________________
વસ્તુને યોગ્ય રીતે મૂલવતાં આવડે તો માન – ધ્યાનથી બચી શકાય, ઘણી વાર માન મેળવવાં માયા પણ કરે. એમાં સફળતા ન મળે એટલે ક્રોધ આવે. માનની આગળ પાછળ માયા, લોભ અને ક્રોધ બેઠાં જ છે.
જેને સારાં બનવું છે, તેને માયા કરવાની ક્યાંય જરૂર નથી. જેને સારા દેખાવું છે તેને માયા કર્યા વિના ચાલે નહીં. દરેક સ્થાને પોતાનું વર્ચસ્વ જમાવવાનો પ્રયત્ન કરે. આ પણ માયાધ્યાન છે. કષાયોને જીતવાં ઉમાસ્વાતિજીનું પ્રશમરતિ, હરિભદ્રસૂરિજીનું સમરાઇચ્ચકહા અને સિદ્ધર્ષિ ગણિનું ઉપમિતિ ભવપ્રપંચા તથા મુનિસુંદરજીનું અધ્યાત્મકલ્પદ્રુમ આવાં ગ્રંથો વારંવાર વાંચવાં અને ચિંતન કરીને જાતને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ.
આ માનને જ્ઞાનીઓએ વૃક્ષની ઉપમા આપી છે. વૃક્ષ ટટ્ટાર હોય તેમ માન પણ ટટ્ટાર હોય છે. માનરૂપી વૃક્ષને જડમૂળથી ઉખેડવું જરૂરી છે, એનાં માટે નદીનો ધસમસતો પ્રવાહ જોઈએ. નમ્રતા, વિનય વિના સાધનાની શરૂઆત શક્ય નથી. વિનય શાસનનું મૂળ છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર્ય કે તપમાં પણ વિનય જોઈએ. માનની સજ્ઝાયમાં કહ્યું છે કે, ‘‘માને વિનય ન આવે, વિનય વિના વિદ્યા નહીં, તો કિમસમકિત પાવે, સમકિત વિના ચારિત્ર્ય નહીં, તો કિમ લહીએ મુક્તિ.’ આમ મોક્ષનું મૂળ વિનય છે. ઉત્તરાધ્યન સૂત્રમાં પણ પહેલું જ અધ્યયન વિનયનું મૂક્યું છે.
અહીંયા શ્રી ઉદયરત્નસૂરિજીએ માનની સજ્ઝાયમાં માન વિષે ટૂંકમાં ઘણું બધું કહી દીધું છે.
62