________________
તે વખતે વિચારવાનું કે, મારાં પોતાના પાપનો ઉદય છે, સામો માણસ તો નિમિત્ત છે. આવો વિચાર આવે તો ક્રોધધ્યાનથી બચી શકાય. જો આપણો પાપોદય ચાલુ ન હોય તો કોઈ આપણો વાળ પણ વાંકો ન કરી શકે. કર્મને આધીન દુઃખનાં પ્રસંગો તો આવે જ પણ ધર્મનો રસિયો તે પ્રસંગને દુઃખરૂપ ન માને. તે જાણે છે કે,
‘બંધ સમયે ચિત્ત ચેતીએ ઉદયે શો સંતાપ -'
એટલે ક્રોધ કરતી વખતે ધ્યાન રાખવાનું હતું, હવે જ્યારે કરેલા કર્મનો ઉદયકાળ આવે ત્યારે સંતાપ કર્યા સિવાય શાંતિથી સહન કરી કર્મનિર્જરા કરવી. એટલે જો દુ:ખને શાંતિથી સહન કરો તો દુ:ખ એ આત્માને ચોખ્ખો કરવાનું નિમિત્ત ગણાય છે. કુમારપાળ મહારાજાને ઝેર અપાયું. તેની જડીબુટ્ટી ભંડારી લાવી ન શક્યો તો પણ કુમારપાળ મહારાજા ભંડારી ઉપર ગુસ્સે ન થયા અને પાપનો ઉદય સમજી ક્રોધે ન ભરાયા.
એક રૂમમાં ૧૦ જણ સૂતાં હોય રાત્રે સાપ આવ્યો. દરવાજે સૂતેલાંને ન કરડે અને ૧૦મી પથારીએ જેનો પાપોદય હોય તેને કરડી જાય, બોલો આવું બને કે ન બને? કોઈ પાંચમે માળેથી પડે અને બચી જાય અને જેનો પાપોદય હોય તે રસ્તા પર ચાલતો હોય બરોબર એની ઉપર જ પેલો પડે, રસ્તે ચાલનારો મરી જાય, બોલો આવું બને કે ન બને? પાપનો ઉદય હોય તો સગો દીકરો કે પત્ની પણ શત્રુ બને અને પાપનો ઉદય ન હોય ત્યારે શત્રુ પણ આવીને તમારું કામ કરી જાય.
કર્મને આધીનદુ:ખના પ્રસંગો તો આવે જ, પણ ધર્મનો રસિયો તે પ્રસંગને દુઃખરૂપ ન માને તેને ખબર જ હોય કે ‘બંધ સમયે ચિત્ત ચેતીએ ઉદયે શો સંતાપ”