________________
ગ્રન્થપરિચય
ધર્મસંગ્રહ નામનો આ ગ્રંથ અપેક્ષાએ સ્યાદ્વાદનો દરીયો છે. સ્યાદ્વાદી એવા પરમપૂજ્ય મહોપાધ્યાય શ્રીમાનવિજયજીમહારાજસાહેબ એના કર્તા છે અને મહાસ્યાદ્વાદી એવા મહોપાધ્યાય શ્રીયશોવિજયજીમહારાજસાહેબ એના સંશોધનકર્તા તથા ટિપ્પણકાર છે. એ કારણે એમાં ધર્મના પ્રત્યેક અંગોનો સંગ્રહ થવા ઉપરાંત પ્રત્યેક અંગના ઔચિત્ય - અનૌચિત્યનો પૂર્ણતયા વિવેક કરવામાં આવ્યો છે.
કઈ ભૂમિકાવાળા જીવ માટે કયો અને કેટલો ધર્મ કેવી રીતે મોક્ષનો હેતુ બને છે, તથા પોતપોતાના સ્થાને ધર્મના પ્રત્યેક અંગો કેટલું મહત્વ ધરાવે છે, તેનું સ્પષ્ટ વિવેચન આ ગ્રંથમાં મળી રહે છે.
ગ્રંથકારશ્રીએ ગ્રંથમાં નવું કંઈ જ કહ્યું નથી. પૂર્વ મહર્ષિઓએ જે વાતો કહી છે, તેની તે જ કહી છે. તો પણ તેની સંકલના એવી સુંદર રીતે કરી આપી છે કે આ એક જ ગ્રંથને ભણવાથી કે વાંચવાથી ચારે અનુયોગનો સાર સમજાઈ જાય છે. ધર્મના ચારે અંગો દાન, શીલ, તપ અને ભાવ અથવા દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ સંબંધી આવશ્યક સઘળીય માહિતી આ ગ્રંથમાં મળી રહે છે. વધારે મહત્વની વાત તો તે છે કે આગમશૈલી અને યોગશૈલીનું મિલાન કેવી રીતે થાય તેને સમજવા માટે આ ગ્રંથ એક અન્ય ભોમિયાની ગરજ સારે છે.
પં. શ્રી ભદ્રંકરવિજયગણી [ ધર્મસંગ્રહ ભાષાંતર ભા.૨ની ‘ભૂમિકા’માંથી સાભાર ]