન સંઘમાં સૈકાઓથી સર્વમાન્ય બનીને અધ્યયનમાં વર્તે છે. તેમની પાટપરંપરામાં શ્રીચન્દ્રસૂરિ – મુનિચન્દ્રસૂરિ - દેવપ્રભસૂરિ થયા; અને તેમની પાટે શ્રીનરચન્દ્રસૂરિ થયા. તેમનો સત્તાસમય તેરમો સૈકો છે.
શ્રીનરચન્દ્રસૂરિએ નારચન્દ્ર જૈન જયોતિષસાર, કથારત્નાકર, અનઘેરાઘવટિપ્પનક જેવા અનેક વિદ્વત્તાપૂર્ણ ગ્રંથો રચ્યા છે. પ્રસ્તુત પ્રાકૃતપ્રવધિ પણ તેમની જ એક અભ્યાસપૂર્ણ ગ્રંથરચના છે. આમાં તેમણે સિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનના આઠમા અધ્યાયરૂપ પ્રાકૃતવ્યાકરણના પ્રયોગોની સાધનાપ્રક્રિયા વર્ણવીને પ્રાકૃતવ્યાકરણના વિદ્યાર્થીઓ માટે એક અધિકૃત અને સિદ્ધહેમનાં રહસ્યોને ખોલી આપનારું વિશ્વાસાઈ સાધન નિમ્યું છે.
તેઓ પરમ વિદ્વાન તો હતા જ, સાથે સાથે પરમ સંયમી પણ હતા, એમ પ્રબંધગ્રંથોમાં તેમના વિશેની વાતો જોવાથી જણાઈ આવે છે. વસ્તુપાલ મંત્રીના મૃત્યુનો દિવસ, તેમણે વર્ષ-માસ-તિથિ સાથે, ૧૦ વર્ષ અગાઉ કહી દીધેલો, અને તે પછી, તેમની પ્રેરણા તથા માર્ગદર્શન પ્રમાણે મંત્રીએ પોતાના જીવનને ધર્મકરણીમાં સવિશેષ વાળ્યું હોવાનું પણ સમજાય છે.